National

દિલ્હીમાં આજથી ‘ભારત ટેક્સી’ સેવા શરૂ, જાણો સંપૂર્ણ માહિતી

રાજધાની દિલ્હીમાં આજે 1 જાન્યુઆરી 2026થી સરકારી સહકારી કેબ સેવા ‘ભારત ટેક્સી’નો સત્તાવાર પ્રારંભ થવાનો છે. સરકાર સમર્થિત આ નવી કેબ સેવા ખાનગી કેબ કંપનીઓના એકાધિકાર અને વધતા ભાડાં સામે એક મજબૂત વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. વધતા ભાવ, સર્જ ચાર્જ અને ગ્રાહક ફરિયાદોથી પરેશાન મુસાફરો માટે ભારત ટેક્સી એક રાહતરૂપ પહેલ માનવામાં આવી રહી છે.

ભારત ટેક્સી એક સહકારી મોડેલ પર આધારિત પ્લેટફોર્મ છે. જેનો મુખ્ય હેતુ જનતાને સસ્તી, પારદર્શક અને સલામત મુસાફરી સેવા પૂરી પાડવાનો છે. આ સેવાને વિશ્વના સૌથી મોટા ડ્રાઇવર-માલિકી નેટવર્ક તરીકે ઓળખાવવામાં આવી રહી છે. કાર, ઓટો અને બાઇક ત્રણેય કેટેગરીમાં કુલ 56,000થી વધુ ડ્રાઇવરો પહેલેથી જ દિલ્હી અને ગુજરાતમાં નોંધાયેલા હોવાનું જણાવાયું છે. હાલ સેવા દિલ્હીમાં શરૂ થઈ રહી છે અને ભવિષ્યમાં અન્ય રાજ્યોમાં પણ તેનો વિસ્તાર થવાની શક્યતા છે.

મુસાફરો ભારત ટેક્સીની સેવા માટે સરકાર દ્વારા સંચાલિત ભારત ટેક્સી મોબાઇલ એપ્લિકેશન મારફતે બુકિંગ કરી શકશે. રાઇડર અને ડ્રાઇવર બંને માટે અલગ-અલગ એપ્સ ઉપલબ્ધ છે. જે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. એપમાં રીઅલ-ટાઇમ કેબ ટ્રેકિંગ, ડ્રાઇવરની સંપૂર્ણ વિગતો અને ભાડાની સ્પષ્ટ માહિતી આપવામાં આવશે.

ભારત ટેક્સીની સૌથી મોટી ખાસિયત તેનું ભાડું માળખું છે. આ પ્લેટફોર્મ પર સર્જ પ્રાઇસિંગ લાગુ નહીં થાય એટલે કે પીક અવર્સ કે ખરાબ હવામાન દરમિયાન પણ મુસાફરોને વધારાનું ભાડું ચૂકવવું નહીં પડે. આ બાબત ખાનગી કેબ કંપનીઓ માટે મોટો પડકાર બની શકે છે.

ડ્રાઇવરો માટે પણ આ મોડેલ લાભદાયક હોવાનું કહેવાઈ રહ્યું છે. સહકારી સંસ્થા મુજબ ડ્રાઇવરોને મુસાફરો પાસેથી મળતું લગભગ 80 ટકા અથવા તેથી વધુ ભાડું સીધું જ મળશે. જેનાથી તેમની આવકમાં વધારો થશે.

સલામતી બાબતે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તમામ ડ્રાઇવરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત રહેશે. સાથે જ એપમાં ઇમરજન્સી બટન, લાઇવ લોકેશન શેરિંગ અને ટ્રિપ હિસ્ટ્રી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.

આ રીતે ભારત ટેક્સી દિલ્હીના મુસાફરો માટે સસ્તી, સલામત અને પારદર્શક મુસાફરીનો નવો વિકલ્પ બની શકે છે.

Most Popular

To Top