નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ્યાં એક તરફ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. ત્યાં બીજી તરફ ગાઢ ધુમ્મસે રેલ મુસાફરોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં સતત છવાયેલા ગાઢ ધુમ્મસના કારણે રેલવે વ્યવહાર પર ગંભીર અસર પડી છે. ખાસ કરીને દિલ્હી–હાવડા રેલ માર્ગ પર દોડતી અનેક પ્રીમિયમ ટ્રેનો આજે પણ ઘણા કલાકો મોડી ચાલી રહી છે.
છેલ્લા પખવાડિયાથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન પરથી પસાર થતી લગભગ બધી ટ્રેનો ગાઢ ધુમ્મસના કારણે સમયસર દોડી શકી નથી. પટના તેજસ રાજધાની, સિયાલદાહ એક્સપ્રેસ, ભુવનેશ્વર રાજધાની, હાવડા રાજધાની સહિત મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સતત વિલંબ નોંધાઈ રહ્યો છે. નવા વર્ષના પહેલા દિવસે પણ આ સ્થિતિ યથાવત રહી છે.
રેલવે વિભાગે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે 1 જાન્યુઆરીના રોજ ચાર ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો. રદ કરાયેલી ટ્રેનોમાં દેહરાદૂન–હાવડા ઉપાસના એક્સપ્રેસ, કામાખ્યા–આનંદ વિહાર નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ, સિયાલદાહ–અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને અમૃતસર–ટાટાનગર જલિયાંવાલા બાગ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અનેક ટ્રેનો ભારે વિલંબ સાથે દોડી રહી છે. આનંદ વિહાર–અગરતલા તેજસ રાજધાની એક્સપ્રેસ લગભગ 8 કલાક મોડી છે, જ્યારે નવી દિલ્હી–સિયાલદાહ રાજધાની એક્સપ્રેસ 13 કલાકથી વધુ વિલંબમાં છે. બ્રહ્મપુત્ર મેલ, મગધ એક્સપ્રેસ, સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ, પુરુષોત્તમ એક્સપ્રેસ અને અમૃત ભારત એક્સપ્રેસ પણ 4થી 11 કલાક સુધી મોડી ચાલી રહી છે.
ઠંડી અને ધુમ્મસની તીવ્રતાને કારણે મુસાફરોને રેલવે સ્ટેશનો પર લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. રેલવે પ્રશાસને મુસાફરોને સલાહ આપી છે કે તેઓ મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ ચકાસે અને સત્તાવાર માહિતી માટે રેલ્વે હેલ્પલાઇનનો ઉપયોગ કરે.