એકના એક દિવસ પ્રત્યેક માનવી વૃદ્ધ થવાનો જ છે. યુવાની હંમેશ માટે કોઈની ટકતી નથી અને મૃત્યુ પણ અનિવાર્ય સત્ય છે જ, પણ ઘડપણ કઈ રીતે ગરિમાયુક્ત બને એ માનવીની માનસિકતા પર આધારિત છે. જૂની રૂઢિગત માન્યતા જે વિજ્ઞાનની વિરુદ્ધ હોય એને તિલાંજલી અવશ્ય અર્પણ કરવી. હવેની પેઢીને પરંપરાગત રૂઢિઓ કદાચિત માન્ય ન પણ હોય. વડીલ તરીકેનું માન-સન્માન સ્વયંનું જાળવવું હોય તો માંગ્યા વિના સલાહ ન જ આપો.
આજની મોંઘવારીમાં બે વ્યક્તિ આર્થિક ઉર્પાજન કરે એ યથાયોગ્ય છે તો ખાસ કરીને શિક્ષિત પુત્રવધૂ હોય તો એને જોબ કરવાની છૂટ અવશ્ય પરિવાર દ્વારા પ્રાપ્ત થવી જોઈએ. બાળ ઉછેરમાં હવે ઘણો ફેરફાર આવ્યો છે. તો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવી મેડિકલ સાયન્સને માન આપીએ. આપણી તંદુરસ્તી આપણા જ હાથમાં છે. એ સૂત્ર યાદ રાખી શક્ય હોય એટલું સ્વાસ્થ્ય સાચવવું. કાયમી માંદગી અને ફરિયાદથી પરિવારજનો મનોમન જરૂર કંટાળે, ઉંમર થાય એટલે સ્વાસ્થ્યલક્ષી સમસ્યા તો થવાની જ. પણ ઈલાજ કરતાં અટકાવ સારો. એ ઉક્તિને અનુસરી પહેલેથી જ સચેત રહેવું.
આજની અમુક ફેન્સી વાનગી ન ભાવતી હોય કે અનુકૂળ ન હોય તો નમ્રતાપૂર્વક વિરોધ દર્શાવવો જરૂરી. બે કે ત્રણ પેઢી વચ્ચે વૈચારિક ઘર્ષણ તો રહેવાનું જ પણ બંને પેઢીએ સમાધાનનો સેતુ રચવો. વડીલો પાસે અનુભવનું ભાથું છે અને યુવા પેઢી પાસે અવનવા વૈજ્ઞાનિક વિચારોથી સભર દૃષ્ટિકોણ છે. બંને પક્ષે એકમેકને સમજવા આવશ્યક જેથી પારિવારિક શાંતિ જળવાઈ રહે, વિભક્ત કુટુંબની નોબત ન આવે.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.