“સાહેબ માટે વ્યવહાર કરવો પડશે” કહી ₹2,000ની લાંચ માગવી ભારે પડી
જાગૃત નાગરિકે 1064 પર ફરિયાદ કરતા ગોધરા ACBની સફળ ટ્રેપ
પ્રતિનિધિ ગોધરા તા.01
પંચમહાલ જિલ્લામાં ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન અંતર્ગત ગોધરા ACBએ મોટી કાર્યવાહી કરી છે. ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY-G)ની કામગીરી સંભાળતા કોન્ટ્રાક્ટ બેઝ કોમ્પ્યુટર ઓપરેટરને ₹2,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આવાસ યોજનાનો બીજો હપ્તો મંજૂર કરવા માટે આરોપીએ લાભાર્થી વતી ગયેલા જાગૃત નાગરિક પાસે લાંચની માંગણી કરી હતી.
ઝડપાયેલો આરોપી સોબાન સિરાજ મજીદ બાગવાલા ઘોઘંબા તાલુકા પંચાયતમાં PMAY શાખામાં ફરજ બજાવે છે. ફરિયાદીના ફળિયાના એક લાભાર્થીનું મકાન મંજૂર થયું હતું અને લિંટલ સુધીનું કામ પૂર્ણ થતાં તેમને બીજા હપ્તાની જરૂર હતી. આ માટે જરૂરી કાગળો અને ફોટા સાથેની ફાઈલ જમા કરાવવા ગયા ત્યારે આરોપી સોબાને ડેટાબુક ચેક કર્યા બાદ “સાહેબ માટે વહેવાર કરવો પડશે” તેમ કહી ₹2,000ની માંગણી કરી હતી.
લાંચ આપવા ન માંગતા જાગૃત નાગરિકે ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કર્યો હતો. જેના આધારે આજે તા. 01/01/2026ના રોજ ગોધરા ACB પી.આઈ. એચ.પી. કરેણ અને તેમની ટીમે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીના પહેલા માળે ખુલ્લી અગાસીમાં છટકું ગોઠવ્યું હતું. આરોપી સોબાને ફરિયાદી સાથે વાતચીત કરી લાંચના ₹2,000 સ્વીકારતા જ ACB ટીમે તેને દબોચી લીધો હતો અને લાંચની રકમ કબજે કરી હતી.આ સફળ કામગીરી ACB પંચમહાલ એકમ ગોધરાના મદદનીશ નિયામક બી.એમ. પટેલના સુપરવિઝન હેઠળ અને વડોદરા રેન્જ નાયબ નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શનમાં પાર પાડવામાં આવી હતી. ગરીબ લાભાર્થીઓના હક્કના મકાનમાં પણ કટકી કરતા કર્મચારી ઝડપાતા સરકારી આલમમાં ફફડાટ ફેલાયો છે.