સુરત રેલવે સ્ટેશન પર બાળકો પાસે સોનાના દાગીના ચોરાવતી પારઘી ગેંગને એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. ભીડવાળી જગ્યા પર ફુગ્ગા અને રમકડાં વેચવાનું કામ કરવાની આડમાં આ ગેંગ બાળકો પાસે ચોરી કરાવતી હતી. એલસીબી પોલીસે સોશિયલ મીડિયાની મદદથી ગેંગને પકડી હોવાની વિગતો જાણવા મળી છે. પોલીસે રૂપિયા 15 લાખથી વધુની ચોરીના કેસ ઉકેલ્યા છે.
- LCB પોલીસે મહારાષ્ટ્રની પારધી ગેંગને ઈન્સ્ટાગ્રામ આઈડી મારફતે પકડી પાડી, પોલીસે 15 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો
- આરોપીઓ ભીડ ભાડ વાળી જગ્યા ઉપર ફુગ્ગા અને રમકડા વેચવાનું કામ કરે, બાળકીઓ પાસે ભીખ મંગાવતા અને મોકો મળતા ચોરી કરાવતા
- આરોપીઓ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ પાંડેસરામાં ઝુપડું છોડી જતા રહ્યા હતા, પોલીસે તેના આધારે મોબાઈલ નંબર પણ શોધી કાઢ્યો હતો
- આરોપીઓ મહારાષ્ટ્રના અમરાવતીમાં હોવાનું સામે આવ્યું હતું, ચોરી કરવા ફરી સુરત આવ્યા ત્યારે ઝડપી પાડ્યા
સુરત રેલવે પોલીસના ડીવાયએસપી અભય સોનીએ જણાવ્યું કે, સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈ તા. 16મી ડિસેમ્બરે ચોરીની ઘટના બની હતી. રાજસ્થાનથી નૈમીચંદ જૈન આવ્યા હતા. પ્લેટફોર્મ 2 પર ઉતર્યા હતા. એક સોનાના દાગીનાનું પર્સ ચોરાઈ ગયું હતું. એલસીબી અને રેલવે પોલીસે સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી હતી.
પાંડેસરાના કૈલાસનગરનું પગેરું મળ્યું હતું, પરંતુ તપાસ કરતા ઝૂંપડા ખાલી કરી ચોર ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ચોર મહારાષ્ટ્રના બુલઢાણા ભાગી છૂટ્યાની માહિતી મળતા પોલીસે મહારાષ્ટ્રમાં તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ ઈન્સ્ટા આઈડીની મદદથી ચોરનું પગેરું શોધ્યું હતું. મોબાઈલનું લોકેશન અમરાવતી મળ્યું હતું. તેથી ત્યાં ટ્રેક કર્યા હતા. ચોર ટોળકી ફરી સુરત ચોરી કરવા આવ્યા ત્યારે ઝડપી પાડ્યા.
ચોરીમાં બાળકોનો ઉપયોગ કરતા હતા
નાના બાળકોને ભીખ માંગવા મોકલી વડીલોને ટાર્ગેટ કરતા. વડીલો પાસે સોનાના દાગીના કે કિંમત ચીજવસ્તુના પર્સ હોય તે બાળકો તફડાવી લેતા હતા. ચોરી કર્યા બાદ ટોળકી સુરત છોડી ભાગી જતી હતી.