પરશુરામ ભઠ્ઠા અને ભૂતડી ઝાંપામાં 15 દિવસથી જોખમી સ્થિતિ; સ્થાનિકોએ પાલિકા તંત્ર પર આકરા પ્રહારો સાથે જનાક્રોશ ઠાલવ્યો
વડોદરા : એક તરફ વડોદરાને ‘સ્માર્ટ સિટી’ બનાવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરના અનેક વિસ્તારોમાં ‘મોતના મુખ’ સમાન ખુલ્લી ગટરો અને કાંસ નાગરિકોના જીવ લઈ રહી છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ખુલ્લી ચેમ્બરમાં પડી જવાથી એક યુવકના કરુણ મોત બાદ પણ પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે. શહેરના પરશુરામ ભઠ્ઠા અને ભૂતડી ઝાંપા વિસ્તારમાં તંત્રની ભયાનક બેદરકારી સામે આવી છે.

શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ગટરો ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે. આ ગટરની બિલકુલ બાજુમાં જ ગીચ રહેણાંક વિસ્તાર આવેલો છે, જ્યાં નાના બાળકો દિવસભર રમતા હોય છે.

સ્થાનિક રહીશો દ્વારા ગટર ઢાંકવા માટે અનેકવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે સ્થાનિક સામાજિક કાર્યકરો અને રહીશોએ પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, “શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? શું હજી કોઈ બાળક કે નાગરિકનો જીવ જશે ત્યારે જ પાલિકાના અધિકારીઓની આંખ ઉઘડશે?”

આવી જ પરિસ્થિતિ ભૂતડી ઝાંપા સ્થિત પાલિકાના વ્હીકલ પુલ પાસે જોવા મળી રહી છે. 15 દિવસ પહેલા સફાઈ કામગીરી દરમિયાન પાલિકાના જ JCB ના ટાયરથી વરસાદી કાંસ પર મોટું ગાબડું પડ્યું હતું. આ માર્ગ પર ભારે અવર-જવર રહેતી હોવા છતાં, તંત્રએ આ ગાબડાને પૂરવાની કે ત્યાં સાવચેતીના બોર્ડ મારવાની તસ્દી સુદ્ધાં લીધી નથી.
માંજલપુરની ઘટનામાં પાલિકાએ યુવકનો જીવ ગયા પછી ચેમ્બર બંધ કરી ‘મોડે મોડે ડહાપણ’ વાપર્યું છે, ત્યારે પરશુરામ ભઠ્ઠા અને અન્ય વિસ્તારોના રહીશો માંગ કરી રહ્યા છે કે કોઈ અન્ય અઘટિત ઘટના બને તે પહેલા આ ‘મોતના મુખ’ સમાન ગટરોને સત્વરે ઢાંકવામાં આવે.
રાત્રિના સમયે જીવનું જોખમ બમણું…
સમગ્ર શહેરમાં ડ્રેનેજ અને લાઈન નાખવાની કામગીરી અસ્તવ્યસ્ત રીતે ચાલી રહી છે. જે સ્થળોએ જોખમી ખાડા કે ગટરો ખુલ્લી છે, ત્યાં:
*બેરિકેડિંગનો અભાવ: ભયજનક હોવા છતાં સુરક્ષા માટે કોઈ આડશ મુકવામાં આવી નથી.
*લાઈટનો અભાવ: રાત્રિના સમયે અંધારું હોવાને કારણે વાહનચાલકો કે રાહદારીઓને આ ખાડા દેખાતા નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત રહે છે.