મકાનો વેચવા કાઢતા બિલ્ડરે આચરેલા કૌભાંડનો પર્દાફાશ થયો :
મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ અને પોલીસ કમિશ્નરને રજૂઆત છતાં બિલ્ડર વિરુદ્ધ તપાસ ઠેરની ઠેર :
( પ્રતિનિધિ )વડોદરા,તા.30
વડોદરા શહેરના માણેજા જાંબુઆ રોડ પરના સહજ ફ્લોરેન્સિયાના બિલ્ડર અર્પિત જોશીએ લોકોને જાણ કર્યા વિના બારોબાર મકાનો સહિતની પ્રોપર્ટી બેંકમાં મોર્ગેજ કરી દઈ લોકોને અંધારામાં રાખ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અન્ય બેન્ક દ્વારા મકાનો સિલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકોએ બિલ્ડર અને તેની સાથે બેન્કના મળેલા મેનેજર સહિતના કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. સાથે વકીલની સલાહ બાદ હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વડોદરાના માણેજા જાંબુઆ રોડ પર આવેલા સહજ ફ્લોરેન્સિયાના બિલ્ડરે લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. બિલ્ડર અર્પિત જોશી સામે અગાઉ મકરપુરા પોલીસ મથકમાં તેમજ પોલીસ કમિશ્નરને રજૂઆત સાથે વકીલ મારફતે નોટિસ પણ આપી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહિ થતા બિલ્ડરે કરેલી છેતરપિંડીને લઈ મકાનો બેન્ક દ્વારા સિલ મારવાની તજવીજ હાથ ધરાતા સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ લગાવી નારાજગી દર્શાવી હતી.

સહજ ફ્લોરેન્સિયામાં રહેતા આશીષભાઈએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, વિવાદમાં એવું છે કે, અમે જે મકાન લીધા છે, જે એચડીએફસી બેન્કમાંથી લીધેલા, એચડીએફસી બેન્કમાંથી બિલ્ડરે જ અમને લોન કરાવી આપી હતી અને જે તે સમયે બિલ્ડરે અમને મકાન આપ્યા તે વખતે બધું એવું કહ્યું હતું કે, પ્રોપર્ટીના બધા ડોક્યુમેન્ટ ક્લિયર છે. ત્યારબાદ એ પ્રોપર્ટી અમારે નહીં જોઈતા અમે તેને સેલ કરવા માટે વિચાર્યું હતું. અમે બેંકમાં જે પાર્ટીને આપ્યું, એ પાર્ટીએ ત્યાં બેંકમાં બીજી કોઈ બીજી બેંકમાં લોન કરવા મૂકી હતી. ત્યાંથી જાણવા મળ્યું કે, આ પ્રોપર્ટી 2019 માં જે અમે લીધી એના બે વર્ષ પહેલાં એક ફાઇનાન્સ કંપનીમાં બિલ્ડરે મોર્ગેજ કરેલી છે, અને તેથી અમે આની જાણ બેંકમાં કરી કે, આવો કોઈ પ્રોબ્લેમ છે.

બેંકને કહ્યું કે, તમે જોયું નથી કે આ સમસ્યા છે. ત્યારે, બેંક વાળા એવું કહે છે કે અમારું કામ નથી પ્રોપર્ટી સર્ચ કરવાનું અને પ્રોપર્ટીને લીગલ ટેકનિકલ કરવાની તમારી જવાબદારી છે. એચડીએફસી આવું કોઈ કામ કરતી નથી. જે અમે એટીએમ હોય પ્રોપર્ટી એને અમે ફરીવાર સર્ચ કરતા નથી. અમે બિલ્ડરના ભરોસે લોન આપી દઈએ છીએ. ત્યારબાદ વારંવાર રજૂઆત કરતા એચડીએફસીમાં કોઈ પણ ત્યાં જવાબદાર માણસ મળતો ન હતો, અને કોઈ વ્યવસ્થિત જવાબ આપતું ન હતું, તેથી અમે લેખિતમાં આપ્યું કે, અમે હપ્તા ભરીશું નહીં. કારણકે મકાનની જે માલિકી છે. એ કદાચ અમારા હાથમાં રહે પણ નહીં ભવિષ્યમાં, એટલે અમે હપ્તા બંધ કરી દીધા. ત્યારબાદ એચડીએફસી બેન્કમાં વારંવાર જવાથી એક સાહેબે કહ્યું કે, તમે હપ્તા ભરવાના ચાલુ કરી દો. જેથી અમે રેગ્યુલર હપ્તા ભરવાના ચાલુ કરી દીધા છે, છતાં પણ બેંક એક ભૂલ થઈ ગઈ છે, એમાંથી છટકવા માંગે છે. હવે છટકી જઈ તેમણે ડાયરેક્ટ કોર્ટમાંથી હુકમ લઇ અને સીધા મકાનોને સીલ મારી દીધા, અમારા મકાનોને સીલ મારવામાં આવ્યા છે. બિલ્ડરનું નામ છે અર્પિત જોશી. અને બીજું જાણવા એવું મળ્યું છે કે, અહીંયા સોસાયટીનું ત્રણથી ચાર કરોડનું જે ફંડ છે. એ પણ એ લઈને જતો રહ્યો છે. અહીંયા સોસાયટીને પરત કર્યું નથી. બિલ્ડરે આવી રીતે અહીંયા 15 પ્રોપર્ટી મોર્ગેજ કરી દીધેલી છે. દસ મકાનો અને પાંચ દુકાનો છે અને એવી અલગ અલગ બેંકોમાં એણે આવી રીતે બેંકના મેનેજર જોડે ગમે તે રીતે સેટીંગ કરી અને લોનો કરાવી દીધી છે.
બિલ્ડર સામે કોઈ કાર્યવાહી થતી નથી
જાણવા એવું મળે છે કે આમાં બેન્કનો કંઈકને કંઈક જગ્યાએ રોલ તો છે જ, બાકી બેંકના કર્મચારીઓના રોલ વગર આટલું મોટું કૌભાંડ થઈ શકે તેમ નથી. અત્યારે મકાનો પર બેંક સીલ મારવાની તજવીજ કરી રહી છે. આની ફરિયાદ પણ અમે પોલીસ કમિશનરને કરેલી છે, પણ ત્યાંથી પણ કોઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોઈ તપાસ જ આગળ થઈ નથી. વકીલ મારફતે પણ નોટિસ મોકલેલી છે. જે રીતે વકીલનું માર્ગદર્શન થશે અને આમાં લીગલી કામ થતું હશે, એ રીતે અમે બધા આગળ વધીશું. એક વર્ષ પહેલાં પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપેલી હતી , છતાં પણ પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી થઈ ન હતી અને એવું લાગે છે કે, આમાં જે બિલ્ડર છે એનો લાંબો હાથ છે અને બિલ્ડર બધી જગ્યાએ પહોંચેલો છે. કોઈપણ જગ્યાએ કોઈ સરકારી માણસ આ બાબતમાં કામ કરતું નથી.
વકીલના માર્ગદર્શનથી આગળની રણનીતિ ઘડીશું :
રહીશ જયેશભાઈએ જણાવ્યું હતું કે, મારું ડી 503 માં મકાન આવેલું છે. અમે 2021 માં બિલ્ડર પાસેથી આ મકાન ખરીદ કર્યું હતું. પરંતુ સંજોગોવસાત જે પ્રોપર્ટીનું વેચાણ 2024 માં કરવા ગયા, ત્યારે અમને જાણ થઈ આ મકાન એટલે કે પ્રોપર્ટી પર 2019 માં ધિરાણ લીધેલું છે અને મોર્ગેજ કરેલી પ્રોપર્ટી છે. જેથી બેંક આગળ એમાં ધિરાણ ક્લિયર થાય નહિ ત્યાં સુધી આગળ દસ્તાવેજ કરી શકે તેમ નથી અને ત્યાર પછી એમાં બેંકના જે તે સમયના કર્મચારીઓની પણ સંડોવણી હોઈ શકે, જેણે લોન કરી હતી. લોકોને પણ અપીલ છે કે, જે તે પ્રોપર્ટી લેતી વખતે તમારે તમારી રીતે સ્વતંત્ર રીતે પણ ટેકનિકલ સર્ચ કે લીગલ સર્ચ કરાવવું હિતાવહ રહેશે. બિલ્ડર પર ભરોસો તો થોડા ઘણા અંશે રાખી શકાય. પરંતુ સંપૂર્ણપણે એના પર વિશ્વાસ રાખ્યા વગર સ્વતંત્ર રીતે ચકાસણી કરાવી જ જોઈએ. અમે આગળ વકીલોના માર્ગદર્શનથી આગળની રણનીતિ ઘડીશું. આજે મકાનો સીલ મારીને જાય છે. બેંક વાળા એ પરત મળે તો અમારી પાસે ખરીદનાર વ્યક્તિઓ પણ છે, તો બેંક વાળાને રજૂઆત છે કે, તેમની લોન કરી અને પ્રોપર્ટીનો નિકાલ કરે અથવા તો આ સમસ્યાનો ઉકેલ લાવે.