છાપાને ખબર છે કે બીજા દિવસે પસ્તીમાં જ ફેંકાવાનો છું. છતાં ફરફરિયાંના દમામ ભારી બહુ! બેગાની શાદીમેં અબ્દુલ્લા દીવાના જેવું! એવાં બનીઠનીને આવે કે, જાણે નાગ ઉપર દેડકી ડાન્સ કરે! વર્ષોથી છાપાની બોલબાલા છે દાદૂ, એટલે સ્વાભાવિક છે કે, છાપાની ગર્લફ્રેન્ડ હોય એમ, ફરફરિયા ફફડતાં જ હોય કે, “તું જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા!” છાપાનો ખભો નહીં છોડે! ફાટે પણ ફીટે નહીં. કોઈ કાળા-ધોળા હોય તો કોઈ ફેસિયલ કરાવીને આવ્યા હોય એમ, ‘ઇસ્ટમેન કલર’માં જોવા મળે! પરણેતર કરતા કુરેલી સારી લાગે, એવું ફિલ કરાવી દે! છાપા વગર ફરફરિયાંને ગૃહ પ્રવેશ કરવાની હિંમત નહીં ચાલે.
જે દિવસે છાપું મોડું પડે તે દિવસે. ફરફરિયાં પણ મોડા પડે. આ બંને માનવીના એવા વ્યસન બની ગયા કે, સવારમાં છાપું ઓટલે નહીં પડે તો, ગર્લફ્રેન્ડ મોડી પડી હોય એટલો ઉત્પાત થવા માંડે. પૃથ્વી રસાતાળ થઇ જતી હોય એવો ઉદ્વેગ આવી જાય! નબળા ગ્રહો આંગણામાં નાચ કરતા હોય એવું લાગે. ચોઘડિયા કાળ પરિવર્તન પામ્યા હોય એમ સવાર લુખ્ખી લાગે. ગૃહ-ભાર્યાએ ભલે હુંફાળા પ્રેમથી મલમલ જેવી ચાહ બનાવી હોય પણ કારેલાના જ્યુસ જેવી લાગે. આવી છે છાપાની અને ફરફરિયાની મોહમાયા! મોહમાયાનો ત્યાગ કરીને જેમણે સંસાર ત્યાગી, ભગવા ધારણ કર્યા છે, એ પણ આવી મોહમાયાને ત્યાગી શકતા નથી! તોઓઓઓ?
ફરફરિયા એ છાપા સાથે આવતા આંગળીયાત જેવા છે. છાપા સાથે ટીંગાયને આવે. અમુકને સારા લાગે, તો અમુકના બ્લડ પ્રેસર ઊંચા-નીચા પણ કરે. ફરફરિયાને બદલે ડ્રોઈંગરૂમમાં પાડા ઘુસી ગયા હોય, એવા કટાણા મોંઢા કરાવે. પતિ ક્યારેય કાયમ પત્નીનો પાલવ પકડીને બેસી રહેતો નથી, ત્યારે ફરફરિયાં તો ગૃહિણીના માર્ગદર્શક હોય. ખરીદીના સ્થાનિક સવલતના સરનામાં આપે.
ચટણી વગર ફાફડા જેવા ફાફડા ફિક્કા લાગે એમ ફરફરિયા વગરનું છાપું આવે તો છાપું પણ વિધુર લાગે. ઠાંસી ઠાંસીને છાપામાં આવતા સમાચારો પચાવવા સહેલા થોડા છે? કંઈક તો મારણ તો જોઈએ ને? ફરફરિયામાં એ મિજાજ છે. મગજ ડાયવર્ટ કરી આપે! જે દિવસે છાપા સાથે ફરફરિયાં નહીં આવે તે દિવસે, અમુકની તો કબજીયાત ‘જામ’ થઇ જાય. કબજીયાત હલવાનું નામ નહીં લે. દાદાને જેમ મૂડી કરતા વ્યાજ વ્હાલું લાગે એમ, અમુકને છાપા કરતા ફરફરિયા વ્હાલા લાગે. અમુક તો છાપા કરતા ફરફરિયાને પહેલા વાંચે! ફરફરિયાં પણ એક વ્યસન છે મામૂ!
મફતના મરી છે, કોને તીખા લાગે? બાકી ઉકળાટ તો થાય હંઅઅઅકે? બંદાએ છાપાનું લવાજમ ભરેલું કે ફરફરિયાંનું? એમાં જ્યારે વાર તહેવાર કે રજાના દિવસો આવે ત્યારે તો પગાર કરતા બોનસ વધી ગયું હોય એમ છાપા સાથે ફરફરિયાં વધારે છૂટે! જાણે કાળુડી કુતરીને આવ્યા ગલુડીયા ચાર કાબરા ને ચાર ભુરિયા હોજી! ડીપાણમાં જોઈએ તો ફરફરિયાંમાં હોય છે શું? ગામના ટાવર ઉપર કઈ હાટડી ખાલી થઇ, ને કઈ દુકાન નવી ઉઘડી કે, કયો બાવો ટાઉનમાં ભેદી વાત લઈને આવ્યો છે, ને ખમણવાળા જ તૂટી પડ્યા હોય!
પોતાનું એકેય હાડકું ભાંગ્યું ના હોય, તોયે હાડવૈધની જાહેરાત વાંચવાની એટલે વાંચવાની! બેડરૂમથી વોશરૂમ સુધી જવાના ફાંફા ભલે પડતા હોય, તો પણ પ્રવાસની જાહેરાતમાં ડોકિયા કરવાનાં એટલે કરવાના! એટલે તો ફરફરિયાં પણ ઉમંગથી વંચાય. કહો કે વધારે વંચાય! ફરફરિયા એટલે ગૃહિણીનો ભોમિયો અને પતિનો માથાનો દુખાવો! પૈસા ખંખેરવાનો કીમિયો! વળી ફરફરિયાંની ‘હેડલાઇન’ પણ જાણે પોતીકી અને આકર્ષક લાગે. લગન માટે કોના ઘરે છોકરા છોકરી ઉપલબ્ધ છે, એટલી જ માહિતી નહીં આવે, બાકી ઉઠો ત્યાંથી રાત સુધીની સુવિધાની જાહેરાત છાપું કરતા ફરફરિયા વધારે આપે. કોઈ વાતે મૂંઝારો નહીં આવવા દે! ફરફરિયાની એ જમાવટ છે મામૂ!
ભલે આપણે છાપું નાંખતા ફેરિયાની કદર ઓછી કરતા હોય પણ, પ્રત્યેક છાપા નાંખનારા ફેરિયા પણ એક જાજરમાન કલાકાર છે. કમાલ કરે છે યાર? શું એમની છાપું ફેંકવાની કારીગીરી? માળ ત્રીજો હોય કે, પાંચમો, છાપું એવી ‘સ્ટાઈલ’થી ફેંકે કે, ફેંકેલું છાપું ચોક્કસ માળે ને ચોક્કસ જગ્યાએ જ પડે. છાપું નાંખનારો ફેરિયો ભલા ભુપને પણ, પ્રસાદની માફક હાથમાં છાપું આપતો નથી. એને ખબર કે, છાપાના સમાચારો ઢોળાવાના નથી. પણ છાપા સાથે આવેલા ફરફરિયા, ક્યારેક રમતા ભૂત જેવા થઇ જાય. ઓટલા ઉપર ઘેંટા ચરતા હોય એમ, ફરફરિયાં છુટા પડીને ઓટલો ભરી નાંખે.
આવું બનતું નથી પણ આ તો એક વાત થાય! જેનામાં હસવાની રૂચી કે મનોરંજનનાં સરોવર છે, એને ફરફરિયાંમાંથી પણ હસવાનો મસાલો મળી રહે. અમારો ચમન-ચલ્લી પણ ફરફરિયાંનો જ આશિક! પરણેતર કરતા કુરેલીમાં રસ વધારે રાખે એવો! હમણાં હમણાં બંદાએ ટ્યુશનની હાટડી ચાલુ કરી છે. ફરફરિયાંમાં જાહેરાત આપી કે, “અમારું ટ્યુશન લેવાથી અમારા વિદ્યાર્થીઓ ૧૨ માં ધોરણમાં અંગ્રેજીનાં વિષયમાં ૧૦૦ ટકા લાવ્યા.’ એના કપાળમાં કાંદા ફોડું, ફરફરિયામાં છપાઈને આવ્યું કે, ‘વિદ્યાર્થીઓને ૧૦૦ ટાંકા આવ્યા!’ બોલ્લો! હસવું જ હોય તો, ફરફરિયાની ભૂલ પણ ગલગલીયા કરાવે! છાપું અને ફરફરિયા સમાજનું અનિવાર્ય અંગ છે.
છાપું વિશ્વ સમાચાર આપે અને ફરફરિયા ગામના! દેખાડા કરતા પ્રભાવિત વધારે કરે. છાપાનો ઘરાનો જરા ઉંચો, જ્યારે ફરફરિયાનું કામકાજ BPL જેવું! શબ્દોના આભુષણ પણ વધારે છાપકામની ભૂલ પણ વધારે હોય! ક્યારેક અર્થનો અનર્થ તો એવો કરી નાંખે કે, ફર્નીચર વગરના મોંઢામાં પણ પાણીના ઝરા ફૂટવા માંડે. ભેરવાઈ જવાય યાર? રવાડે પણ ચઢાવે ને, ઠેકાણે પણ લાવે. યોગી પણ બનાવે, ઉપયોગી પણ બનાવે ને ભોગી પણ બનાવે. ક્યારેક તો એવી તાંત્રિક જાહેરાતો આવે કે, હાસ્ય માટે યોગ શોધવાની જરૂર જ નહીં પડે. હમણાં જ એક જાહેરાત વાંચી કે, “અમારે ત્યાં ચૂલ્હા ઉપર બનાવેલી વાનગીઓ જેવી કે, ચૂલ્હે બનાવેલી ખીચડી, ચૂલ્હે બનાવેલી દાળ, ચૂલ્હે બનાવેલી રોટલી ને ચૂલ્હે બનાવેલા વિવિધ શાક સાથે ચૂલ્હે બનાવેલુ ‘જ્યુસ’ પણ મળશે. બાકી બધું તો ઠીક પણ ચૂલ્હે બનાવેલા જ્યુસમાં સમજ નહીં પડી. પછી પૂછી જોયું ત્યારે ખબર પડી કે, એ ફટીચર દારુ ને જ્યુસ કહેતો હતો!
આ જગત જેમ દેખાય તેવું હોતું નથી. હોય, ને હોય તેવું દેખાતું નથી, એવું જ કામકાજ ફરફરિયાનું! નામ હોય ‘જીગર’ પણ, જીગર સાથે ‘હસ્તધૂનન કરીએ તો હથેળીમાં ઉનાળો ઉગાડે! જીગર ગીઝર જેવો નીકળે! અમુકના નામ હસમુખ હોય, પણ ચોવીસ કલાકનો રડમુખ હોય, એના જેવું! આવા લોકો માત્ર ટ્રાફિક જ વધારે, માત્ર વસ્તી ગણતરી પૂરતાં જ કામમાં આવે. સમાજ પાસેથી કંઈ લઇ પણ નહીં શકે, ને સમાજને કંઈ આપી પણ નહીં શકે! અમુક તો જન્મ્યા ત્યારથી જ કાળ ચોઘડિયાં જેવાં! ગાંધારીએ મૂઠ મારી હોય એમ, હસવાની ક્ષણ આવે ત્યારે જ ભમરા ઉડાડતા હોય! હસવું બહુ અઘરું છે યાર!
ફરફરિયાંની મોટામાં મોટી તકલીફ એવી કે, જેવું છાપું ખોલીએ એટલે ફરફરિયા ખોળામાં આપઘાત કરવા માંડે. ઈચ્છા હોય કે ના હોય, ખોળે લેવા જ પડે. એક ફરફરિયામાં લખેલું કે, “બનારસ ઘરાનાના સંગીત સમ્રાટ કાનસેન, ફલાણા હોલમાં ફલાણી તારીખે આવનાર છે.” જાહેરાતની હેડલાઈન એવી જોરદાર મુકેલી કે, જાણે તાનસેનનો વારસદાર પધારવાનો હોય! ઔરંગઝેબ પણ પલળી જાય. એમાં અમારો ચમનીયો પણ પલળી ગયેલો! મોંઘીદાટ ટિકિટ લઈને વાઈફ સાથે ગયો તો ખરો, પણ કાનમાંથી ફીણ નીકળવા માંડ્યું. કોથળામાંથી બલાડું નીકળ્યું. કાર્યક્રમ શાસ્ત્રીય સંગીતનો હતો ને, બધું ઉપરથી જતું હતું. વાઈફે ઊંઘ ખેંચી કાઢી, ને ચમનીયાએ ઢેબરા ઝાપટતા ડોકું ધુણાવીએ રાખ્યું! ને ઉઘાડી આંખે નસકોરાં કાઢેલા! બાલમંદિરનાં છોકરા બારમાની પરીક્ષા આપવા બેઠા હોય, એવી હાલત થઇ ગયેલી! થોડી થોડીવારે બાજુવાળાને પૂછે કે, ‘આ ગાયકને ‘સારેગમ -પધનીસા’ના સાત જ અક્ષર આવડે છે કે આગળ કંઈ આવડે છે?
લાસ્ટ બોલ
ડિસેમ્બરમાં લગન કરવાવાળાને એક જ તકલીફ વાઈફ એક વર્ષ જૂની જલ્દી થઇ જાય.
તારા કપાળમાં કાંદા ફોડું!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.