એક દિવસ એક શિષ્યએ ગુરુજી પાસે અભિમાનથી કહ્યું, ‘ગુરુજી હું એકદમ તૈયાર છું તમે મને કોઇપણ પ્રશ્ન પૂછો હું જવાબ આપીશ.’ ગુરુજી શિષ્યના અભિમાનને સમજી ગયા અને હસીને પૂછ્યું, ‘કોઇપણ અઘરો પ્રશ્ન પૂછું તને જવાબ આવડશે ને?’ શિષ્ય બોલ્યો, ‘હા, હા ગુરુજી.’ ગુરુજીએ એક પછી એક પ્રશ્ન પૂછવાના શરૂ કર્યા. શિષ્ય એક પછી એક જવાબ આપવા લાગ્યો. થોડા પ્રશ્નો પૂછ્યા બાદ ગુરુજી બોલ્યા, ‘વાહ, વત્સ તારી તૈયારી સટીક છે તો વધુ અઘરા પ્રશ્નો પૂછું?’ શિષ્ય તો વધુ અભિમાનના આસમાનમાં ઉડવા લાગ્યો અને બોલ્યો, ‘ગુરુજી, કઈ પણ પૂછો મને જવાબ આવડશે!
ગુરુજી મરક મરક હસ્યા અને બોલ્યા, ‘હવે હું તને એકદમ અઘરાં ત્રણ પ્રશ્નો કહીશ જે તારે તારી જાતને પૂછવાના છે અને એમાંથી તને એકનો પણ જવાબ આવડશે તો હું તારું સન્માન કરીશ. પહેલો પ્રશ્ન છે ‘હું કોણ છું? બીજો પ્રશ્ન છે ‘મારી આજુબાજુમાં આ બધું શું ચાલી રહ્યું છે?’ અને ત્રીજો પ્રશ્ન છે ‘હું અહીં શું કરવા આવ્યો છું?’ ગુરુજીએ ત્રણ પ્રશ્નો કહ્યા અને પછી શિષ્ય સામે જોયું. શિષ્ય વિચારમાં પડી ગયો. પછી ધીમેથી બોલ્યો, ‘ગુરુજી સાચે પ્રશ્નો અઘરા છે મને વિચારવા માટે થોડો સમય આપો.’ ગુરુજી બોલ્યા, ‘વાંધો નહીં, વત્સ તને જોઈએ એટલો સમય લઇ લે.
જવાબ મળે એટલે મને જણાવજે.’ એક દિવસ વીતી ગયો. દિવસો વીત્યા. શિષ્ય સતત પેલા પ્રશ્નોના જવાબ શોધવા મથતો હતો અને થોથા ઉથલાવી નાખ્યા પણ ક્યાંય આ પ્રશ્નોના જવાબ મળ્યા નહીં. ઘણું વિચાર્યું પણ કોઈ જવાબ મળ્યો નહીં. ગુરુજી તો કઈ પૂછતાં નહીં પણ શિષ્યને શરમ આવતી કે હું પ્રશ્નોના જવાબ શોધી શક્યો નથી. મહિના પછી શિષ્ય ગુરુજી પાસે ગયો અને તેમના ચરણોમાં પડી માફી માંગતા કહ્યું, ‘ગુરુજી, મને માફ કરો મેં શેખી મારી હતી કે હું દરેક પ્રશ્નોના જવાબ આપીશ પણ મેં બહુ પ્રયત્નો કર્યા પણ આ સવાલના જવાબ મળી નથી રહ્યા.
હવે તમે જ આ પ્રશ્નોના જવાબ આપો.’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘વત્સ, આ દરેકના જીવનના સૌથી મહત્ત્વના અને સૌથી અઘરા પ્રશ્નો છે જેનો જવાબ કોઈ પાસે નથી. આ મૂળભૂત પ્રશ્નો દરેકે પોતાની જાતને પૂછવાના છે અને તેનો જવાબ કોઈ થોથામાં કે કોઇ જ્ઞાની પંડિત પાસે નથી, તેનો જવાબ તમારા મનમાંથી જ મળશે. એકાંતમાં બેસીને ચિંતન, મનન, ભક્તિ કરતા ક્યારેક આ પ્રશ્નનોનો જવાબ કોઈક વિરલાને મળે બાકી મોટા ભાગના આ પાયાના પ્રશ્નનો જવાબ ક્યારેય મળતો જ નથી. એકાંતમાં ચિંતન-મનન કર અને મનમાંથી સૌથી પહેલા અભિમાન ભૂંસી નાખીને પ્રયત્ન કરતો રહેજે.’ ગુરુજીએ પાયાની સમજ આપી શિષ્યની આંખો ખોલી નાખી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.