National

મનરેગાનું નામ બદલવાના સરકારના નિર્ણયનો કોંગ્રેસ રસ્તા પર ઉતરી વિરોધ કરશે, રાહુલ ગાંધીએ કહ્યું..

આજે શનિવારે દિલ્હીના કોટલા રોડ પર આવેલા નવા કોંગ્રેસ મુખ્યાલય ઇન્દિરા ભવન ખાતે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. કેન્દ્ર સરકાર પર મનરેગા યોજનાને નબળી પાડવાનો આરોપ લગાવતા કોંગ્રેસ નેતૃત્વએ 5 જાન્યુઆરી, 2026 થી દેશવ્યાપી “મનરેગા બચાવો આંદોલન” ની જાહેરાત કરી હતી.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે પાર્ટીએ સર્વાનુમતે મનરેગાને નબળા પાડવાના કોઈપણ પ્રયાસનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે સીડબ્લ્યુસીની બેઠકમાં નેતાઓએ રસ્તાઓથી સંસદ સુધી આ કાયદાના રક્ષણ માટે લડવાનું વચન આપ્યું હતું.

ખડગેએ કહ્યું, મનરેગા એ માત્ર એક યોજના નથી પરંતુ કામ કરવાનો બંધારણીય અધિકાર છે. કોવિડ-19 મહામારી દરમિયાન આ યોજનાએ લાખો લોકોને રોજગાર અને આજીવિકા પૂરી પાડી હતી. મનરેગા વિના લાખો લોકોના જીવ ગયા હોત. આ યોજના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના વિઝનનું પરિણામ છે, અને તેની અસરકારકતાને સંસદમાં CAG સહિત અનેક એજન્સીઓ દ્વારા સ્વીકારવામાં આવી છે.

મનરેગાનું નામ બદલવાના નિર્ણય અંગે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, આ નિર્ણય સીધો પીએમઓમાંથી લેવામાં આવ્યો હતો. સંબંધિત મંત્રી સાથે કોઈ ચર્ચા થઈ ન હતી. આ સંઘીય માળખા પર હુમલો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર રાજ્યો પાસેથી પૈસા અને નિર્ણય લેવાની સત્તા છીનવી રહી છે, જેના કારણે સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે.

તેમણે કહ્યું, મનરેગા એક અધિકાર-આધારિત વિકાસ મોડેલ હતું જેની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી. વડા પ્રધાને એકલા હાથે તેને તોડી પાડ્યું, જેમ નોટબંધી. તેમણે આરોપ લગાવ્યો કે મનરેગાને નબળો પાડવા પાછળનો હેતુ ગરીબો પાસેથી પૈસા છીનવીને મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાનો છે. તેમણે કહ્યું, આ નિર્ણયથી આદિવાસી, દલિતો, ઓબીસી, લઘુમતીઓ અને ગરીબ સામાન્ય વસ્તીને ભારે નુકસાન થશે, જ્યારે સમગ્ર લાભ અબજોપતિઓને મળશે.

વિપક્ષને એકસાથે લાવવાના દાવા
રાહુલ ગાંધીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુદ્દા પર સમગ્ર વિપક્ષ એક થશે. તેમણે કહ્યું, અમે તેનો વિરોધ કરીશું, અમે તેની સામે લડીશું અને મને વિશ્વાસ છે કે સમગ્ર વિપક્ષ આ પગલાનો વિરોધ કરશે. પત્રકાર પરિષદના અંતે ખડગેએ પુનરોચ્ચાર કર્યો કે કોંગ્રેસ મહાત્મા ગાંધીના નામ અને મનરેગાના મૂળ સ્વરૂપ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સહન કરશે નહીં અને લોકશાહી રીતે દરેક ષડયંત્રનો સામનો કરશે.

Most Popular

To Top