સુરતઃ સમાજના શોષિત વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેડર્ગવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘Run for Girl Child’ ચેરિટી રનની બીજી આવૃત્તિ આગામી 4 જાન્યુઆરી 2026ના રોજ VNSGU કેમ્પસ, સુરત ખાતે યોજાશે.
આ ચેરિટી રનમાં 8થી 10 હજાર દોડવીરો ભાગ લેવાની અપેક્ષા છે. મેરેથોનમાં 21 કિ.મી., 10 કિ.મી., 5 કિ.મી. અને 2 કિ.મી. જેવી વિવિધ કેટેગરી રહેશે. વિજેતાઓને કુલ મળીને રૂ. 2,20,000ના રોકડ ઇનામો આપવામાં આવશે.
‘Run for Girl Child’ માત્ર દોડ નથી પરંતુ દીકરીઓના સર્વાંગી ઉત્થાન માટેનું એક અભિયાન છે. સ્લમ વિસ્તારોમાં રહેતી શોષિત, વંચિત અને પીડિત દીકરીઓને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક આ પાંચ ક્ષેત્રોમાં સશક્ત બનાવવા માટે ટ્રસ્ટ સતત કાર્ય કરી રહ્યું છે.
ગયા વર્ષે જ્યાં માત્ર 7 કિશોરી વિકાસ કેન્દ્રો હતા, ત્યાં આજે 159 કેન્દ્રો કાર્યરત બન્યા છે. તે ઉપરાંત ટ્રસ્ટનો ‘જ્ઞાન મંદિર’ પ્રકલ્પ પણ 60 કેન્દ્રોથી વધીને 105 કેન્દ્રો સુધી વિસ્તર્યો છે.આ મેરેથોન દ્વારા કિશોરી વિકાસ કેન્દ્ર આવનારા વર્ષ માં 159 માંથી 500 તેમજ જ્ઞાન મંદિર પ્રકલ્પ 105 માંથી 300 સુધી પહોંચાડવાનો લક્ષ બનાવ્યું છે.
આ ચેરિટી રનથી મળનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં AMNS મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગ આપી રહ્યું છે, જ્યારે રામકૃષ્ણ ડાયમંડ, PPL અને રાજકોટ નાગરિક સહકારી બેંક સહયોગી દાતાઓ તરીકે જોડાયા છે. આ પ્રસંગે આઇસીસી ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સાથે જ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ આ મેરેથોનની આયોજન સમિતિના સહ સહયોજક એવા ધનશ્યામ શંકર, અમિત ગજ્જર (પીપલ્સ બેંક ચેરમેન), શ્યામ રાઠી, રાજેશ સુરાણા અને રાકેશ કંસલને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.