શહેરમાં ઓવરસ્પીડના લીધે બે બાઈક ચાલક મિત્રોના કમોત નિપજ્યાં હોવાની દુઃખદ ઘટના બની છે.
શહેરના પુણા ગામ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટી નજીક આ દુર્ઘટના બની છે. અહીં બીઆરટીએસ રૂટમાં ફૂલસ્પીડમાં દોડતી KTM બાઈકનો અકસ્માત થતા બે યુવાન મિત્રોએ જીવ ગુમાવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ગીર સોમનાથનો અને સુરતમાં પુણા વિસ્તારમાં નેતલદે સોસાયટીમાં પરિવરા સાથે રહેતો 18 વર્ષીય દિવ્યેશ પ્રવીણ કોટડીયા મીનીબજાર ખાતે એક કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. તેનો મિત્ર 23 વર્ષીય રોનક સોલંકી વરાછાની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો હતો. બંને યુવાનો પરિવારના એકના એક દીકરા હતા. બંને યુવાનો સાથે કામ કરતા હતા.
આજે નાઈટ શિફ્ટમાં કામ કર્યા બાદ સાથી સહકર્મી મિત્રો પુણાના સીતાનગર ખાતે ચાની દુકાન પર ચા પીવા ગયા હતા. જ્યાંથી ઘરે પરત ફરતા હતા ત્યારે અકસ્માતમાં બંનેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
શું ઘટના બની?
મૃતક દિવ્યેશ, રોનક અને તેમનો મિત્ર અમીત સહિત કુલ ચાર મિત્રો નોકરી પુરી કર્યા બાદ પુણા ગામ વિસ્તારમાં આવેલી વછરાજ ચાની દુકાન પર ચા પીવા ગયા હતા. ચારેય મિત્રો આઠ વાગ્યા સુધી ચા પીવા બેઠા હતા. ત્યાર બાદ દિવ્યેશે મિત્ર અમિત ગામીતનું KTM બાઈક ચલાવવા લીધું હતું. પાછળ રોનક બેઠો હતો. ફુલસ્પીડમાં દિવ્યેશે બાઈક ચલાવી રહ્યો હતો ત્યારે પુણા ગામ નજીક અકસ્માત થયો હતો.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, કેનાલ રોડ પર રંગ અવધૂત ચાર રસ્તાથી રેશ્મા ચાર રસ્તા વચ્ચે બીઆરટીએસના ડેડિકેટેડ રોડ પર સવારે 8.30 વાગ્યે અકસ્માત થયો હતો. ખરેખર શું બન્યું હતું તે જાણવા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે.
તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બંને મૃતકોએ હેલ્મેટ પહેર્યું નહોતું. બાઈક ઓવરસ્પીડ હતું.