Charchapatra

સિનિયર સિટીઝન પાઠશાલા

50-60 વર્ષ પહેલાં રૂઢિ ચુસ્ત સમાજમાં સ્ત્રી શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવામાં આવતું ન હતું. જેથી એ સમયમાં શિક્ષણથી વંચિત રહી ગયેલી મહિલાઓ અત્યારે તો વૃદ્ધાવસ્થાને આરે હોય એ સ્વાભાવિક છે. તેઓ અનપઢ રહ્યાનો અફસોસ કરતા હોય છે પણ બીનાબેન કળથીયા નામની એક જાગૃત મહિલા કે જે મુખવાસ બનાવવાનો નાનો વ્યવસાય કરતા હોવા છતાં આવી મહિલાઓને શિક્ષણ આપવાનું  બીડુ ઝડપ્યું, સ્ટ્રીટ લાઇટની નીચે આ બહેને બે વૃદ્ધ મહિલાથી  શરૂઆત કરી, જેમાં સ્લેટ, પેન, નોટબુક પણ પોતાના ખર્ચે લાવી આપતા અને 50 થી 70 વર્ષની વૃદ્ધાઓને તેઓ પોતાનું કામ ચલાવી શકે એટલું શિક્ષણ  આપવાનું શરૂ કર્યું.

આ ‘બા’ લોકોને પૌત્ર પૌત્રી અને સમાજના સંકોચને લઈને સ્લેટ પેન લઈને કઈ રીતે ભણવા જવું? લોકો હાંસી ઉડાવશે તો! પણ આ બહેને બધાને સમજાવીને ભણવા આવવા  માટે પ્રેરિત કર્યા, આ રીતે આ બહેને લગભગ 150 જેટલી વૃદ્ધાઓને શિક્ષણ પૂરું પાડ્યું. પરિણામ સ્વરૂપ આ બહેનો વાંચી લખી શકે છે. મોબાઇલમાં જાતે નંબર ડાયલ કરી વાતચીત કરી શકે છે. ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી શકે છે. અત્યારે પણ 70 જેટલા ‘બા’ લોકો અક્ષર જ્ઞાન મેળવી રહ્યા છે. આ અનોખી પાઠશાળા સુરતના કતારગામ વિસ્તારમાં અત્યારે પણ ત્રણ થી પાંચના સમયમાં ચાલી રહી છે ધન્ય છે આ બહેનને.
સુરત     – રેખા.એમ.પટેલ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top