14-12-2025. રવિવારના દિવસે અમારે પરિવાર સાથે બારડોલી પાસે ગલતેશ્વર મહાદેવના દર્શને જવાનું થયું. ગુલાબી-મીઠી ઠંડીમાં ભગવાનના દર્શન કરવા એવું મન કહેતું હતું. અમે ત્યાં પહોંચી જ ગયા! પણ! આ શું? મંદિર પાસે જ ત્યાંના સ્વયંસેવકો દ્વારા જાણવા મળ્યું કે આજે સંપૂર્ણપણે દર્શન બંધ છે. અમે તો નિરાશ થઈ ગયા. સુરતથી લગભગ બે સવા કલાકનું અંતર કાપી ઉત્સાહભેર ત્યાં ગયેલા પણ ત્યાંના લાગતા વળગતાં કહેવા લાગ્યા કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ આવવાના છે. મોટા પાયા પર સત્સંગનું ત્યાં આયોજન થવાનું છે.
તો શું શિવજી કરતાં પણ સંત સાધુનું મહત્વ વધારે છે? અહીં એવું જોવા મળ્યું કે ઈશ કરતાં પણ સંતનાં સત્સંગનું મહત્વ વધારે જણાયું. અમે ફક્ત દસ-પંદર મિનિટમાં જ ભગવાન ગલતેશ્વરના દર્શન કરી પરત ફરવાના હતાં. પણ ત્યાં આયોજકોએ અમને ન જવા દીધા. અમારા જેવા ઘણાં દર્શન કરવાવાળા કાલાવાલા કરતાં હતાં આ પ્રાચીન મંદિર છે. સંતો તો આજ કાલના છે. ભગવાનને બાજુ પર રાખવું એ પ્રભુનું અપમાન છે.
સુરત – જય રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે