૨૦૧૩માં સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરલ્ડ કેસ દાખલ કર્યો. તેની પર દિલ્હીની પટિયાલા કોર્ટે સંજ્ઞાન લઈને તેને સુનાવણીને યોગ્ય માન્યો. કોર્ટ સંજ્ઞાન ન લે તે માટે મોટા મોટા વકીલોની એક ટોળીએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગઈ. પણ બંને કોર્ટોને આમાં કંઈ જ ખોટું ન લાગતા કેસને સુનાવણી યોગ્ય માન્યો. પણ હવે એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઈડી)ના આરોપ પર કોર્ટ દ્વારા સંજ્ઞાન લેવાના મુદ્દે ૧૪મી જુલાઈ ૨૦૨૫ના રોજ બધા જ પક્ષોની દલીલો પૂરી થઈ હતી, અને ૨૯મી જુલાઈ ૨૦૨૫ના દિવસે ચૂકાદો આપવાનું કોર્ટે નકકી કર્યું.
પણ તેમ નહી થયું. હવે જ્યારે ૧૬મી ડિસેમ્બરે રાઉઝ એવન્યુ કોર્ટની એક વિશેષ અદાલતના જજે ચૂકાદો આપ્યો કે ઈડીની ચાર્જશીટ સ્વીકા૨વા યોગ્ય નથી. કેમ કે, ઈડીનું કામ મની લોન્ડરીંગની તપાસ કરવાનું છે, નહિ કે અપરાધના મૂળ સ્વરૂપને નક્કી કરવાનું. ૧૧૭ પાનાના આ ચૂકાદાને લખતા કોર્ટને પાંચ મહિના લાગ્યા. આ કેસના ચુકાદા વિષે નિર્ણય લેવા કે આ કેસ કયા આધારે ચલાવી શકાય તે તો કાયદાના જાણકાર લોકો જ કહી શકે. પણ કેસ તો ફરી પાછો બાર-પંદર વર્ષ પહેલા હતો ત્યાં ને ત્યાં આવીને ઉભો રહ્યો. આવું બને પછી ન્યાયતંત્ર પર લોકોનો કેમ ભરોસો બેસે?
નેત્રંગ – જયસીંગ ગામીત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જીવનની ફિલોસોફી ત્રણ શબ્દોમાં
વ્યક્તિનો જીવનક્રમ એટલે જન્મ અને મૃત્યુ વચ્ચેનું અંતર પણ આ બી અને ડી વચ્ચે આવતો સી એટલે કે પસંદગી. એટલે કે તમો કેવું જીવન જીવો છે તે આ પસંદગી ગણમાં આવતા શબ્દો ખૂબ જ મહત્ત્વના છે. (1) આહાર વિહાર આચાર તંદુરસ્ત જીવન માટે ખોરાકની પસંદગી સુયોગ્ય અને ઉંમરને ધ્યાનમાં લઇને કરવી જોઇએ. જીવનક્રમમાં વિહાર એટલે હરતાં-ફરતાં રહેવું. શારીરિક ક્ષમતાને અનુસાર નાના નાના પ્રવાસ-કુટુ઼ંબ સાથે માણો. જીવનક્રમમાં આચાર એટલે વાણી વર્તન અને વ્યવહાર સારો રાખો. (2) તન, મન અને ધન : તન એટલે શરીરની કાળજી રાખો. મનમાં હકારાત્મક વિચાર રાખો. ધન કમાવા પાછળની ઘેલછા ઓછી રાખો. અંતમાં ચાલશે, ભાવશે અને ગમશે. સિધ્ધાંતો સાથે અનુકૂળતા રાખો. બસ જીવનમાં અમલ કરો અને ભરપૂર જિંદગી માણો.
રાંદેર રોડ, સુરત – દીપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.