ગેરકાયદે નો-પાર્કિંગના બોર્ડ મારી નાગરિકો પાસેથી ₹1000 સુધીની ઉઘરાણી!
તંત્ર અજાણ પણ ‘રમેશ મોદી’નો પોતાનો કાયદો; પૈસા ન આપનારના વાહનો પોલીસ પાસે ટો કરાવી હેરાન કરાતા હોવાની કલેક્ટરને ફરિયાદ



વડોદરા શહેરના પોશ ગણાતા ઓલ્ડ પાદરા રોડ પર ટ્યુબ કંપનીની સામે આવેલા એક જર્જરિત મકાનના માલિક દ્વારા જાહેર માર્ગ પર ગેરકાયદેસર રીતે ‘નો પાર્કિંગ’ના બોર્ડ મારીને વાહનચાલકોને ધમકાવવાનો અને નાણાં પડાવવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ માથાભારે શખ્સ સામે સ્થાનિક રહીશો અને એડવોકેટે એકઠા થઈ કલેક્ટર તેમજ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી છે.
ઓલ્ડ પાદરા રોડ પર ટ્યુબ કંપનીની સામે રમેશ મોદી નામનો વ્યક્તિ પોતાના જર્જરિત મકાનની બહાર જાહેર જગ્યામાં ‘નો પાર્કિંગ’ના બોર્ડ લગાવીને બેસે છે. જો કોઈ નાગરિક ત્યાં ભૂલથી પણ પોતાનું વાહન પાર્ક કરે, તો આ શખ્સ તેની સાથે અસભ્ય વર્તન કરી ₹500 થી ₹1000ની ગેરકાયદેસર માંગણી કરે છે. જો વાહનચાલક પૈસા આપવાની ના પાડે, તો તે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપે છે અથવા ટ્રાફિક પોલીસની ક્રેન બોલાવી વાહન ઉપડાવી દઈ મેમો અપાવે છે.
આ મામલે એડવોકેટ રાજેશ મુળચંદાનીએ જણાવ્યું હતું કે, “મારી પત્નીને ગાયનેકોલોજીની તકલીફ હોવાથી હું અવારનવાર આ વિસ્તારની હોસ્પિટલમાં આવું છું. તે સમયે આ રમેશ મોદી નામના શખ્સે મારી અને મારી પત્ની સાથે અત્યંત ખરાબ વર્તન કર્યું હતું. જ્યારે મેં કોર્પોરેશન અને પોલીસ વિભાગમાં તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે તંત્ર દ્વારા ત્યાં કોઈ ‘નો પાર્કિંગ’ ઝોન જાહેર કરાયો નથી કે કોઈ સત્તાવાર બોર્ડ લગાવાયા નથી. આ શખ્સ તંત્રના નામે પોતાની ખાનગી ઉઘરાણી ચલાવી રહ્યો છે.”
સ્થાનિક રહીશોનો આરોપ છે કે આ શખ્સના ડરને કારણે લોકો ત્યાંથી પસાર થતા પણ ગભરાય છે. રમેશ મોદી દ્વારા ઊભી કરવામાં આવેલી આ ‘દાદાગીરી’નો અંત લાવવા માટે આજે મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરી અને પોલીસ કમિશનર કચેરીએ જઈ રજૂઆત કરી હતી

*ગેરકાયદેસર બોર્ડ: કોર્પોરેશન કે પોલીસની મંજૂરી વગર ‘નો પાર્કિંગ’ના બોર્ડ લગાવ્યા.
*તોડબાજી: પાર્કિંગના નામે વાહનચાલકો પાસેથી ₹500 થી ₹1000ની ઉઘરાણી.
*ધમકી: પૈસા ન આપનારના વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ટો કરાવી દેવાની ધમકી.
*તપાસની માંગ: જર્જરિત મકાનની આડમાં ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરી આરોપી રમેશ મોદી પર કાયદેસરના પગલાં ભરવાની માંગ.