એક સેમીનાર હતો. જીવનમાં બદલાવ કઈ રીતે લાવવો અને જલ્દીથી આગળ કઈ રીતે વધવું તે વિષય પર સ્પીકર બોલી રહ્યા હતા. અચાનક બોલતા બોલતા સ્પીકરે કહ્યું, ‘આ મારા હાથમાં મારું વોલેટ છે અને તેમાં જેટલા પણ પૈસા છે તે હું આજે એક જણને આપી દેવા માંગું છું બોલો તમારામાંથી આ મારું વોલેટ કોને જોઈએ છે?’ આ સવાલ સાંભળીને શ્રોતાજનોમાં પહેલા સોપો પડી ગયો, પછી લાગ્યું કે નક્કી કોઈ ગેમ હશે. આવું સ્પીકરે ફરીથી કહ્યું; આ મારું વોલેટ કોને જોઈએ છે? હવે ઘણા શ્રોતાજનોએ પોતાની સીટ પર બેઠા બેઠા હાથ ઊંચા કર્યા… ઘણા શ્રોતાજનો હજી અસમંજસમાં હતા કે હાથ ઊંચા કરવા કે નહિ અને ઘણાએ એમ વિચારીને હાથ ઊંચા કરવાને બદલે અદબ વાળી રાખી કે એમ ન લાગે કે અમે મફતનું મેળવવામાં રાજી છીએ. આમ સવાલ એક હતો અને પૂછાયા બાદની બે ઘડીમાં બધાના મનોભાવ જુદા જુદા હતા.
સ્ટેજ પરથી સ્પીકરે ત્રીજીવાર કહ્યું, ‘આ મારું વોલેટ જે પૈસાથી ભરેલું છે તે કોને જોઈએ છે?’ શ્રોતાઓમાંથી અવાજ આવ્યા મને… મને પણ અચાનક એક છોકરી પાછળથી બધા શ્રોતાજનોની વચ્ચેથી દોડીને આવી અને તેણે સ્ટેજ પર ચઢીને દોડીને સ્પીકરના હાથમાંથી વોલેટ લઇ લીધું. સ્પીકર પણ જોતા રહ્યા અને બધા શ્રોતાજનો પણ.. અમુક લોકોએ તાળીઓ પાડી. ઘણાને લાગ્યું સ્ટંટ નક્કી જ હશે… ઘણાને લાગ્યું સાવ બેશરમ છે આ છોકરી… હવે સ્પીકર બોલ્યા, ‘શાબાશ, આ વોલેટના બધા પૈસા તારા… તે બધાને શીખવ્યું છે કે જીવનમાં કંઈક મેળવવું હોય તો શું કરવું જોઈએ.’ યુવતી બોલી, ‘મેં શું શીખવ્યું, મારે તો તમારું વોલેટ જોઈતું હતું એટલે મેં કોઈ આવે તે પહેલા દોડીને આવીને લઇ લીધું.’
સ્પીકર બોલ્યા, ‘તે આ જ શીખવ્યું છે. જેમ તે વોલેટ મેળવ્યું તે રીતે જ જીવનમાં જે જોઈએ તે મળે.. સફળતા આ જ રીતે મળે. શ્રોતાજનો જુઓ જીવનમાં સફળ થવું હોય તો સૌથી પહેલા મારે સફળતા મેળવવી છે તે ભૂખ જોઈએ… ઈચ્છા જોઈએ, બીજા કરતા જલ્દી આગળ વધવું હોય તો તરત તક ઝડપી લેવાની ચપળતા જોઈએ. કૈક મજાક હશે, મશ્કરી થશે તો.. લોકો વાતો કરશે તો એવી કોઈ શરમજનક પરિસ્થિતિમાં મુકાવાનો ડર ન હોવો જોઈએ.
અને સૌથી મોટી વાત જેમ આ છોકરી છેક પાછળ હતી પણ ઉભી થઈને દોડીને અહીં આવી એમ તરત જ એક્શન લેવાની તાકાત હોવી જોઈએ.તક દેખાય તો તરત એક્શન લો… તો સફળતા ચોક્કસ મળશે. તક છે? સાચે છે? કોઈ વાતો તો નહિ કરે? મારે આ લેવાય? એવું બધું વિચારતા રહેશો તો વિચાર કરતા જ રહી જશો અને તક સરી જશે કોઈ તરત એક્શન લેનાર તેને ઝડપી લેશે. જીવનમાં સફળ થવું હોય તો તરત એક્શન લેતા શીખો.’ સ્પીકરે એકદમ પ્રેક્ટીકલ સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.