ઑનલાઇન ફોર્મની ભૂલોથી સેકડો અરજીઓ રદ થવાની ભીતિ
પોર્ટલ ફરી ખોલવાની શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘની માગ
(પ્રતિનિધિ) ગોધરા, તા. 24
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની ઑનલાઇન આંતરિક બદલી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે, આ પ્રક્રિયા દરમિયાન પોર્ટલ પર રહેલી કેટલીક ટેકનિકલ ખામીઓ અને સમજફેરના કારણે રાજ્યભરના અનેક શિક્ષકોની અરજીઓ તાલુકા કક્ષાએ જ રદ થવાના મેસેજ મળતા ચિંતા વ્યાપી છે.
ખાસ કરીને ‘શાળામાં દાખલ તારીખ’ અને ‘હુકમ તારીખ’ અંગે સ્પષ્ટ માર્ગદર્શનના અભાવે અનેક શિક્ષકોએ ખોટી વિગતો ભરી દીધી હોવાની ફરિયાદો સામે આવી છે. વધુમાં, અંતિમ દિવસોમાં સર્વર ડાઉન રહેતા શાળા પસંદગીમાં પણ ભૂલો થઈ હતી. એકવાર ફોર્મ સબમિટ કર્યા બાદ એડિટ કરવાની કોઈ જ તક ન મળતા હવે વેરીફિકેશન દરમિયાન આવી ભૂલોના કારણે અરજીઓ સીધી રદ થતી હોવાનો શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકાર સમક્ષ લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “ઑનલાઇન અરજી પ્રક્રિયામાં નાની-મોટી ભૂલો થવી સ્વાભાવિક છે. ગયા વર્ષે આવી ભૂલો સુધારવા તાલુકા કક્ષાએ તક આપવામાં આવી હતી. પરંતુ આ વખતે તારીખોની ગૂંચવણને કારણે અરજીઓ સીધી રદ થઈ રહી છે.”
તેમણે વધુમાં ચેતવણી આપતા જણાવ્યું કે જો આગામી બે-ત્રણ દિવસમાં પોર્ટલ ફરી ખોલી સુધારાની તક આપવામાં નહીં આવે તો રાજ્યના શિક્ષણ મંત્રીને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે, જેથી કોઈ પણ શિક્ષક પોતાનો હક ગુમાવે નહીં.