AHEMDABAD : અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. હવે 1000ની આસપાસ પોઝિટિવ કેસો ( CORONA POSITIVE CASES) ની સંખ્યા આવી રહી છે, ત્યારે શાળા-કોલેજોમાં પરીક્ષાઓ ઓનલાઇન ( ONLINE EXAMS) લેવામાં આવે તેવી એન.એસ.યુ.આઈ દ્વારા માંગણી કરવામાં આવી છે. એન.એસ.યુ.આઇ.ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી જણાવ્યું હતું કે, રાજ્યમાં દિવસે દિવસે કોરોના કેસ વધી રહ્યાં છે, તેવા સંજોગોમાં શાળા-કોલેજોમાં પરીક્ષાઓ આવી રહી છે, ત્યારે આ પરીક્ષાઓ ઓફલાઈનના બદલે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે. શાળા-કોલેજોમાં પરીક્ષા માટે બાળકો- વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્ર થતાં સંક્રમણ વધવાનો ભય વધી જાય છે. તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓના હિતમાં ઓનલાઇન પરીક્ષાઓ યોજવામાં આવે.
રાજયમાં એક તરફ કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે , તો બીજી તરફ ધો 9 થી 12ની લેવામાં આવનાર પરીક્ષાઓ અંગે ચાલી રહેલી અટકળોનો અંત લાવીને હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે એવી સ્પષ્ટતા કરી હતી કે આ પરીક્ષા તા.19 થી 27મી લેવાનાર પરીક્ષા વિદ્યાર્થીઓએ આપવાની રહેશે. કારણ કે આ પરીક્ષાના ગુણ આંતરિક મૂલ્યાંકનમાં તેમજ વર્ગ બઢતી માટે ગણતરીમાં લેવાના થાય છે.જેથી આ પરીક્ષા આપવી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં છે.
બોર્ડના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવતા હોય તેઓ આ પરીક્ષા આપવા માટે શાળામાં ઉપસ્થિત ન રહી શકે તો , તેવા વિદ્યાર્થીઓના રહેઠાણનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુકત્ત થાય ત્યારે તે વિદ્યાર્થીઓ માટે શાળાએ નવા પ્રશ્ન પત્રો કાઢીને પુન: પરીક્ષા લેવાની રહેશે. જોઈ કોઈ શાળા કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી હોય તો તે શાળાનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુકત્ત થાય ત્યારે પરીક્ષાનું આયોજન શાળા કક્ષાએથી ગોઠવવાનું રહેશે.