અમદાવાદની 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ મેઈલ મળતા દોડધામ મચી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા મત વિસ્તારની સ્કૂલોને ધમકી ભર્યા મેઈલ મળ્યા છે. સ્કૂલોને બપોરે 1.11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી છે. ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. સ્કૂલોમાં ડોગ અને બોમ્બ સ્કવોડની મદદથી તપાસ શરૂ કરાઈ છે.
આજે બુધવારે તા. 17 ડિસેમ્બરની સવારે અમદાવાદ, ગાંધીનગર અને કલોલ શહેરની 8 સ્કૂલોને ઉડાવી દેવા ધમકી મળી હતી. આ સ્કૂલોમાં વેજલપુરની ઝાયડસ, થલતેજની ઝેબર અને ઉદ્દગમ સ્કૂલ, ગુરુકુળ રોડની મહારાજા અગ્રસેન, મકરબાની ડીએવી ઈન્ટરનેશનલ, વસ્ત્રાપુરની અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ અને નિર્માણ સ્કૂલ, અડાલજની સીબીએસઈ ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ, કલોલની આવિષ્કાર, ખોરજ-ખોડિયારની જેમ્સ એન્ડ જેનીસીસ અને બોપલની ડીપીએસ અને તુલિપ ઈન્ટરનેશનલ સ્કૂલને ધમકીભર્યા મેઈલ મળ્યા છે.
ધમકીભર્યા મેઈલની માહિતી મળતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલને રજા આપી દેવા આદેશ અપાયો છે. તેથી સ્કૂલો દ્વારા વાલીઓને ઘરે લઈ જવા મેસેજ મોકલાયા હતા. આથી સ્કૂલ પર વાલીઓનો ધસારો થયો હતો. દરમિયાન જાહેર જનતા માટે સ્કૂલોના રસ્તા અવરજવર માટે બંધ કરી દેવાયા હતા. પોલીસ પણ સ્કૂલો પર પહોંચી છે. બોમ્બ શોધવાની કામગીરી ચાલી રહી છે.
અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને ટાર્ગેટ કરાયા
વર્ષ 2023માં ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને ટાર્ગેટ કરીને અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ કરાયો છે.