ગોધરા : ગોધરા નગર પાલિકાની ચૂંટણી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરદાર નગર ખંડ ખાતે યોજાઇ હતી. પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં આમ મીમના સાત સભ્યોની મદદથી અપક્ષે ગોધરા નગરપાલિકાનું સત્તા સુકાન સંભાળ્યું હતુ.
ગોધરા સરદાર નગર ખંડ ખાતે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રકિયા માટે ચૂંટણી યોજવામાં આવી હતી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ પાસે માત્ર 19 જ સભ્યો હોવાથી હાથમાંથી સત્તા સરકતી જોવાતા ભાજપના સભ્યોએ ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય એ પૂર્વે સભાખંડમાં ભારે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવી સભાખંડમાંથી પોલીસને દૂર કરવા માંગ કરી હતી. જેને પગલે એક તબક્કે વરણી પ્રક્રિયા અટવાઈ હતી, પોલીસે સૂત્રોચ્ચાર કરતા સભ્યોને સભાખંડ માંથી બહાર કાઢ્યા હતા.જેને પગલે વરવા દ્રશ્યો સામે આવ્યા હતા.
જોકે આ તમામ હાઈ વોલ્ટેજ ડ્રામાની સ્થિતિ વચ્ચે આખરે પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળી લેતાં પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી પ્રક્રિયા શરૂ કરાઇ હતી. ભાજપ દ્વારા પ્રમુખ કે ઉપપ્રમુખ માટે કોઈ જ ઉમેદવારે દાવેદારી નહી કરતા અપક્ષના દાવેદારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પાલિકા ના પ્રમુખ તરીકે સંજય સોની અને ઉપ પ્રમુખ તરીકે અક્રમ પટેલની બિન હરીફ વરણી કરાઈ હતી.
આમ મીમના સાત સભ્યોની મદદથી અપક્ષે ગોધરા નગરપાલિકાનું સત્તા સુકાન સંભાળ્યું છે.ઉલ્લેખનીય છેકે ગોધરા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 11 વોર્ડની 44 બેઠકો માં ભાજપને 18,અપક્ષને 18,કોંગ્રેસને એક અને મીમને સાત બેઠકો મળી હતી.આમ કોઈને સ્પષ્ટ બહુમતી નહિં મળતાં ભારે અપસેટ સર્જાયો હતો અને અપક્ષને મીમના સભ્યોનું સમર્થન મળતાં સરકાર રચવામાં સરળતા રહી હતી.
નગર પાલિકા મા ભાજપે સત્તા મેળવવા માટે છેક છેલ્લા સુધી તેઓનું સામ્રાજ્ય સ્થપાય તે માટે એડી ચોટી નું જોર લગાવ્યું હતું પરંતુ એવું કહી શકાય કે રાજકીય ખેલના માહિર ભાજપને ઊંધા મોઢે પડવાનો વારો આવ્યો હતો.
ભાજપના જૂના જોગીઓએ અપક્ષ દાવેદારી નોંધાવતાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો
એક ચર્ચા મુજબ ભાજપ દ્વારા જે નીતિ અમલમાં મુકવામાં આવી હતી જેમાં સગાવાદ, ત્રણ ટર્મ અને ૬૦ વર્ષથી ઉપરના ઉમેદવારને ટિકિટ ન આપવાની જેની સામે ભાજપના જ કેટલાક વર્ષો જુના કાર્યકરોએ અપક્ષમાં દાવેદારી નોંધાવતા ભાજપ ને સતા ગુમાવાનો વારો આવ્યો હતો.
અપક્ષ સત્તાના પાંચ વર્ષ પૂર્ણ કરશે?
ગત ટર્મમાં પણ અપક્ષો ગોધરા નગરપાલિકા માં સત્તારૂઢ થયા હતા અને સમય જતા ઉપલી નેતાગીરીની સમજાવટને વશ થઈ અપક્ષોએ ભાજપનું દામન થામતાં ભાજપની સત્તા આવ્યું હતું. આમ શુ આ વખતે પણ એજ સ્થિતિનું નિર્માણ થશે કે પછી અપક્ષની સતા સાંગોપાંગ પાંચ વર્ષ પૂર્ણ કરશે તે જોવું રસપ્રદ થઈ પડશે.
ભાજપની મહિલા ઉમેદવારે હોબાળો મચાવ્યો
ગોધરા નગર પાલિકામા ભાજપ સત્તા પર આવવા માટે એડી ચોટીનું જોર લગાવા છતાં આખરે પાલિકામાં અપક્ષ એ બાજી મારી હતી. ભાજપની ભૂંડી હાર થઈ હોય તેમ લાગતા ભાજપની મહિલા ઉમેદવાર સહિતનાઓ એ હોબાળો મચવાતા પોલીસે આખરે તેઓને સભાખંડ માથી દૂર કરવાની ફરજ પડી હતી.
ભાજપે પાણીની બોટલોનો મારો ચલાવ્યો
પાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી નુ પ્રક્રિયા દરમિયાન સભાખંડ માં ભાજપ પોતાની હાર ભાળી જતા ભાજપના જ કેટલાક કાર્યકરો દ્વારા પ્રક્રિયાને ખોરંભે પાડવાનો કારસો રચ્યો હતો પરંતુ હાજર પોલીસ અધિકારીઓ દ્વારા તેઓની મુરાદ બર આવવા દેવામાં આવી ન હતી. ભાજપના મહિલા ઉમેદવાર દ્વારા પાણી ની બોટલ છુટ્ટી ફેંકવામાં આવી હતી. સાથે અનેક સૂત્રોચ્ચાર કરવામાં પણ આવ્યા હતા.