Gujarat

સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય

ગાંધીનગર: યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫ની મુખ્ય પરીક્ષામાં સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદના ૭૬ તાલીમાર્થી પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થતા ગુજરાત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. ગુજરાત સરકારની સર્વોચ્ચ તાલીમી સંસ્થા સ્પીપા દ્વારા વર્ષ ૧૯૯૨થી શરૂ કરાયેલા યુપીએસસી સિવિલ સર્વિસીઝ સ્ટડી સેન્ટરના માધ્યમથી રાજ્યના ઉમેદવારોને અખિલ ભારતીય અને કેન્દ્રીય સેવાઓ માટે નિઃશુલ્ક અને સઘન માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ઓગસ્ટ ૨૦૨૫માં યોજાયેલી મુખ્ય પરીક્ષામાં સ્પીપાના કુલ ૨૭૨ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી યુપીએસસી દ્વારા ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલા પરિણામ અનુસાર ૭૬ તાલીમાર્થી પર્સનાલિટી ટેસ્ટ માટે પસંદ થયા છે. નોંધનીય છે કે શરૂઆતમાં આ સંખ્યા ૪૯ હતી, જે હવે વધીને ૭૬ સુધી પહોંચી છે. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૧૬૦ સ્પીપા તાલીમાર્થીઓ ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાય થયા છે.

સ્પીપામાં યોજાતા પર્સનાલિટી ટેસ્ટ તાલીમવર્ગમાં વ્યાખ્યાન, ગ્રુપ ડિસ્કશન, વન-ટુ-વન ઇન્ટરવ્યુ અને અનુભવી IAS, IPS, IFS અધિકારીઓ તથા નિષ્ણાત વ્યાખ્યાતાઓની કમિટી દ્વારા મોક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, જેમાં તાલીમાર્થીના પ્રદર્શનની સંપૂર્ણ વિડિયોગ્રાફી કરીને સુધારાની તક આપવામાં આવે છે. આ ઉપરાંત, સ્પીપા દ્વારા પ્રિલિમ, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક તાલીમ, ૫૦ હજારથી વધુ પુસ્તકો ધરાવતી સમૃદ્ધ લાયબ્રેરી, અદ્યતન વાંચનાલય અને વિનામૂલ્યે વાઈ-ફાઈ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

તાલીમાર્થીને 2000 માસિક સહાય તેમજ વિવિધ તબક્કે 61 હજાર સુધીની આર્થિક સહાય

તાલીમાર્થીઓને પ્રોત્સાહનરૂપે પ્રવેશથી સાત મહિના સુધી માસિક રૂ.૨,૦૦૦ની સહાય તેમજ પ્રિલિમ, મુખ્ય પરીક્ષા અને અંતિમ પસંદગી સુધી વિવિધ તબક્કે રૂ.૨૫,૦૦૦થી રૂ.૬૧,૦૦૦ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. સ્પીપામાં ઉપલબ્ધ આ સુવિધાઓ અને વ્યવસ્થિત માર્ગદર્શનના પરિણામે રાજ્યના યુવાનો યુપીએસસીમાં સતત ઝળહળતી સફળતા મેળવી રહ્યા છે.

Most Popular

To Top