રોમન કેથોલિક ખ્રિસ્તીઓના વડામથક વેટિકન તરફથી આજે ફરમાન બહાર પાડવામાં આવ્યું છે કે કોઇ પણ કેથોલિક ચર્ચમાં સજાતીય લગ્નોને આશીર્વાદ આપવામાં નહીં આવે કારણ કે ઇશ્વર પાપને આશીર્વાદ આપી શકે નહીં.
વેટિકનની ઓર્થોડોક્સ ઓફિસ તરફથી આજે એક પ્રશ્નના જવાબમાં આ ફતવો આપવામાં આવ્યો હતો. પ્રશ્ન પૂછનારે પૂછ્યું હતું કે શું કોઇ કેથોલિક ધર્મગુરુ સજાતીય લગ્ન કરનાર યુગલને આશીર્વાદ આપી શકે ખરા? આના જવાબમાં બે પાનાનો ખુલાસો આપવામાં આવ્યો હતો, જે ખુલાસાને પોપ ફ્રાન્સિસ તરફથી મંજૂર રાખવામાં આવ્યો હતો. વિગતવાર ખુલાસા સાથેનો આ ફતવો સાત ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સજાતીય યુગલોને ચર્ચમાં આવકારવામાં ભલે આવે પરંતુ તેમના લગ્નને આશીર્વાદ આપી શકાય નહીં. ખરેખર તો સજાતીય યુગલોના સંબંધો ધર્મ હેઠળ લગ્ન ગણી શકાય જ નહીં એમ આ ફતવામાં કહેવામાં આવ્યું છે. આમાં કહેવામાં આવ્યું છે કે ઇશ્વર પાપી વ્યક્તિને આશીર્વાદ આપી શકે છે જેથી તે વ્યક્તિ પાપ છોડીને બદલાઇ શકે, પરંતુ પાપને પોતાને ઇશ્વર આશીર્વાદ આપી શકે નહીં અને સજાતીય સંબંધો એ પાપ છે.
એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે પોપ ફ્રાન્સિસે સજાતીય યુગલોને કાનૂની રક્ષણ આપવાની વાતને મંજૂરી આપી છે પરંતુ આ મંજૂરી નાગરિક ક્ષેત્ર માટે છે, ચર્ચ માટે નથી.