સાવલી, તા. 10: સાવલી તાલુકાના ઝુમખા ગામની સીમમાં આજે સવારે ખેતરમાં પાણી મૂક્તા યુવાન ખેડૂત જગદીશભાઈ પરમાર (34) ને વીજ કરંટ વાગતા મોત નિપજ્યું હતું. બોરકૂવાની મોટરના ખુલ્લા વાયરથી પાણીમાં કરંટ ઉતરતા અકસ્માત બન્યો હોવાનું પ્રારંભિક તપાસમાં ખુલ્યું છે.
મળતી માહિતી મુજબ, જગદીશભાઈ પોતાના મોટાભાઈ ગીરીશભાઈ સાથે કૌટુંબિક બનેવી ચંદ્રસિંહ પરમારના તમાકુના ખેતરમાં પાણી મૂકવા ગયા હતા. ગીરીશભાઈ પાઈપ લેવા ગયા તે દરમ્યાન જગદીશભાઈ બોરવેલ પાસે પહોંચતા જ ખુલ્લા વાયરથી ફેલાયેલા કરંટના સંપર્કમાં આવતા નીચે પટકાયા હતા. ગીરીશભાઈ પરત ફરતા ઘટના જણાઈ આવતાં પરિવારજનો અને ગ્રામજનો ખેતર તરફ દોડી આવ્યા હતા.
જગદીશભાઈને તાત્કાલિક સાવલીની જમનોત્રી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. દુર્ઘટનાના સમાચારે ઝુમખા ગામમાં વ્યાપક ગમગીની ફેલાવી હતી.
ડેસર પોલીસે ઘટનાની જાણ થતાં સ્થળ સુધી પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ગીરીશભાઈ પરમારની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાઈ વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.