ફરાર થઈ ગયેલા ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
પ્રતિનિધી ગોધરા તા.10
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક દરૂણિયા ગામ બાયપાસ પર એક ટેન્કર પલટી ખાઈ જવાની ઘટના સામે આવી છે. જેમાં ટેન્કરમાં ભરેલો આશરે લાખો રૂપિયાનો કાચો કપાસિયા તેલનો જથ્થો ગાયબ થઈ ગયો. અકસ્માત બાદ ટેન્કરનો ડ્રાઈવર સ્થળ પર ટેન્કર છોડીને નાસી છૂટ્યો હતો. આ અંગે કચ્છના એક ટ્રાન્સપોર્ટરે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કચ્છના ગાંધીધામ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પરેશભાઈ અજીતસિંહ ભાટીયાએ પોલીસને આપેલી ફરિયાદ મુજબ, તારીખ ૨૯ નવેમ્બર ૨૦૨૫ ના રોજ આદિલાબાદની એ.જી.એસ. ઇન્ડસ્ટ્રીઝ કંપની પાસેથી કાચું કપાસિયા તેલ ખરીદવામાં આવ્યું હતું . જે મહેસાણાની એન.કે. પ્રોટીન્સ, કડીને પહોંચાડવાનું હતું. આ માટે GJ.12.CJ.3396 નંબરનું ટેન્કર નક્કી કરવામાં આવ્યું હતું, જેના ડ્રાઈવર તરીકે ચાંમુડા નગર ગાંધીધામના રહેવાસી ઓમપ્રકાશ માલી હતા. તારીખ ૦૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સવારે અંદાજે ૧૧ વાગ્યે પરેશભાઈને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તેમનું ટેન્કર ગોધરાના દરૂણિયા ગામ બાયપાસ પાસે પલટી ખાઈ ગયું છે.
આ માહિતી મળતા જ પરેશભાઈએ તુરંત તેમના કર્મચારી ઘનશ્યામ આહીરને ઘટનાસ્થળે મોકલ્યો હતો. ઘનશ્યામ આહીરે સ્થળ પર પહોંચીને પરેશભાઈને ફોન દ્વારા જણાવ્યું હતું કે, ટેન્કર રોડની સાઈડમાં પલટી ખાધેલી હાલતમાં પડ્યું છે પરંતુ ટેન્કરમાં ભરેલું કપાસિયા તેલ ગાયબ છે અને ટેન્કર સંપૂર્ણપણે ખાલી છે. અકસ્માત બાદ ડ્રાઈવર ઓમપ્રકાશ માલી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને તેના બંને મોબાઈલ નંબર બંધ આવતા હતા. પરેશભાઈ ભાટીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ડ્રાઈવર ઓમપ્રકાશ માલીએ ટેન્કરને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને પલટી ખવડાવી હતી જેના કારણે ટેન્કરમાં ભરેલું કાચું કપાસિયા તેલ જમીન પર ઢોળાઈ ગયું અથવા તો ચોરી થઈ ગયું છે. આથી, તેમણે ડ્રાઈવર ઓમપ્રકાશ માલી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તારીખ ૯ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ડ્રાઈવરની શોધખોળ અને તેલ ક્યાં ગયું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.