ચેકડેમની પ્લેટો કોઈ કાઢી ગયું કે રેતી માફીયાઓ દ્વારા જાણીને હટાવી દેવામાં આવી તેવા પ્રશ્નો ચર્ચામાં
પ્લેટો વગર પાણીનો સંગ્રહ નહીં થાય તો ઉનાળામાં ફરી તરસ્યા રહેવાનો વારો આવશે.
છોટાઉદેપુર : ઓરસંગ નદીમાં રૂપિયા સાત કરોડના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો છે. જે ચેકડેમ વૉટર વર્કસના કુવાની આસપાસના વિસ્તારમાં પાણીનો સંગ્રહ થઈ રહે તે માટે અને ઉનાળામાં દર વર્ષની જેમ પાણીની તકલીફ પ્રજાને ના પડે તે હેતુથી બનાવવામાં આવ્યો છે. જેમાં પાણીનો સંગ્રહ કરવા માટે દરવાજામાં ફાયબરની પ્લેટો લગાવવામાં આવી હતી. જે ચોમાસા અને શિયાળા દરમિયાન પાણીનો સંગ્રહ કરે છે અને ભર ઉનાળામાં આ જ પાણી પ્રજાને વારિગૃહના માધ્યમથી મળે છે. પરંતુ હાલમાં આ પ્લેટો ચેકડેમના દરવાજાઓમાંથી નીકળી ગયેલી જોવા મળી રહી છે. અમુક દરવાજામાં તો પ્લેટો અદૃશ્ય થઈ ગઈ છે. જેથી પાણી નિરંતર વેસ્ટ થઈ રહ્યું છે.
છોટાઉદેપુર નગરની ૩૫ હજારની વસ્તીને પાણી પૂરું પાડતું નગર પાલિકાનું વૉટર વર્કસ દર ઉનાળામાં પાણીવિહિન થઈ જતું હોય, જેના કારણે પ્રજા સુધી પાણી પહોંચાડવું ભારે અઘરું પડતું હતું જે સમસ્યાના નિવારણ માટે નગર પાલિકા દ્વારા વૉટર વર્કસ વિસ્તારમાં ઓરસંગ નદીમાં ચેકડેમ બનાવવામાં આવ્યો. જે ખૂબ વખાણવા લાયક બાબત છે, પરતું હાલમાં આ ચેકડેમ માટે તંત્ર દ્વારા કોઈ જ કાળજી લેવામાં આવતી નથી અને પાણી વ્યર્થ વહી રહ્યું છે. ઉનાળાની શરુઆત પહેલા પાણીના સ્તર ઘટી જતા હોય બેફામ રેતી ખનન ને કારણે નદીમાં પાણી બચતું નથી, ગળાતુ પણ નથી અને ભર ઉનાળામાં પ્રજાએ તરસ્યા રહેવાનો વારો આવે છે. તો શું આ ડેમના દરવાજા ની નીકળી ગયેલી પ્લેટો તંત્રના ધ્યાને નહીં આવતી હોય તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ચેકડેમથી માંડી ઉપરના વિસ્તાર તરફ રેલ્વે બ્રિજ આવેલો છે જે બ્રીજની આગળના વિસ્તાર સુધી ફૂલ પાણીનો સંગ્રહ થતો હોય પરતું સદર જગ્યા ઉપર મોટા પાયે રેતી ખનન પણ ચાલતું હોય ત્યારે ચેકડેમના પાણીનો ઘેરાવો ઓછો કરવાના બદઈરાદે ચેકડેમની પ્લેટો ગેરકાયદેસર રેતી ખનન કરતા માફીયાઓ કાઢી નાખતાં હોય તેવી પણ માહિતીઓ મળી રહી છે. રાત્રિના સમયે નદીમાં ચેકડેમ પાસે સુમસામ જગ્યા ઉપર શું ધંધા થઈ રહ્યા છે? કોના ઇશારે કે કોની રહેમનજર હેઠળ આ ચાલી રહ્યું છે? તે પણ એક વિચારવા લાયક પ્રશ્ન છે. પ્રજાને પડતી પાણીની સમસ્યા શું સત્તાધીશોનું ધ્યાન નહિ હોય કે મુઠ્ઠીભર રેતી માફીયાઓ સત્તાધીશોને ગાંઠતા નથી તેમ ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે વાડ ચીભડા ગાળવાનું શરૂ કરે ત્યારે ચોર બેફામ બને તેવો ઘાટ છે.
હાંફેશ્વર થી નર્મદા નદીનું પાણી વેચાતું મંગાવવાની ફરજ પાલિકાને પડે છે
છોટાઉદેપુર નગરની ૩૫હજારની વસતી દર ઉનાળામાં પાણી માટે વલખા મારે છે જ્યારે નગરમાં પાણી એકાંતરા દિવસે પણ આપવાનો વારો આવે છે ત્યારે હાંફેશ્વર થી નર્મદા નદીનું પાણી વેચાતું મંગાવવાની ફરજ પાલિકાને પડે છે. તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે આ ચેકડેમ માંથી વહી રહેલા પાણીને અટકાવવું જોઈએ અને ચેકડેમની સારસંભાળ તંત્રએ યોગ્યરીતે રાખવી જોઈએ અને આ પ્લેટો કોણે કાઢી કે કેવીરીતે નીકળી ગઈ તેની તપાસ થવી જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે.
અહેવાલ: સંજય સોની છોટાઉદેપુર