એક તરફ ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ સરકાર દ્વારા કામગીરી જ એવી કરવામાં આવે છે કે ભારતની પ્રગતિ અટકે. આજના સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સૌથી વધુ ફાસ્ટેસ્ટ માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ ઝડપથી એક શહેરમાંથી બીજા શહેરમાં પહોંચી શકાય તેમ તેમ સમય પણ બચે અને વ્યક્તિ વધુ કાર્યભાર સંભાળી શકે.
આજનો સમય એવો છે કે એક તરફ સરકાર ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાય તે માટે બુલેટ ટ્રેન દોડાવવા ઈચ્છુક છે અને બીજી તરફ સરકાર દ્વારા એવા પગલાઓ લેવામાં આવ્યા છે કે ભારતનું જે વિમાની ક્ષેત્ર આગળ વધી રહ્યું હતું તે હવે ધીરેધીરે નીચે ધકેલાઈ રહ્યું છે અને તેમાં પણ એક-બે એરલાઈન્સની મોનોપોલી એવી રીતે સેટ થઈ રહી છે કે સરકારને જ હવે નવનેજા પાણી આવી રહ્યા છે. ભારતમાં કોઈપણ ક્ષેત્રમાં કોઈની મોનોપોલી નહીં થાય તે માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાની રચના કરવામાં આવી છે પરંતુ આ કમિશન પણ નિર્થક પુરવાર થયું છે.
ભારતમાં સૌથી પહેલી એરલાઈન્સ એર ઈન્ડિયા શરૂ થઈ હતી. ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં એરલાઈન્સ કંપનીઓ ઠરીઠામ થઈ જ નથી. ભારત સરકારે ક્યારેય પણ એવા પ્રયાસો કર્યા નથી કે એરલાઈન્સ કંપનીઓ વધે. વચ્ચે એક સમય એવો આવ્યો હતો કે ઉડ્ડયન ક્ષેત્રે અનેક એરલાઈન્સ કાર્યરત હતી. તેમાં કિંગફિશર, સ્પાઈસ જેટ, જેટ એરવેઝ, ગો એર, વિસ્તારા, સ્ટાર એર, ની સાથે સાથે એર ઈન્ડિયા અને ઈન્ડિગો કંપનીનો સમાવેશ થતો હતો. જોકે, બાદમાં કિંગફિશર અને જેટ એરવેઝ બંધ થઈ ગઈ. ખરેખર આ સમયે સરકારે આ બંને એરલાઈન્સ કંપનીઓને રાહત પેકેજ આપીને તેને ચાલુ રાખવાની હતી. એરલાઈન્સ કંપનીઓનો ધંધો જ એવો છે કે તેમને ખોટ જાય. આ સંજોગોમાં સરકારે તેમને ટકાવી રાખવાની જરૂરીયાત હતી. જ્યારે દુકાળ કે અતિવૃષ્ટિના સમયમાં ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે જો સરકાર ખેડૂતોને રાહત આપી શકતી હોય તો એરલાઈન્સ કંપનીને કેમ નહીં?
સરકારે આ કંપનીઓને ટકાવી નહીં અને પરિણામ એ આવ્યું કે દેશમાં એવિએશન ક્ષેત્રે ઈન્ડિગો કંપનીનો હિસ્સો 65 ટકા સુધી પહોંચી ગયો. જ્યારે ઈન્ડિયો બીજી કંપનીઓને નુકસાન કરવા માટે ઓછા ભાવમાં વિમાનો ઉડાડી રહી હતી ત્યારે કેમ સરકાર જાગી નહીં? કેમ કોમ્પિટિશન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આંખો ઉડી નહીં?? કોમ્પિટિશન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની એ જવાબદારી હતી કે સિવિલ એવિએશન ક્ષેત્રમાં કોઈપણ કંપનીની ઈજારાશાહી ઊભી નહીં થાય. કોઈપણ કંપનીનો હિસ્સો 51 ટકાથી વધે નહીં તે જોવાની જવાબદારી આ સરકારી એજન્સીની હતી પરંતુ તેણે તે સમયે ધ્યાન આપ્યું નહીં અને આખરે ડીજીસીએ દ્વારા કડકાઈ કરવા જવામાં ડીજીસીએ અને તેની સાથે સાથે કેન્દ્ર સરકારે ઈન્ડિગો સામે પોતાનું નાક કપાવવું પડ્યું. આ સરકારની નામોશી પણ હતી અને નબળાઈ પણ સાબિત થવા પામી છે.
ખરેખર સરકારે સિવિલ એવિએશન ક્ષેત્રે દરવાજા ખુલ્લા મુકી દેવા જોઈએ. બાયલેટરલ કરારમાં અમુક મેટ્રો શહેરોનો જ સમાવેશ કરવાને બદલે તમામ પ્રમુખ શહેરોને સાંકળી લેવા જોઈએ. જો આમ કરવામાં આવશે તો દેશમાં વિદેશી એરલાઈન્સ માટે દરવાજા ખુલશે અને ઈન્ડિગો જેવી એરલાઈન્સ કંપનીની ઈજારાશાહી ઘટશે. કેન્દ્ર સરકારને આટલી સાદી વાત પણ સમજાતી નથી. સિવિલ એવિએશન ક્ષેત્રે કેન્દ્ર સરકાર પાસે દીર્ધદ્રષ્ટિનો મોટો અભાવ છે અને તેને કારણે જે એરપોર્ટ પર એક કનેક્ટિવિટી વધી રહી હતી તે હાલના ઈન્ડિગોના ફ્લાઈટ કેન્સલ થવા જેવા ભોપાળાને કારણે ઘટી રહી છે. સરકાર વેળાસર જાગીને સિવિલ એવિએશન ક્ષેત્રે બહારની એરલાઈન્સ કંપનીઓ માટે દરવાજા નહીં ખોલશે ત્યાં સુધી ઇન્ડિગો જેવી કંપની પાસે સરકારે ઘૂંટણિયે પડવું જ પડશે તે નક્કી છે.