Vadodara

વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો

પેટમાં ઇન્ફેક્શનની તકલીફ હોય યુવકને દાખલ કરવામાં આવ્યો હતો,

યોગ્ય તપાસ કરીને બેદરકારી જણાશે તો સ્ટાફ સામે કાર્યવાહી કરાશે : આરએમઓ

વડોદરા તા.6
વડોદરામાં આવેલી ગોત્રી જીએમઇઆરએફ હોસ્પિટલમાં એક દર્દીને પેટમાં ઇન્ફેક્શનની તકલીફ હોય દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ હોસ્પિટલમાં હાજર સ્ટાફ દ્વારા દર્દીને એક્સપાયર્ડ થયેલો બોટલ ચડાવી દેવામાં આવ્યો હતો. જેની જાણ થતા દર્દીના પરિવારના સભ્યોને થતા તેઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે સારવારમાં ગંભીર બેદરકારી દાખવનાર હોસ્પિટલના સ્ટાફ સામે યોગ્ય કાર્યવાહી કરાશે તેવું આરએમઓએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારી હોસ્પિટલ પૈકીની ગોત્રી હોસ્પિટલમાં વારંવાર સ્ટાફને બેદરકારીના કારણે વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર દર્દીના આરોગ્ય સાથે ગોત્રી હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા ચેડા કરવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે.
વડોદરા શહેરમાં આવેલી સયાજી તથા ગોત્રીની જીએમઈઆરએસ હોસ્પિટલમાં કામ ડોક્ટર્સ તથા નર્સ સહિતના કર્મચારીઓની ગંભીર પ્રકારની બેદરકારી સામે આવતી રહેતી હોય છે. વારંવાર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ સરકારી હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર્સ સહિતના કર્મચારીઓના કારણે દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનું ટાળી રહ્યા છે. પરંતુ ગરીબીથી પીડાતા અભણ લોકો મજબૂરીમાં આ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે મજબૂર બની ગયા છે પરંતુ માત્ર પગાર લેવામાં માનતા આ સયાજી તથા ગોત્રી હોસ્પિટલના ડૉક્ટર તથા નર્સ સહિતનો સ્ટાફ કોઈ ગંભીરતા દર્દીની સારવાર પ્રત્યે દાખવતા નથી. જેના પરિણામે સયાજી અને ગોત્રી હોસ્પિટલ વિવાદોમાં સપડાતી હોય છે. ત્યારે ગોત્રી હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં એવી વિગત છે કે ગોત્રી હોસ્પિટમાં મુદસ્સર શેખ નામના દર્દીને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.આ યુવકને પેટમાં ઇન્ફેક્શનની તકલીફ થઈ ગઇ હતી. હોસ્પિટલના ડોક્ટર્સ સહિતના સ્ટાફ દ્વારા આ યુવકની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં આજે 6 ડિસેમ્બરના રોજ આ યુવકને બે બોટલ ચડાવવામાં આવ્યા હતા. ત્યારે દર્દીના પરિવારના સભ્યોએ યુવકને ચડવામાં આવેલો બોટલ ચેક કરવામાં આવ્યો હતો ત્યારે આ બોટલ એક્સ્પાયર ડેટવાળો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી દર્દીના પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. બોટલ ઉપર એક્ષપાયરી ડેટ નવેમ્બર 2025 લખેલી હતી. પરિવારના સભ્યો દ્વારા મચાવવામાં આવેલા હોબાળા પગલે અન્ય લોકો સહિત ડોક્ટર્સ પણ ભેગા થઈ ગયા હતા. આ મામલે ગોત્રી હોસ્પિટલના આરએમઓ ડો.પાટલાનાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલના સ્ટોર રૂમમાં એક્સપાયરી ડેટની દવા સહિતનો સમાન પડેલો હતો. જે સામાન કાઢી નાખવાનો હતો. પરંતુ દર્દીને પેરાસિટેમોલનો એક્સપાયર્ડ થયેલો બોટલ ચડાવી દેવામાં આવ્યો છે જે સ્ટાફની ગંભીર બેદરકારી કહેવાય તેની યોગ્ય તપાસ કરી બેદરકાર સામે ઉચિત પગલા પણ ભરવામાં આવશે.

Most Popular

To Top