દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત પાંચમા દિવસે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. સ્ટાફની અછત, ટેકનિકલ મેનેજમેન્ટ ગડબડ અને ઓપરેશનલ ટીમ વચ્ચેના ગરીબ સંકલનને કારણે દેશભરમાં હજારો મુસાફરોને ભારે મુશ્કેલી પડતી જોવા મળી રહી છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ, જયપુર, ઇન્દોર, કોચી અને તિરુવનંતપુરમ સહિત લગભગ તમામ મોટા એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ અને વિલંબનો સિલસિલો ચાલુ રહ્યો.
અમદાવાદ એરપોર્ટ પર કુલ 19 ફ્લાઇટ્સ રદ
અમદાવાદમાં પરિસ્થિતિ સૌથી વધુ તંગ રહી છે. સત્તાવાર ડેટા મુજબ રાતે 12થી સવારે 6 વાગ્યા સુધીમાં 7 અરાઇવલ અને 12 ડિપાર્ચર, કુલ 19 ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થઈ છે. ટર્મિનલની અંદર અને બહાર મુસાફરો અટવાઈ ગયા હતા. ઘણા મુસાફરોએ એરલાઇન પર સમયસર માહિતી ન આપવા આક્ષેપ કર્યા.
દિલ્હી એરપોર્ટ પર રાતભર ભીડ જામી
દિલ્હીના IGI એરપોર્ટ દ્વારા મોડીરાત્રે એડવાઇઝરી જારી કરીને મુસાફરોને ફ્લાઇટ સ્ટેટસ તપાસીને જ નીકળવાની વિનંતી કરી. ટર્મિનલ્સ રાતભર ભીડથી ભરાયેલા રહ્યા હતા કારણ કે મુસાફરોને સમયસર માહિતી મળી નહોતી અને બધા અપડેટ માટે રાહ જોતા રહ્યા.
ચેન્નઈ: આખો દિવસનો શેડ્યૂલ ખોરવાયો
જ્યારે બીજી બાજુ ચેન્નઈ એરપોર્ટ પરથી ઇન્ડિગોની એક દિવસમાં 29 ફ્લાઇટ્સ રદ થવાથી મોટી અસર થઈ હતી. એક આંતરિક પત્ર બહાર આવતા ખુલ્યું કે એરલાઇનએ CISFને વિનંતી કરી હતી કે ભીડ વધી રહી હોવાથી રદ થયેલી ફ્લાઇટ્સના મુસાફરોને ટર્મિનલમાં પ્રવેશમાં રોકવામાં આવે. પોર્ટ બ્લેર, અમદાવાદ, ગોવા, મુંબઈ, કોલકાતા, પુણે સહિતના મુખ્ય રૂટ્સ પરની ફ્લાઇટ્સ રદ થઈ.
મુંબઈ એરપોર્ટ: મુસાફરો ફ્લોર પર સૂઈને રાહ જોતા દેખાયા
મુંબઈ એરપોર્ટ પર બેસવાની જગ્યા પણ ખૂટી પડી હતી. બાળકો, વૃદ્ધો અને ઓફિસ મુસાફરોને ફ્લોર પર બેસીને અપડેટ માટે રાહ જોવી પડી હતી. ઘણાં લોકો સોશિયલ મીડિયા પર પોતાની મુશ્કેલી વ્યક્ત કરતા જોવા મળ્યા.
કોચી, જયપુર, ઇન્દોર અને તિરુવનંતપુરમમાં પણ મુસાફરો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા. તિરુવનંતપુરમ એરપોર્ટએ જાહેર કર્યું કે ત્યાં 6 ફ્લાઇટ્સ રદ થઈ છે.
એરલાઇનનું નિવેદન
ઇન્ડિગોનું માનવું છે કે સ્ટાફની અચાનક ગેરહાજરી, સિસ્ટમ સિંક્રોનાઇઝેશનની ભૂલો અને ક્રૂ સિક્વન્સિંગના ગડબડને કારણે શેડ્યૂલ ખોરવાયો છે. એરલાઇન અનુસાર કામગીરીને ઝડપથી સામાન્ય કરવામાં આવી રહી છે.