બીલીમોરા: ગણદેવીનાં ચાંગા ધનોરીનાં યુવકે આદિવાસી યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી દીધી હોવાનાં પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. આરોપી યુવાને પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે યુવતીએ જેને જન્મ આપ્યો છે તે બાળક મારૂં નથી. હું DNA ટેસ્ટ માટે તૈયાર છું. તે સાથે યુવતી જે ગામની છે તે ગામના તેના વાડી માલિક, બે પુત્ર અને ડ્રાઈવરનાં DNA કરાવવાની માંગ પણ યુવકે કરતા ખળભળાટ મચ્યો છે.
ગણદેવી પંથકનાં એક ગામની આદિવાસી યુવતી રેખા (૨૩) (નામ બદલ્યું છે)એ ચારેક દિવસ અગાઉ પોલીસમાં અરજી કરી દાવો કર્યો હતો કે ગણદેવીનાં ચાંગા ધનોરી ગામે મંદિર ફળીયામાં રહેતા દિવ્યેશ પરેશભાઈ આહીર (૩૦)એ લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને ગર્ભવતી બનાવી તરછોડી દીધી હતી, એટલું જ નહીં, જાતિ વિષયક અપમાનિત કરતી ગાળો આપી હતી. યુવતીએ પુત્રને જન્મ આપ્યો હતો ત્યારે તેણે અન્ય સાથે લગ્ન કરવા રૂ.2 લાખ આપવાની વાતો કરી હતી.
આ સમગ્ર પ્રકરણમાં આરોપી દિવ્યેશ આહીરે પોલીસમાં સામી અરજી કરતા જણાવ્યું છે કે અમારી વાડીમાં મજૂરી કામે આવેલી યુવતી સાથે હું સંપર્કમાં આવ્યો હતો અને તેની સંમતિથી પ્રોટેક્શન રાખી બે વખત શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ થોડા દિવસ બાદ યુવતીનાં ગામનાં એક શખ્સે જેની વાડીમાં યુવતી કાયમી ધોરણે રહીને કામ કરે છે તેણે દિવ્યેશને ફોન કરીને ગણદેવીની એક હોસ્પિટલમાં બોલાવી યુવતીને મદદ કરવાનું કહી કાગળ ઉપર સહી કરાવી લીધી હતી. યુવતીનું બાળક દિવ્યેશ તારું છે, જો તું બધું પતાવવા માંગતો હોય તો મને 2 લાખ રૂપિયા આપ. આથી દિવ્યેશે તેને કહ્યું કે મેં પ્રોટેક્શન રાખી ગત મે-૨૦૨૫માં શરીર સંબંધ બાંધ્યા હતા. આ બાળક મારું નથી. યુવતી તમારે ત્યાં જ આખો દિવસ રહે છે. તો મારે શું કામ ખર્ચ ભોગવવાનો? આથી પેલા શખ્સે ગુસ્સે ભરાઈને દિવ્યેશને પોલીસ કેસની ધમકી આપી હતી અને એટ્રોસીટી કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
DNA ટેસ્ટ કરાવો, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે
વધુમાં દિવ્યેશે અરજીમાં દાવો કર્યો છે કે યુવતી તેના ગામના વાડી માલિકનાં ઘરે જ રહે છે. આથી વાડી માલિક, તેના બે પુત્ર અને ડ્રાઇવરનાં પણ મારી સાથે સાથે DNA ટેસ્ટ કરાવવાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. જો મારો DNA બાળક સાથે મેચ થશે તો હું બાળક ને સ્વીકારી, તેની માતા સાથે લગ્ન કરી લઈશ. ભાજપનાં એક કાર્યકરે પણ ધમકી આપી હોવાનો આરોપી યુવકે આક્ષેપ કર્યો હતો.