Comments

પર્યાવરણનું નિકંદન કાઢવા વધુ એક વિકાસયોજના આવી રહી છે

એક સમયે આપણા દેશની વરસાદ આધારિત ખેતીની સમસ્યાના ઉકેલ માટે વિવિધ મોટી નદીઓ પર બંધ બાંધવામાં આવ્યા હતા, જેમણે સિંચાઈની સાથોસાથ વીજળીની સમસ્યાને પણ હળવી બનાવવામાં યોગદાન આપ્યું. જો કે, હવે બંધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવીને તેના થકી આવક રળવાનો જે રોગ શરૂ થયો છે એ ખતરનાક છે. એનું ઉદાહરણ નર્મદા નદી પર બાંધવામાં આવેલો બંધ છે. તેનું પાણી સિંચાઈ અને વીજઉત્પાદન માટે વપરાય એ મૂળભૂત હેતુ છે, પણ પ્રવાસીઓની મોજમજા માટે સાબરમતી રિવરફ્રન્‍ટમાં ઠલવાય એ તેનો વેડફાટ છે. એમાંય હજી એની નહેરોનું કાર્ય પૂર્ણ ન થયું હોય એ સ્થિતિમાં આ ગુનાહિત વેડફાટ છે. પણ ઉત્સવ- ઉજવણીમાં મસ્ત અને રત લોકો એ બધી ફિકર શું કામ કરે? અને એ લોકો ફિકર ન કરે તો સરકાર પોતે શું કામ કશું કરે?

હવે આવી વધુ એક જોગવાઈ ઓડિશામાં આયોજન હેઠળ છે. અહીંના સમ્બલપુર જિલ્લાની મહા નદી પર બાંધવામાં આવેલો હીરાકુંડ બંધ વિશ્વના સૌથી વધુ લંબાઈ ધરાવતા બંધ પૈકીનો એક છે. સિંચાઈ, વીજ ઉત્પાદન તેમજ પૂર નિયંત્રણના મામલે તે મહત્ત્વની રાષ્ટ્રીય સંપત્તિ કહી શકાય. તેની સુરક્ષા અને સલામતી સરકાર માટે હંમેશાં મહત્ત્વની રહી છે અને પ્રવાસીઓના આવાગમનને ઘણે અંશે મર્યાદિત રાખવામાં આવ્યું છે.

હવે આ પરિસ્થિતિ બદલાય એવાં એંધાણ જણાઈ રહ્યાં છે.  આ બંધ થકી સર્જાયેલા વિશાળ કૃત્રિમ જળાશય અને તેની આસપાસના વિસ્તાર પર સરકારની નજર બગડી છે. અહીં પ્રવાસીઓને આકર્ષીને નાણાં રળવા માટે સરકારની દાઢ દળકી છે. આવી કોઈ કાર્યવાહી કરતાં અગાઉ પ્રવાસન વિભાગ દ્વારા જરૂરી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (એન.ઓ.સી./ ના વાંધા પ્રમાણપત્ર) જરૂરી છે, જે ઓડિશા સરકારના જળ સંસાધન વિભાગે ‘સ્થળવિશેષ પ્રવાસન’ના વિકાસ માટે આપવા માંડ્યા છે.

આ આયોજનમાં લેસર સંગીતનો કાર્યક્રમ, દિવસ દરમિયાન જળપ્રવાસ (ક્રુઝ)ની સુવિધાઓ માટેનું મથક, હોટેલ/તરતી હોટેલ, બંધનું સંગ્રહાલય, પ્રવાસીઓનું આગમન સ્થાન સહિત અન્ય અનેક સુવિધાઓનો સમાવેશ થાય છે. સ્વાભાવિકપણે જ આવા પ્રકલ્પો થકી બંધ અને તેના જળાશયના પર્યાવરણ પર પડનારી વિપરીત અસરો વિશે ચર્ચા જાગી છે. આ જળાશય એશિયાનું સૌથી વિશાળ કૃત્રિમ જળાશય છે. તેની સાથે અતિ સમૃદ્ધ જળસૃષ્ટિ તેમજ વન્યજીવ સૃષ્ટિ સંકળાયેલી છે. તદુપરાંત યાયાવર પક્ષીઓ માટેનું આ મહત્ત્વનું સ્થાન છે.

સમ્બલપુર અને ઝારસુગુડા જિલ્લામાં આ બંધ ફરતે આવેલાં આવાં નવ સ્થળ પૈકી આઠ માટે ‘એન.ઓ.સી.’ આપી દેવામાં આવ્યાં છે, જેમાં વિવિધ પ્રકારની જોગવાઈઓ સામેલ છે.  જળ સંસાધન વિભાગનાં અન્ડર સેક્રેટરી સસ્મિતા મિશ્રા દ્વારા આ પ્રમાણપત્રો પ્રવાસન વિભાગના સેક્રેટરી બલવંત સિંઘને મોકલવામાં આવ્યાં છે. અશોક નિવાસ હીલ ફ્રન્‍ટ નામના સ્થળ નંબર એક માટે પ્રમાણપત્ર નકારવામાં આવ્યું છે. કારણ કે બંધનો જમણો ભાગ ચાંદલી ડુંગરી હીલ પર નિર્મિત છે અને ત્યાં કશું પણ બાંધકામ કરવામાં આવે તો બંધની સલામતી માટે જોખમી સાબિત થઈ શકે એમ છે. પત્રમાં આમ જણાવાયું છે.

પ્રમાણપત્ર આપતી વખતે જાતભાતની શરતો મૂકવામાં આવી છે, જે હીરાકુંડ જળાશય ફરતે આવેલી પર્યાવરણપ્રણાલી કેટલી નાજુક છે એ દર્શાવે છે. પત્રમાં એમ પણ દર્શાવવામાં આવ્યું છે કે બંધ/જળાશય ફરતે પ્રવાસન વિકાસ કરતાં રાષ્ટ્રીય બંધ સુરક્ષા પ્રાધિકરણ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાઓને ચુસ્તપણે અનુસરવાની રહેશે. ટૂંકમાં જોઈએ તો, પ્રમાણપત્ર ભલે અપાયું, પણ પ્રવાસન ગતિવિધિઓ સાથે સંકળાયેલાં જોખમો વિશે બન્ને વિભાગને પૂરેપૂરી જાણકારી છે. સિદ્ધાર્થ શંકર મિશ્રા નામના વકીલે જણાવ્યું છે કે આ બંધ અસલમાં સિંચાઈ, પૂર નિયંત્રણ તેમજ લાખો લોકોના અસ્તિત્વ માટે બાંધવામાં આવ્યો હતો, પણ હવે સરકાર તેને ધનિકો માટેનું વૈભવી રમતનું મેદાન બનાવવા માગે છે. કોર્પોરેટ લાલસા સામે આ રીતસરની શરણાગતિ છે. પર્યાવરણનું વધુ એક વાર નિકંદન કાઢવાનો આ દસ્તાવેજ તૈયાર થાય એ પહેલાં સરકારને એ માટે ઉત્તરદાયી ઠેરવવી જોઈએ. 

ખેડૂત અગ્રણી સરોજ મોહન્‍તીએ કહ્યું છે કે આ મુદ્દાઓને જાહેરમાં લાવવા જોઈએ અને વિકાસપ્રવૃત્તિઓ થાય એ પહેલાં તેના સહભાગીઓ સાથે  ચર્ચા યોજાવી જોઈએ. પર્યાવરણ પર પડનારી વિવિધ સંભવિત અસરોનો અભ્યાસ, તેનો અહેવાલ અને એ બાબતે લેવાનારાં પગલાંની કવાયત કાનૂની અનિવાર્યતા છે, એટલે કરવામાં અવશ્ય આવે છે, પણ તેનાથી ખાસ કશો ફરક પડતો નથી. પર્યાવરણ માટે આજે ખતરો સાબિત થનારા તમામ પ્રકલ્પો આ ચકાસણીમાંથી પસાર થયેલા હોય છે, પણ જે વિપરીત અસરો થવાની છે એ રોકી શકાતી નથી, કેમ કે, આ બધી કવાયત કેવળ કરવા ખાતર કરવામાં આવે છે. એ કેવળ એક કાનૂની ઔપચારિકતા છે, તેની બીજી કોઈ ગંભીરતા નથી.

પ્રવાસન હવે શીશીમાંથી નીકળેલો એક એવો દૈત્ય બની ચૂક્યું છે કે તેને પાછો શીશીમાં પૂરવો શક્ય નથી. અહીં વાત આડેધડ અને અવિચારી પ્રવાસન વિકાસની છે. આ સમસ્યા કેવળ ભારત પૂરતી મર્યાદિત નથી, પણ વિશ્વભરમાં વ્યાપેલી છે. સરકારને અઢળક આવક અને કોર્પોરેટ સાથેની દોસ્તી સિવાય બીજી કશી પરવા હોતી નથી. પર્યાવરણના ભોગે પ્રવાસનનાં માઠાં અને ઘાતક પરિણામો હવે તો વારંવાર જોવા મળી રહ્યાં છે. પણ એનાથી ચેતવાને બદલે રોજેરોજ નવા નવા પ્રકલ્પો જાહેર કરાય છે. સરકારને કોઈ પૂછનાર નથી અને કોઈ પૂછે તો તેને ચૂપ કરાવવાના તમામ હથકંડા અજમાવવામાં આવે છે. વાર્યા ન વળે એ હાર્યા વળે એમ કહેવાય છે, પણ આ બાબતે નથી વાર્યા વળતા કે નથી હાર્યા વળતા. આગળ ને આગળ ધપ્યા કરે છે વિનાશ તરફ!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top