Business

શિયાળો બેસી ગયો: ગુજરાતને કદાચ બહુ ઠંડીનો સામનો નહીં કરવો પડે

આ વર્ષે દિવાળી પછી તરત જ આપણા ગુજરાતમાં કમોસમી વરસાદનું એક મોજું આવ્યું. એકાદ સપ્તાહ સુધી વરસાદી માહોલ રહ્યો. અને આ વરસાદી માહોલ પુરો થયા બાદ નવેમ્બરની શરૂઆતના દિવસોમાં જ ઠંડી શરૂ થઇ ગઇ. આ વખતે ઠંડી વહેલી શરૂ થઇ ગઇ હોવાની વાતો થવા માંડી અને ત્યાં તો આ ઠંડી અટકી ગઇ અને વચ્ચે થોડા દિવસો હૂંફાળા ગયા બાદ ફરી એક વાર ઠંડી શરૂ થઇ છે. ડિસેમ્બર મહિનો શરૂ થવાની સાથે હવે ઠંડી વધી શકે છે, પરંતુ કહી શકાય નહીં. ભરશિયાળામાં ઉનાળા જેવી ગરમીનો અનુભવ થાય તે આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં જોયું છે. આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ સોમવારે જણાવ્યું હતું કે આ શિયાળાની ઋતુ દરમિયાન મધ્ય ભારત અને તેની આજુબાજુના ઉત્તરપશ્ચિમ અને દ્વીપકલ્પીય પ્રદેશોમાં સામાન્યથી નીચે તાપમાન રહેવાની સંભાવના છે. જો કે આપણું ગુજરાત જ્યાં આવેલું છે તે પશ્ચિમ ભારતમાં ઠંડી આ વખતે સામાન્ય કરતા ઓછી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, હિમાલયની તળેટીઓ, ઉત્તરપૂર્વીય રાજ્યો અને પૂર્વી અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના છે, એમ આઈએમડીના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આઈએમડી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં શીત લહેરના ચારથી પાંચ વધારાના દિવસ રહેવાની અપેક્ષા રાખે છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં સામાન્ય રીતે ચાર થી છ દિવસ શીત લહેરની સ્થિતિનો અનુભવ થાય છે. આ વખતે ત્યાં શીત લહેરના ચારથી પાંચ વધારાના દિવસો ઉમેરાશે. શિયાળાની ઋતુ દરમિયાન (ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026), મધ્ય ભારતના મોટાભાગના ભાગો અને તેની આસપાસના દ્વીપકલ્પીય અને ઉત્તરપશ્ચિમ ભારતમાં સામાન્યથી નીચે લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.

દેશના બાકીના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની સંભાવના છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, આ સિઝન દરમિયાન, દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહેવાની ધારણા છે. ઠંડીથી તીવ્ર ઠંડીની મોસમની સ્થિતિનો પહેલો સમયગાળો વહેલો શરૂ થયો હતો અને તે ફક્ત પશ્ચિમ, મધ્ય અને નજીકના પૂર્વ ભારત, મુખ્યત્વે ઉત્તરપૂર્વ રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ઉત્તર મધ્ય પ્રદેશ, દક્ષિણ ઉત્તર પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢના છૂટાછવાયા વિસ્તારોમાં 8 થી 18 નવેમ્બર દરમિયાન અને ઉત્તર આંતરિક મહારાષ્ટ્રમાં 15 અને 20 નવેમ્બરના રોજ જોવા મળ્યો હતો. IMD વડાએ જણાવ્યું હતું કે 3 થી 5 ડિસેમ્બર દરમિયાન ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં બીજી ઠંડીની મોસમની અપેક્ષા છે.

અમે ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન નબળા લા નીનાની સ્થિતિ ચાલુ રહેવાની અપેક્ષા રાખીએ છીએ એમ તેમણે ઉમેર્યું હતું. આ લા નીના એ અલ-નીનો કરતા ઉલટી અસર કરતું પરિબળ છે. લા-નીનોમાં પ્રશાંત મહાસાગરની સમુદ્રની સપાટી ઠંડી થાય છે. લા નીના ભારતમાં ઠંડા, લાંબા શિયાળો અને મજબૂત, ભીના ચોમાસાનું કારણ બને છે. આનો અર્થ એ છે કે ઉત્તરમાં ઠંડીમાં વધારો, હિમાલયમાં ભારે હિમવર્ષા અને ચોમાસામાં પૂરનું જોખમ વધારે છે. જો કે, વરસાદમાં વધારો વરસાદ આધારિત ખેતીને ફાયદો પહોંચાડી શકે છે.

શિયાળા પર તેની અસરમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન ઓછું હોવાથી વધુ તીવ્ર ઠંડીમાં વધારો થવાની અપેક્ષા રહે છે. હિમાલયના પ્રદેશોમાં ભારે અને વધુ લાંબી હિમવર્ષા થવાની સંભાવના છે, જે જળ સંસાધનો માટે ફાયદાકારક હોઈ શકે છે પરંતુ મુસાફરીમાં વિક્ષેપ પણ લાવી શકે છે. જ્યારે ઠંડા તાપમાન ઘઉં જેવા ચોક્કસ પાક માટે સારું હોઈ શકે છે, ત્યારે સરસવ અને શાકભાજી જેવા સંવેદનશીલ પાકને નુકસાન પહોંચાડવાનું જોખમ વધારે છે. ઠંડીની સ્થિતિ પ્રદૂષકોને ફસાવી શકે છે, જેના કારણે શહેરી વિસ્તારોમાં ધુમ્મસ અને શ્વસન સમસ્યાઓમાં વધારો થાય છે જે આપણે દિલ્હી જેવા શહેરોમાં જોઇ જ રહ્યા છીએ.

જો કે ગુજરાત સહિતના પશ્ચિમ ભારતમાં ઠંડી સામાન્ય કરતા ઓછી અને તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની આગાહી થઇ છે એટલે આપણે કદાચ બહુ સખત ઠંડીનો સામનો કરવો નહી પડે. જો કે કશું કહેવાય નહીં, હવામાન ખાતાની આગાહીઓ ઘણી વાર ખોટી પડતી હોય છે અને હવે ગ્લોબલ વૉર્મિંગ વચ્ચે તો આપણે ત્યા઼ પણ હવામાન ઘણુ વિચિત્ર થઇ ગયું છે. સ્થિર અને ધારણા મુજબ જ રહેતી ઋતુઓ હવે ભૂતકાળની વાત બની ગઇ છે.

Most Popular

To Top