Business

ડુંગરોથી ઘેરાયેલું અને વાંસદાથી માત્ર૧૫ કિ.મી.ના અંતરે આવેલું ગામ :ખાટાઆંબા

ડુંગરોથી ઘેરાયેલું અને વાંસદાથી માત્ર ૧૫ કિ.મી.ના અંતરે આવેલું ગામ એટલે ખાટાઆંબા. આ ગામમાં 80% લોકો ધાર્મિક છે. ખાટાઆંબા ગામ એ આશરે 7 હજાર જેટલી વસ્તી ધરાવતું ગામ છે. જેમાં કુંકણા , વારલી, કોળચા, કોટવાળીયા વગેરે જાતિના લોકો વસવાટ કરે છે, જેમાં કુંકણા જાતિના લોકો વધુ વસવાટ કરતા હોય છે. અહીંના ખેડૂતો ડાંગર, ભીંડા, રીંગણ, જુવાર, ટીંડોળા અને ગુવારસિંગ જેવા પાકોની ખેતી કરી આજીવિકા મેળવે છે. પરંતુ આ વિસ્તારમાં પાણીની સુવિધા પૂરતી ન હોવાથી ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકો ખેતી કરતા હોય છે. અહીંના 80% લોકો પશુપાલન કરી આગળ વધી રહ્યા છે, પશુપાલન થકી સારું દૂધ ઉત્પાદન કરી ખાટાઆંબા ગામમાં એક દૂધડેરીથી શરૂઆત કરી આજે પાંચ દૂધ ડેરી કાર્યરત છે, જે પૂરવાર કરી જાય છે કે અહીંના ખેડૂતો પશુપાલન ક્ષેત્રે અન્ય કરતા વધુ મહેનત કરી રહ્યા છે. ખાટાઆંબા ગામ ડુંગરાળ વિસ્તારમાં ફેલાયેલું હોવાથી અહીં 500 ફૂટ જેટલા ઊંડાઈ સુધી પાણીના બોર કરવા છતાં બિલકુલ પાણી મળતું નથી. તેમજ કોઈ મોટો ચેકડેમ કે તળાવ પણ ન હોવાથી પાણીનો સંગ્રહ પણ થઈ શકતો નથી. જેથી સરકાર દ્વારા આ ગંભીર બાબતે ધ્યાન દોરી પાણીનો સંગ્રહ થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો ગામના ખેડૂતો પશુપાલનની સાથે સાથે ખેતી પણ વધુ સારી કરી આગળ વધી શકે તેમ છે. પાણીની સમસ્યાને દૂર કરવા હંમેશાં આ વિસ્તારના લોકોની સરકાર પાસે માંગ ઊભી રહી છે. તથા ખાટાઆંબા ગામથી જૂજ ડેમ આશરે દોઢ કિ.મી.ના અંતરે આવેલો છે, તંત્ર દ્વારા જૂજ ડેમમાંથી ખાટાઆંબા ગામ સુધી પાણી પહોંચાડવાની યોજના વિશે વિચારણા કરવામાં આવે તો સરળતાથી ગામમાં પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ છે.

ખાટાઆંબા ગામે મોબાઈલ ટાવરની સુવિધા


ખાટાઆંબા ગામમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ નેટવર્કના અભાવે આ વિસ્તારમાં રહેતા આશરે ૫,૦૦૦ જેટલા લોકો હાલાકી ભોગવી રહ્યા હતા. આજના આધુનિક યુગમાં જરૂરી કામકાજ માટે મોબાઈલ ફોન પણ ખૂબ જ જરૂરી બની ગયો છે, જેમાં ઓનલાઈન શિક્ષણથી લઈ વિવિધ પરીક્ષાનાં ફોર્મ પણ ઘરબેઠા ભરી શકાય છે. પરંતુ ખાટાઆંબા ગામના ચારમુડી, કાવીસપાડા, ભેંસ ખડક, બાબુનીયા, જામનીનામાળ ફળિયાના રહીશોને નેટવર્કના અભાવે ખૂબ જ હાલાકી પડી રહી હતી. જો કે, તંત્ર આ સમસ્યાનું ઘણા અંશે નિરાકરણ લાવવામાં સફળ રહ્યું છે. જ્યારે હજી પણ ખાટાઆંબા ગામ તાલુકાનું છેવાડાનું ગામ અને જંગલ તથા ડુંગરાળ વિસ્તારમાં ફેલાયેલું હોવાના કારણે ગામના કેટલાક વિસ્તારમાં હજી પણ નેટવર્કનો અભાવ જોવા મળી રહે છે. જેને લઇ આ વિસ્તારના કેટલાક લોકોને હજી પણ નેટવર્કની હાલાકી પડે છે.
સ્મશાનગૃહની પરિસ્થિતિ
ખાટાઆંબા ગામમાં સ્મશાનગૃહ સુવિધાની વાત કરીએ તો ગામમાં કુલ 10 જેટલાં સ્મશાનગૃહ આવેલાં છે, જેમાં પાંચ પાકાં અને પાંચ ખુલ્લામાં લોકોએ અંતિમસંસ્કાર કરવા પડે છે. જેમાં કાવીસપાડા, મોટાપાડા, ઘૂટિયા ફળિયા, ડુંગરી ફળિયા-૧ અને ડુંગરી ફળિયા-૨માં પાકાં સ્મશાનગૃહ આવેલાં છે. જ્યારે પટેલ ફળિયા, ચિકાર ફળિયા, સોનાર ફળિયા, બાબુનીયા ફળિયું અને ચારમુડી ફળિયામાં ખુલ્લામાં જ અંતિમસંસ્કાર કરવા પડી રહ્યા છે અને અગ્નિદાહ આપ્યા પછી સાફસફાઈ માટે પાણીની પણ સુવિધા ન રહેતાં કેન, ડોલ કે અન્ય સાધનનો ઉપયોગ કરી પાણી પહોંચાડવામાં આવે છે. તથા લોકોએ ચોમાસા દરમિયાન અગ્નિદાહ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
પ્રાથમિક શાળાની સુવિધા

ખાટાઆંબા ગામમાં શિક્ષણની વાત કરીએ તો ત્રણ શાળાઓ આવેલી છે, જેમાં બાબુનીયા ફળિયા ખાતે આવેલી વર્ગ શાળામાં 4 શિક્ષકના નેજા હેઠળ 1થી 5 ધોરણનાં 93 જેટલાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. બીજી ચારમૂડી ખાતે આવેલી વર્ગશાળામાં 8 શિક્ષકના નેજા હેઠળ 245 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે તથા મેઈન રોડ પર નિશાળ ફળિયા ખાતે આવેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત આપણી પ્રાથમિક શાળાની સ્થાપના 1956માં થઈ હતી, જેમાં 1થી 8 ધોરણમાં આશરે 450 જેટલા વિદ્યાર્થી સારું શિક્ષણ મેળવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સરકાર દ્વારા શિક્ષણની સાથે સાથે સારું મધ્યાહન ભોજન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તથા શાળાના શિક્ષકો દ્વારા બાળકો પ્રત્યે શિક્ષણની સાથે રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ બાબતે પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે.
વર્ષોથી વાંસમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવી રોજગારી મેળવતો પરિવાર

ખાટાઆંબા ગામે બોરીપડા ફળિયા ખાતે રહેતા કેટલાક આદિવાસી સમાજના પરિવારો વર્ષોથી વાંસમાંથી ટોપલાં, ટોપલી, સૂપડાં વગેરે ચીજવસ્તુઓ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા રહી રોજગારી મેળવી રહ્યા છે. આજના આધુનિક યુગમાં પણ વાંસમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવી સારી એવી આવક મેળવી વર્ષોના પારંપરિક વ્યવસાયને જીવંત રાખી છે. ખાટાઆંબા ગામના કેટલાક પરિવારો આશરે છેલ્લાં 45 વર્ષથી પણ વધુ સમયથી આ વાંસમાંથી જરૂરી વસ્તુ બનાવના વ્યવસાય સાથે જોડાયેલો છે. આદિવાસી સમાજના લોકો આ વ્યવસાય થકી ગુજરાન તો ચલાવે છે, જે કામ ખૂબ જ મહેનત માંગી લે છે પરંતુ તેઓની કુશળતાના કારણે તેમના માટે આ કાર્ય ખૂબ જ સરળ બની રહે છે. જેમાં પૂરા દિવસ દરમિયાન એક વ્યક્તિ આશરે 12થી 15 નાનાં-મોટાં ટોપલાં સરળતાથી બનાવી લેતો હોય છે. જે એક ટોપલો બજારમાં 130થી 150 રૂપિયા સુધીમાં વેચાય છે. આ ટોપલાની બનાવટમાં માત્ર વાંસનો ઉપયોગ કરવામાં આવે છે અને ટકાવમાં પણ મજબૂત હોય છે. વાંસની કોઈપણ વસ્તુ બનાવવા માટે તેનો ઉપયોગ કરતા પહેલા વાંસને ઊભી ફાડી કાઢી જરૂરિયાત પ્રમાણે તેમાંથી પટ્ટીઓ કાઢવામાં આવે છે અને તેને તડકામાં સૂકવ્યા બાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના સમયમાં વાંસ (બામ્બુ) આ વિસ્તારનાં જંગલો અને આજુબાજુના વિસ્તારોમાંથી સહેલાઈથી મળી રહેતા હતા. પરંતુ હાલ આ પ્રકારના વાંસ મળવા ખૂબ જ મુશ્કેલ બની રહ્યા છે. જેના કારણે કારીગરોએ અન્ય ગામોમાંથી વાંસ લાવવા પડે છે.
રામજી મંદિર


ખાટાઆંબા ગામના નિશાળ ફળિયા ખાતે મુખ્ય રસ્તાની બાજુમાં જ રામજી મંદિર આવેલું છે. આ મંદિર ખાતે ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતામાતા અને હનુમાનજીની પણ સ્થાપના કરવામાં આવી છે. આ મંદિર ખાતે રામનવમી અને હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ગ્રામજનો ભેગા મળી પૂજા-અર્ચના કરતા હોય છે. તેમજ ગામના લોકો અનેક પ્રસંગે આ મંદિર ખાતે જય દર્શન કરી પોતાનાં કાર્યોની શરૂઆત કરતા હોય છે.

Most Popular

To Top