ભારતમાં રવિવારે કોરોનાના નવા 25,320 કેસ નોંધાયા હતા. જે છેલ્લા 84 દિવસ બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. જેની સાથે દેશમાં કુલ કોરોના કેસની સંખ્યા 1,13,59,048 થઈ છે.
આ અગાઉ, 20 ડિસેમ્બરે દેશમાં કોરોનાના નવા 26,624 કેસ નોંધાયા હતા.સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, રવિવારે કોરોનાથી 161 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,58,607 પર પહોંચી ગયો છે. દેશમાં એકટીવ કેસોની સંખ્યા વધીને 2,10,544 થઈ છે, જે કુલ ચેપના 1.85 ટકા છે.
શનિવારે કોરોના સામે રિકવરી રેટ 96.82 ટકાથી ઘટીને 96.75 ટકા થયો છે. દેશમાં કોરોનાથી રિકવર થયેલા દર્દીઓનો સંખ્યા વધીને 1,09,89,897 થઈ છે, જ્યારે મૃત્યુદર 1.40 ટકા નોંધાયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અનુસાર, શનિવારે 8,64,368 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ ટેસ્ટનો આંકડો 22,67,03,641 પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી થયેલા 161 મૃત્યુમાં મહારાષ્ટ્રના 88, પંજાબના 22 અને કેરળના 12 લોકોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશવ્યાપી સખત લૉકડાઉન લાગુ પાડવામાં આવ્યું તેને એક વર્ષ થવાનો સમય નજીક આવી રહ્યો છે. આ લૉકડાઉન લંબાવવામાં આવ્યું, ક્રમશ: હળવું બનાવવામાં આવ્યું અને ત્યારબાદ નિયંત્રણો ધીમે ધીમે હળવા બનાવાતા ગયા તે દરમ્યાન દેશમાં કેસો પણ ધીમે ધીમે ઘટી રહ્યા હતા પરંતુ હવે કેસો ફરી વધવા માંડ્યા છે તે બાબતે ફરી ચિંતાઓ જન્માવી છે અને દેશમાં ફરી લૉકડાઉન અમલી બનાવવામાં આવશે એવી દહેશત લોકોમાં જાગી રહી છે.
મહારાષ્ટ્ર, પંજાબ જેવા રાજ્યોમાં તો આંશિક લૉકડાઉન અને સખત નિયંત્રણો અમલમાં આવી પણ રહ્યા છે. ગુજરાતમાં પણ ચાર શહેરોમાં નાઇટ કરફ્યુનો અમલ ચાલુ છે ત્યારે હવે કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે નવેસરથી સખત નિયંત્રણો કે લૉકડાઉન અમલમાં આવશે કે કેમ? તેની ચર્ચાઓ લોકોમાં શરૂ થઇ છે.