નવસારી, વલસાડ, સેલવાસ: નવસારી અને વલસાડ (Navsari Valsad) જિલ્લામાં કોરોના ફરી ઉથલો મારી રહ્યો છે. આજે નવસારી જિલ્લાના વાંસદામાં 3 કેસ સહિત કુલ 5 અને વલસાડ અને દાદરા નગર હવેલીમાં 3-3 કેસ નોંધાયા હતા. નવસારી જિલ્લામાં કોરોના ફરી લોકોને પોતાના સકંજામાં લઈ રહ્યો છે. જેના પગલે જિલ્લામાં રોજ કોરોના પોઝિટિવ દર્દીઓ (Patient) નોંધાઈ રહ્યા છે. માત્ર ગતરોજ એકપણ કેસ કોરોનાનો મળ્યો ન હતો. જ્યારે આજે જિલ્લામાં 5 કેસ (Case) મળી આવ્યા છે. જે વાંસદા તાલુકામાં 3, વિજલપોરમાં 1 અને બીલીમોરામાં 1 કેસ નોંધાયો છે.
જેમાં વિજલપોરના લક્ષ્મી નગર-1માં રહેતા આધેડ, બીલીમોરા ગાયત્રી સોસાયટીમાં રહેતા આધેડ, વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે બાબુનીયામાં રહેતો તરૂણ, ઉમરકૂઇ ગામે વાઘમાર ફળિયામાં રહેતો યુવાન અને ગંગપુર ગામે ડુંગરી ફળિયામાં રહેતી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી જિલ્લામાં કુલ 1605 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. એ સાથે જ અત્યારે જિલ્લામાં કોરોનાના 14 એક્ટિવ કેસ છે. પરંતુ આજે એકપણ કોરોના પોઝટીવ દર્દીએ કોરોનાને માત આપી ન હતી. રવિવારે 167 લોકોના સેમ્પલો લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાના 148952 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 147180 સેમ્પલ નેગેટીવ રહ્યા હતા. જ્યારે 102 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.
વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ ધીરી ગતિએ વધી રહ્યું હોય તેમ રવિવારે જિલ્લામાં ત્રણ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 3 દર્દીઓને રજા આપવામાં આવી હતી. લાંબા સમય બાદ વાપીમાં 2 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 1390 કેસ નોંધાયા છે, જે પૈકી 1223ને રજા આપી દેવાઈ છે અને 14 દર્દીઓ સારવાર હેઠળ છે. નવા નોંધાયેલા કેસમાં વાપી ચિંતન સોસાયટી, ગુંજન પાસે રહેતો 33 વર્ષીય પુરુષ અને 30 વર્ષની મહિલા, વલસાડ અબ્રામા ખાતે રહેતો 51 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે.
વલસાડના રવિવારી બજારમાં લોકોની ભીડ : કોવિડના નિયમોનો ધજાગરા
વલસાડ જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે વલસાડમાં ભરાતા રવિવારી બજારમાં મોટી સંખ્યામાં લોકો જિલ્લાભરમાંથી ઉમટી પડે છે. તો બીજી તરફ અહીં આવતા વેપારીઓ મુંબઈ અને સુરત તરફથી આવતા હોય છે. તેવા સમયે અહીં કોવિડ.19 નિયમોનો અમલના ધજાગરા ઉડી રહ્યા હોય તે રીતે લોકો બિન્દાસ્ત માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા, તો સોશિયલ ડિસ્ટન્સનો પણ અમલ થયો ન હોવાનું જણાયું હતું.
તિથલ દરીયા કિનારે સહેલાણીઓ માસ્ક વગર ફરતા જોવા મળ્યા
હાલમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેટલાક શહેરોમાં લોકડાઉન કરાયું છે. ત્યારે વલસાડના તિથલ દરિયા કિનારે રવિવારે રજાની મજા માણવા ઉમટી પડેલા સહેલાણીઓ માસ્ક વગર જોવા મળ્યા હતા.