સુરત: (Surat) કાપડ માર્કેટ સાથે સંકળાયેલાં જુદાં-જુદાં વેપારી સંગઠનો દ્વારા બિલમાં 6 ટકા ડિસ્કાઉન્ટ કાપવાની જાહેરાત પછી આજે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિયેશન(ફોગવા) (Fogva) દ્વારા ઉત્રાણના વીઆઇપી સર્કલ પાસે આવેલા સિલ્વર બિઝનેસ પોઇન્ટ ખાતે વિવર્સોની જંગી સભા યોજવામાં આવી હતી. જેમાં શહેર અને જિલ્લાની 35 જેટલી વિવર્સ સોસાયટીઓના આગેવાનો અને ખાતેદારો હાજર રહ્યા હતા. ફોગવાની આ સભામાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, આવતીકાલથી જે વિવર કાપડ વેચશે તેના પર પ્રતિ મીટર 10 પૈસા લેખે ટ્રાન્સપોર્ટેશન (Transportation) ચાર્જ બિલમાં અલગથી લગાવશે. તમામ વિવર આ નિયમનો પાલન કરશે.
ઉત્રાણ ખાતે આ સભાને સંબોધતા ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આજે પણ માર્કેટમાં ગ્રે કાપડની ડિલિવરી થઇ રહી છે. મોટા ભાગના વેપારીને 10 પૈસા ટ્રાન્સપોર્ટેશન ચાર્જ સામે કોઇ વાંધો નથી. કેટલાક ગણ્યાગાંઠ્યા વેપારીઓ વટાવધારાની વાત કરી રહ્યા છે. આ તમામ વાતોને વિવર્સોએ એક અવાજે સંપૂર્ણપણે રદિયો આપ્યો છે. યાર્ન વિતરકો વિવર્સનું માની રહ્યા નથી અને કાર્ટેજની વસૂલાત કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. યાર્ન ડીલરો કાર્ટેજ વસૂલ કરી રહ્યા છે. ત્યારે વિવર્સ, ટ્રેડર્સ પર આ ભારણ પાસ-ઓન કરી રહ્યા છે.
એવી રીતે ટ્રેડર્સે ફાઇનલ પ્રોડક્ટ પર આ ભારણ પાસ-ઓન કરવું જોઇએ. જેથી વિવર્સથી ટ્રેડિંગ સુધીની ચેઇનને કોઇ અસર નથી. મારો વેપાર, મારો ધારોનાં બેનર હેઠળ આજે સચિન જીઆઇડીસી, હોજીવાલા, પલસાણા, વેડ રોડ, કતારગામ, જોળવા, કડોદરા, ઉંભેળ, ઉન, ભેસ્તાન, પાંડેસરા, બમરોલી, ભીડભંજન, જલારામ, હરિઇચ્છા, ભાઠેના, ઉધના, ખટોદરા, લિંબાયત, કીમ, સાયણ, ગોથાણ, અમરોલી, અશ્વિનીકુમાર, પીપોદરા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિવર્સો ઊમટી પડ્યા હતા. આ સભામાં ફોગવાના અગ્રણીઓ હરિ કથીરિયા, મહેન્દ્ર રામોલિયા, સંજય દેસાઇ, જયંતી જોલવા અને વિજય માંગુકિયા સહિતના અગ્રણીઓએ 10 પૈસાના ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લેવા વિવર્સને શપથ લેવડાવ્યાં હતાં.