નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થાનો ગ્રોથ સારી ઝડપથી વધ્યો જે પાછલા તમામ અંદાજોને વટાવી ગયો.
સત્તાવાર માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરમાં વાસ્તવિક GDP 8.2% વધ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 5.6% વૃદ્ધિ કરતા નોંધપાત્ર રીતે વધારે છે.
રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઉત્પાદન, માળખાગત સુવિધા અને મજબૂત સેવા ક્ષેત્રોએ વૃદ્ધિમાં આગેવાની લીધી. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સ્થિર ભાવે GDP 48.63 લાખ કરોડ રહ્યો, જે એક વર્ષ અગાઉ 44.94 લાખ કરોડ હતો. નોમિનલ GDP 8.7% વધીને 85.25 લાખ કરોડ થયો.
ઉત્પાદન ક્ષેત્રે 9.1%, બાંધકામ ક્ષેત્રે 7.2% અને વ્યાપક સૈકન્ડરી ક્ષેત્રોમાં 8.1% વૃદ્ધિ નોંધાવી. ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્ર શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ક્ષેત્ર હતું. તૃતીય ક્ષેત્રે 9.2% વૃદ્ધિ નોંધાવી, જે 10.2% ની મજબૂત વૃદ્ધિને કારણે હતી. ખાસ કરીને ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ અને અન્ય વ્યવસાયિક સેવાઓમાં.
સરકારી આંકડા અનુસાર, ખાનગી વપરાશમાં પણ સ્વસ્થ વધારો જોવા મળ્યો છે. બીજા ક્વાર્ટરમાં વાસ્તવિક ખાનગી અંતિમ વપરાશ ખર્ચ (PFCE) 7.9% ના દરે વધ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 6.4% હતો. આ અસમાન ચોમાસા છતાં સ્થિર માંગ દર્શાવે છે.