એક મહાન અભિનેતા, સુંદર કલાકાર અને દયાળુ માનવી ધર્મેન્દ્ર હવે રહ્યા નથી. તેમનું નિધન સિનેમા જગત માટે એક આઘાતજનક ઘટના છે. ધર્મેન્દ્રની ફિલ્મ યાત્રા બોલીવુડના એક યુગનું વર્ણન કરે છે. તેઓ આ વાર્તામાં એક મુખ્ય પાત્ર હતા. લાંબી કારકિર્દી દરમિયાન ધર્મેન્દ્રએ અનેક લોકોને મદદ કરી હતી. તેમની દિલદારીના અનેક કિસ્સાની ચર્ચા બોલીવુડમાં થતી રહે છે.
ધર્મેન્દ્રનો ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટ સાથેનો એક કિસ્સો પણ રસપ્રદ છે. મહેશ ભટ્ટ રાજ ખોસલાની ફિલ્મમાં સહાયક હતા. એક દ્રશ્ય હતું જેમાં ધર્મેન્દ્રએ ટ્રક ડ્રાઈવરનો પોશાક પહેરીને અભિનય કરવાનો હતો. મહેશ ભટ્ટે કોસ્ચ્યુમની વ્યવસ્થા કરવાની હતી.
જોકે, ક્રૂ શૂટિંગ લોકેશન પર પહોંચ્યો ત્યારે મહેશ ભટ્ટે એક મોટી ભૂલ કરી હતી. ધર્મેન્દ્રનો કોસ્ચ્યૂમ તેઓ હોટેલ પર જ ભૂલી ગયા હતા. શૂટિંગ આખી ટીમ સેટ પર પહોંચી ત્યાર બાદ કોસ્ચ્યૂમ ન મળતા બધા ચિંતામાં મુકાઈ ગયા હતા.
મહેશ ભટ્ટ ત્યારે યુવાન હતા કદાચ 21 કે 22 વર્ષના. ગભરાઈને તેઓ ધર્મેન્દ્ર પાસે ગયા અને કહ્યું, ” સાહેબ, આવું આવું થયું, કપડા ત્યાં જ રહી ગયા, ત્યારે ધર્મેન્દ્રએ કહ્યું, તું ચિંતા ન કર. ધર્મેન્દ્ર પાસે જ એક ડ્રાઈવર ઉભો હતો. ધર્મેન્દ્ર તે ડ્રાઈવર પાસે ગયા અને કહ્યું કે યાર તુમ અપને કપડે, લુંગી, કુર્તા, પઘડી મુઝે દે દો કુછ દેર કે લિયે. બાદમાં ધર્મેન્દ્રએ તે ટ્રક ડ્રાઈવરના કપડાં પહેર્યા અને ફિલ્મનું શૂટિંગ કર્યું.
આ ઘટનાનો ઉલ્લેખ કરતા મહેશ ભટ્ટે લખ્યું, “આ એક ભૂલ હતી જેના કારણે મને મારી નોકરી ગુમાવવી પડી શકી હોત. મને ખૂબ શરમ આવી હોત પરંતુ ધર્મેન્દ્રએ મારી નોકરી બચાવી લીધી.”
આ જ કારણ છે કે ધર્મેન્દ્રના નિધન પર ઘણા લોકો આંસુઓથી છલકાઈ ગયા છે. ધર્મેન્દ્રએ બોલિવૂડમાં એક આખો યુગ જોયો છે. ધર્મેન્દ્રએ1957-58માં પહેલી ફિલ્મફેર સ્પર્ધા યોજાઈ હતી, ત્યારે તેમાં ભાગ લીધો હતો અને તે બીજા ક્રમે વિજેતા રહ્યા હતા. પહેલો એવોર્ડ જીતનાર વ્યક્તિએ ફિલ્મ ઉદ્યોગમાં એટલી સફળતા મેળવી ન હતી. તે સમયે ધર્મેન્દ્રને વિમલ રોય દ્વારા ફિલ્મ બંદિની ઓફર કરવામાં આવી હતી. જોકે તે છ વર્ષ પછી રિલીઝ થઈ હતી. ત્યારથી તેમની સિનેમા કારકિર્દી ચાલુ છે. તેમની છેલ્લી ફિલ્મ તેમના મૃત્યુ પછી રિલીઝ થશે.