શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારી ઘટના બની છે. પોલીસ સ્ટેશનના ચોથા માળેથી કૂદીને યુવકે આપઘાત કર્યો છે. આ યુવક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયત પોલીસ સ્ટેશનના ચોથા માળેથી 35થી 40 વર્ષની ઉંમર ધરાવતા યુવકે કૂદકો મારી જીવન ટુંકાવ્યું છે. આજે તા. 24 નવેમ્બરને સોમવારે આ ઘટના બની છે. યુવકે પોલીસ સ્ટેશનના ટેરેસ પર જઈ કૂદકો માર્યો હતો. તે નીચે કમ્પાઉન્ડમાં પડ્યો હતો. પોલીસ સ્ટાફમાં દોડાદોડી મચી ગઈ હતી. તપાસ કરતા યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો છે.
પોલીસે યુવકની ઓળખ કરવાના પ્રયાસ હાથ ધર્યા છે. દરમિયાન યુવક પોલીસ સ્ટેશનના ચોથા માળે ટેરેસ પર કેવી રીતે પહોંચી ગયો તે સવાલ ઉભો થયો છે. પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. કહેવાય છે કે યુવક ફરિયાદ કરવા આવ્યો હતો. તો તેની સાથે પોલીસ સ્ટેશનમાં એવું શું બન્યું કે તેણે આપઘાત કરવો પડ્યો તે સવાલ ઉઠ્યો છે. ઘટના બનતા જ એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. આ મામલે સઘન તપાસ હાથ ધરાઈ છે.