Charchapatra

શહેરોમાં વધતી જતી વાહનોની સંખ્યા ચિંતાનો વિષય

એક તરફ માનવ વસ્તી વધતી જાય છે, તેના નિયંત્રણ માટે કોઈ નિયમો હાલ બનાવ્યા નથી પરંતુ વાહનોની દર વર્ષે વધતી જતી સંખ્યાના કારણે રસ્તાઓ વધુ ને વધુ પહોળા કરવા પડે છે. અને એટલેથી ન પહોંચી વળાતાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા પડે છે. પોતાના વાહનમાં ફરનારો એક અલગ વર્ગ હોય છે. આ ઉપરાંત રિક્ષાઓ, નાના મોટા ટેમ્પા, બસો એ બધું તો ખરું જ. આપણે આ રસ્તાઓ કયાં સુધી પહોળા કર્યે રાખીશું. ઘરમાં વ્યકિત દીઠ વાહન હોય છે અને મધ્યમ વર્ગ લોન લઇને વાહન ખરીદે છે.

શહેરોમાં અમીર અને મધ્યમ વર્ગનું પ્રમાણ વધુ હોવાથી દર વર્ષે વધુ ને વધુ વાહનો ખડકાતાં જાય છે. એપાર્ટમેન્ટોમાં તો પાર્કિંગની મોટી સમસ્યાઓ ઊભી થાય છે. વળી આજકાલ જે વ્યકિત પાસે પોતાનું વાહન નથી હોતું તેમને પૂછવામાં આવે છે કે તમને વાહન વગર કેમ ચાલે છે? શા માટે રિક્ષાના ભાડા ખર્ચો છો?’ આમ વટના માર્યા ગાજર ખાનારા પણ ઘણાં હોય છે. નવમાં ધોરણમાં બાળક આવે ત્યારથી તે એકટીવા લઈને નીકળી પડે છે. વૃધ્ધો અને મહિલાઓ પણ નહિ જેવા કામ માટે ચાલતાં ન જતાં વાહનનો ઉપયોગ કરે છે. વાહનોની સંખ્યા વધવાની સાથે બેફામ રીતે ચલાવનારની સંખ્યા પણ વધી છે અને અંતે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે.ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કેટલાકને ગમતું નથી.
ગોડાદરા, સુરત        – પ્રવિણ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top