શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન (SDCA)ના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર (ઉં.વ. 82)ની આજે તા. 20 નવેમ્બરના રોજ આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં ધરપકડ કરાઈ છે. કનૈયાલા સામે પોતાના જ સંબંધીઓ સાથે છેતરપિંડી અને પદના દૂરુપયોગના આરોપ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે પોતાના સગા સ્વર્ગસ્થ લઘુબંધુ હેમંત કોન્ટ્રાક્ટર અને તેમના પત્ની નયનાબેન હેમંત કોન્ટ્રાક્ટરના નામે રહેલી પેઢીની મિલકતોના બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા. આ બોગસ દસ્તાવેજો પર ખોટી ડુપ્લીકેટ સહી કરી બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી 2.92 કરોડની લોન લીધી હતી.
લોન લીધા બાદ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે તે લોનના હપ્તા ભર્યા નહોતા, જેના લીધે ભાઈ-ભાભી મુશ્કેલીમાં મુકાયા હતા. આ મામલે સુરત ઈકો સેલમાં કનૈયાલાલ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી.
આ કેસમાં ધરપકડથી બચવા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે સુરતની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે કોર્ટે નામંજૂર કરી હતી. ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટ અને છેલ્લે સુપ્રીમ કોર્ટમાં આગોતરા કરી હતી, પરંતુ તમામ સ્તરે આગોતરા જામીન અરજીઓ ફગાવી દેવાઈ હતી, તેના પગલે આખરે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ થઈ છે.
શા માટે થઈ ધરપકડ?
સુપ્રીમ કોર્ટે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરને બોગસ ડોક્યુમેન્ટથી મેળવી લોન ભરપાઈ કરવા તથા બોગસ દસ્તાવેજો મૂળ ફરિયાદને પરત કરવા 6 અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ સમયગાળા દરમિયાન કનૈયાલાલે લોનની રકમ ભરપાઈ કરી હતી, પરંતુ બોગસ ડોક્યુમેન્ટ્સ મૂળ ફરિયાદને પરત આપ્યા ન હતા. તેથી મૂળ ફરિયાદીએ ફરી સુપ્રીમ કોર્ટમાં પીટિશન કરી હતી. તેથી સુપ્રીમ કોર્ટે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરને આપેલી વચગાળાની તમામ રાહતો રદ્દ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટનું રક્ષણ પાછું ખેંચી લેવાતા આજે સુરત ઈકો સેલ દ્વારા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઈ છે.