Columns

જિંદગીનું રિસ્ટાર્ટ

કમ્પ્યુટર અને મોબાઈલના જમાનામાં રિસ્ટાર્ટ શબ્દ બહુ સામાન્ય થઈ ગયો છે. આ ઉપકરણોમાં કોઈ પણ તકલીફ જણાય એટલે તરત જ રિસ્ટાર્ટની ફોર્મ્યુલા અપનાવવામાં આવે. આમ કરવાથી કેટલાક પ્રશ્નોનું નિરાકરણ પણ થતું હોય છે. ઉપકરણમાં જે કોઈ પ્રક્રિયા ચાલુ હોય તેને સમય મળી જાય, કોઈ સોફ્ટવેર કે અપડેટ ઇન્સ્ટોલ કર્યાં હોય તો તેની અસર વ્યવસ્થિત થઈ જાય, ઉપકરણની આંતરિક પરિસ્થિતિ નિયમિત થઈ જતી હોવાથી તેની ઝડપ પણ વધી શકે અને આ બધાં સાથે એક રીતે માનસિક ખાતરી પણ મળે. જીવન હોય કે કમ્પ્યુટર કે મોબાઈલ, રિસ્ટાર્ટ કરવાના ચોક્કસ ફાયદા છે. એ સમજવું જરૂરી છે કે ઉપકરણ કે જીવન, રિસ્ટાર્ટ કરતાં પહેલાં જરૂરી માહિતીને સુરક્ષિત કરી લેવી પડે, સાચવી લેવી પડે, જો કોઈ પ્રક્રિયા ચાલુ હોય તો સમગ્રતામાં કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું પડે અને સમગ્ર પ્રક્રિયામાં ધીરજની પણ આવશ્યકતા રહે.


રિસ્ટાર્ટ એટલે ફરીથી શરૂઆત કરવી. ઉપકરણમાં તે શક્ય હોઈ શકે, જીવન સંપૂર્ણ રીતે નવેસરથી શરૂ ન કરી શકાય. જીવનમાં રિસ્ટાર્ટ એટલે જેતે બાબત માટે ફરીથી પ્રયત્ન કરવો, વર્તમાનની પ્રક્રિયાને નવાં દ્રષ્ટિકોણ સાથે નવેસરથી શરૂ કરવી, નવી સમજ તથા નવા નિર્ણયોને આધારે ફરીથી પ્રયત્ન કરવો, જ્યાં અટકી ગયા હોઈએ ત્યાંથી નવી જ આશા અને ઉત્સાહ સાથે આગળ વધવું. જીવનમાં રિસ્ટાર્ટ એટલે જૂની નકારાત્મક બાબતો, ભૂલો, નિષ્ફળતા, ભાવનાત્મક હાનિ, અપમાન વગેરે ભૂલીને વિશ્વાસ સાથે ફરી એક વાર પુરુષાર્થ આદરવો અને અસ્તવ્યસ્ત થઈ ગયેલું જીવન ફરીથી પાટે ચઢાવવા અસ્તિત્વમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક, આધ્યાત્મિક કે નૈતિક ઊર્જા ભરવી.
દરેકના જીવનમાં એવો પડાવ આવે કે જ્યારે જીવનને રિસ્ટાર્ટ કરવાની આવશ્યકતા રહે. જ્યારે બધું અટકી ગયેલું જણાય, સ્પષ્ટ દેખાતો માર્ગ ધૂંધળો બની જાય, માનસિક કે શારીરિક થાકને કારણે અશક્તિ આવી જાય, સંતોષ અને શાંતિ ખોવાતી જાય, સફળતાની સંભાવના ઘણી ઓછી પ્રતીત થાય, પરિસ્થિતિ નાટકીય રીતે બદલાઈ જાય, જેતે કારણસર લક્ષ્ય અને દિશામાં પણ બદલાવની આવશ્યકતા જણાય, આકસ્મિક માંદગી આવી જાય, ભાવનાત્મક ઇજા પહોંચે કે ચારે તરફ નિરાશા વ્યાપી જાય ત્યારે જિંદગીને રિસ્ટાર્ટ કરવી ઈચ્છનીય રહે.
જ્યારે જિંદગી રિસ્ટાર્ટ થાય ત્યારે એક પ્રકારની હળવાશ અનુભવાય, નવો જ વિશ્વાસ સ્થાપિત થાય, બિનજરૂરી ભારની બાદબાકી થઈ હોય તેમ જણાય, નવેસરથી ચિંતનની શક્યતા ઊભી થતાં શું મહત્ત્વનું છે અને તેનું કેટલું મહત્ત્વ છે તે વિશે ફરીથી મૂલ્યાંકન કરી શકાય, નવી તક તથા નવાં લક્ષ્ય તરફ ધ્યાન જાય, જૂની ગ્રંથિઓ છૂટતી જાય, ક્યાંક પડકાર ઝીલવાની હિંમત પણ મળે, એક પ્રકારની માનસિક સફાઈ થઈ જાય અને અત્યાર સુધી અસ્વીકૃત લાગતી બાબતો સ્વીકારી લઈ આગળનો પ્રવાસ વધારવાની ઈચ્છા થાય. આ બધાં માટેની હિંમત અંદરથી આવે. શક્ય છે કે રિસ્ટાર્ટ પછી પણ તેવું જ પરિણામ રહે અથવા પરિણામ બગડી પણ શકે, તેથી રિસ્ટાર્ટ કરવા માટે આંતરિક શક્તિની આવશ્યકતા રહે. જીવનને રિસ્ટાર્ટ કરવા માટે વિચારશીલતા, ધીરજ, વિશ્વાસ, સાહસ, ઈચ્છાશક્તિ તેમજ શિસ્તની આવશ્યકતા પણ હોય. જીવનને રિસ્ટાર્ટ કરવાનો નિર્ણય પૂરેપૂરી ગંભીરતાથી લેવાવો જોઈએ કારણ કે જે પ્રક્રિયા ચાલુ છે તેને ચાલુ પણ રાખી શકાય. આ માટે કદાચ વધારે પ્રયત્નોની આવશ્યકતા રહે, આંતરિક બદલાવ માટે તૈયારી હોવી જોઈએ, સ્થાપિત વિચારધારા માટે વિશ્વાસ હોવો જોઈએ, અંતિમ પરિણામ માટે ખાતરી હોવી જોઈએ,
વારંવાર રિસ્ટાર્ટ કરવાની ટેવ ન પડી જવી જોઈએ. જીવનમાં જે કોઈ પરિસ્થિતિ સ્થાપિત થતી હોય તેનો સતત અસ્વીકાર યોગ્ય નથી. સૌ પ્રથમ જે કંઈ પરિસ્થિતિ છે તેને સમજીને ધીરજપૂર્વક પ્રશ્નોના નિરાકરણનો પ્રયત્ન કરવો પડે. અહીં અન્યના માર્ગદર્શનની આવશ્યકતા પણ હોય, વિચારશીલતાનું મહત્ત્વ હોય, વ્યક્તિગત અનુભવ તેમ જ ક્ષમતા પર વિશ્વાસ રાખવો પડે અને માનસિક સ્થિરતા પણ જરૂરી ગણાય. બધું જ નવેસરથી શરૂ કરવાને બદલે ભૂલો સુધારીને મુશ્કેલીઓનું નિવારણ કરતાં કરતાં પણ સફળતા પ્રાપ્ત થઈ શકે. કદાચ આ પ્રકારના અભિગમમાં ઓછો સમય જોઈએ, જે સ્થાપિત થઈ ચૂક્યું છે તે મદદરૂપ થઈ શકે, સંસાધનોનો વ્યય થતો અટકે, સહયોગ અને સહકાર તે જ પ્રમાણે ચાલુ રહી શકે અને આત્મવિશ્વાસ ડગી જવાની સંભાવના ઓછી થાય. રિસ્ટાર્ટની આવશ્યકતા હોય તો રિસ્ટાર્ટ કરવું જ જોઈએ પરંતુ તે પહેલાં અન્ય વિકલ્પોની ચકાસણી પણ જરૂરી કહેવાય. રિસ્ટાર્ટ સફળતા માટેના ‘શોર્ટકટ’તરીકે ન લેવાય તે ઇચ્છનીય છે. રિસ્ટાર્ટ ત્યારે જ યોગ્ય ગણાય જ્યારે અન્ય કોઈ વિકલ્પ બાકી ન હોય.
ઘણી વાર એમ થતું હોય છે કે વાસ્તવિક પ્રશ્ન સમજમાં ન આવવાથી રિસ્ટાર્ટ માટેનો આગ્રહ વધી જાય. જીવનમાં દરેક પ્રશ્ન યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ન પણ સમજાય. ઘણી બાબતો ‘પહોંચ’ની બહાર હોય. તેવા સંજોગોમાં યાંત્રિક વ્યવસ્થા પર નિર્ભર રહેવું પડે. જ્યારે માનવી ઉકેલ લાવવા અસમર્થ રહે ત્યારે અન્ય સ્તરની અને અન્ય પ્રકારની બૌદ્ધિકતા અને પુરુષાર્થની આવશ્યકતા રહે. રિસ્ટાર્ટ એ આ પ્રકારની સંભાવના છે.
જરૂરી નથી કે રિસ્ટાર્ટથી બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી જ જાય. કમ્પ્યુટર કે જીવન, રિસ્ટાર્ટ એ એવી વ્યવસ્થા છે જેનાથી અમુક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ થાય, બધા જ પ્રશ્નોનું નહીં. રિસ્ટાર્ટ કરતા પહેલાં એ પણ સમજવું પડે કે પ્રશ્નો કેવા પ્રકારનાં છે અને રિસ્ટાર્ટથી તેનો ઉકેલ સંભવ છે કે નહીં, નહિતર તો જીવનમાં રિસ્ટાર્ટથી જૂના પ્રશ્નો તો ન ઉકેલાય અને નવા ઊભા થઈ જાય.- હેમુ ભીખુ

Most Popular

To Top