દરેક માણસે સમાજમાં રહીને જ સમાજની સેવા કરવાની હોય છે. ધંધો કરનાર માણસ જ્યારે નકલી વસ્તુઓ કે નકલી માલને અસલી તરીકે વેચતો હોય ત્યારે તે દેશદ્રોહી કહેવાય છે. ગ્રાહકોને નકલી કે ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો વેચીને ગ્રાહકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવું એ ખૂન કે બળાત્કાર કરતાં પણ મોટો ગુનો ગણાવો જોઈએ. તહેવારો આવે ત્યારે મિઠાઇમાં ભેળસેળ પકડાય, તેની છાપામાં થોડા દિવસ ચર્ચા ચાલે. પછી તહેવારો જાય એટલે જૈસે થે. આ મોટા વેપારીઓને દેશપ્રેમ કે દેશદાઝ હોય તેમ જણાતું નથી.
દેશને ખાતર બલિદાન આપવાનું કામ ખાલી સૈનિકોનું નથી. દેશમાં રહેનાર નાગરિકોનું પણ છે. સુરતમાં વેણું નામની દુકાનવાળાએ પોતાની દુકાન આગળ બોર્ડ માર્યું છે કે અમારે ત્યાંનું ઘી નકલી સાબિત કરનારને પચાસ હજાર એક ઇનામ આપવામાં આવશે. એનો અર્થ એ કે બીજાઓ કંઇક ને કંઇક ભેળસેળ કરે છે. આ બધું પકડાવાના સમાચારો તો આવે છે પણ તે બદલ સજા થવાના સમાચાર આવતા નથી. કારણ કે એ લોકોની એટલી પહોંચ હોય છે કે કાયદો તેમનો વાળ વાંકો કરી શકતો નથી. નકલી માલ પકડાવા પાછળ કેસ ચલાવવામાં પણ રસ દાખવવામાં આવે તો આવા બીજા ગુના થતા અટકે. દરેક વસ્તુ નકલી મળતી થઇ ગઇ છે.
ગોડાદરા, સુરત – પ્રવિણ પરમાર આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઓસામા અને આશારામ
તા.9મી નવે.ની રવિવારની પૂર્તિમાં ‘જીવન સરિતાના તીરે’ કોલમ વાંચી જેમાં લેખક લખે છે. લાલુ યાદવ લાલબહાદુર શાસ્ત્રી ન બની શકે અને ઔસામા બિન લાદેન, આશારામ બાપુ ન બની શકે. આજે ભારત દેશના કોઈ પણ સમજદાર વ્યક્તિ આશારામના નામ સાથે સંત કે બાપુ નામ નહીં લગાડતો હોય ત્યારે આ લેખક તેમને ભારતીય મોટા સંતપુરુષ ગણતા હોય એવું લાગે છે. જ્યારે આ ‘બાપુ’ બળાત્કાર જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. પોતાના દરેક લેખમાં રેશનલ ગણાવતા આ લેખક બંધુ આવી ભૂલ કેવી રીતે કરી શકે. ફક્ત ‘ઓસામા સાથે પ્રાસ બેસાડવા જ આશારામ લીધા હોય એવું લાગે છે.
ધર્મેશ ટોપીવાલા, પાલનપુર, કેનાર રોડ, સુરત આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.