સુરભી ડેરીના નકલી પનીરનો કિસ્સો બહાર આવ્યો છે. આવું નકલી પનીર બીજી કેટલી ડેરી વેચતી હશે તે એક મોટો પ્રશ્ન છે. પણ અત્યાર સુધીમાં સુરભી ડેરીનું નકલી પનીર ખાઈને કંઈ કેટલાયે પોતાના સ્વાસ્થ્યને ન સમજી શકાય તેવું નુકસાન પહોંચાડ્યું હશે. આવા કિસ્સાઓમાં કડકમાં કડક સજાનું અસ્તિત્વ હોવું જોઈએ. લાખો માનવજીવન સાથે આવું જઘન્ય કૃત્ય કરનારને એક જ સજા અને તે પણ તાત્કાલિક ધોરણે થવી જોઈએ અને તે સૌથી છેલ્લી જે સજા આવે તે જ હોવી જોઈએ. જો આવું થશે તો જ વ્યાપારીઓ પ્રજાના સ્વાસ્થ્ય સાથે રમત રમવાનું બંધ કરશે. છેલ્લા સમાચાર પ્રમાણે ઉપરોક્ત કિસ્સામાં સુરભી ડેરી પાસે રૂપિયા 5,000/- નો દંડ વસુલાયો છે.
શું આ મશ્કરીરૂપ સજા નથી? બાકી હતું તે 48 કલાકે પણ પનીરનો લેબ રિપોર્ટ ઉપલબ્ધ થયો નથી. કદાચ કોઈને મારી વાતમાં અતિશયોક્તિ લાગતી હોય તો એક વાત બરાબર સમજી લેજો કે અત્યંત મોટી રકમનો દંડ કે આજીવન કેદની સજા થશે તે વ્યાપારીઓ સહન કરી લેશે પણ નકલી માલ વેચવાનું બંધ નહીં કરે. તેમને સીધા કરવા માટે એક માત્ર તેની પછીની છેલ્લી સજા જ કામ કરશે અને નહીં તો માનવજીવન સાથે જે ચેડાં થાય છે, અત્યાર સુધી થતા આવ્યા છે તે સ્વીકારીને ટેવાઈ જાઓ. કોર્ટ ત્વરિત નિર્ણય લઈ સખતમાં સખત સજા કરે તો લેખે લાગે.
નાનપુરા – સુરેન્દ્ર દલાલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગરીબી અને બેકારીનો ઉકેલ
આજે શિક્ષિત, અર્ધશિક્ષિત તથા અભણ સૌને ગરીબી અને બેકારીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો પારસમણિ સમાન ઉકેલ શ્રમ, શારીરિક શ્રમ અને માનસિક શ્રમ બંને શ્રમ થવા જોઈએ અને તે પણ યોગ્ય દિશામાં. શોખા ફુરસદની પ્રવૃત્તિ, વિવિધ લાઈનોમા ઊભા રહેવું, ટ્રાવેલિંગનો લાંબો સમય વગેરેમાં પણ માનવ માનસિક શ્રમ અને જરૂર જણાય ત્યાં શારીરિક શ્રમ સૌએ પોત-પોતાને લાયક કામ શોધીને કરવો જોઈએ અને યુવાઓએ પોતે પણ સમજ્વું જોઈએ. વળી કોઈ કામ નાનું મોટું ન ગણશો. તો બેકારી અને ગરીબીનો ઉકેલ આવશે.
સુધાવાડી, ચીખલી- પટેલ પ્રીતિકુમારી ગુલાબભાઈ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.