Columns

બિહારની ચૂંટણીમાં ભાજપનું અફલાતૂન નેટવર્કિંગ કામ કરી ગયું

ભાજપના નેતાઓ નગરપાલિકાથી લઈને સંસદની ચૂંટણી સુધીની કોઈ ચૂંટણીને હળવાશથી નથી લેતા પણ તેમાં પોતાની તમામ તાકાત લગાવી દે છે. ભાજપમાં ચૂંટણી જીતવા માટેની સચોટ ટેકનિક વિકસાવી કાઢવામાં આવી છે, જેનું પરિણામ ફરી એક વાર બિહારમાં જોવા મળ્યું છે. બિહારનાં મતદારોએ ભાજપના કે જેડીયુના નેતાઓએ કલ્પના પણ નહોતી કરી તેટલી બેઠકો આપી છે. તેની પાછળ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહથી લઈને સંસદસભ્યો, વિધાનસભ્યો, નગરસેવકો અને છેક તળિયાનાં કાર્યકરોની ભારે જહેમત જવાબદાર છે.

ભાજપમાં ટોચના નેતાઓ તેમની સભાઓ દ્વારા માહોલ પેદા કરે છે અને બૂથ લેવલનાં કાર્યકરો તે માહોલને મતમાં પરિવર્તિત કરવાની જહેમત ઉઠાવે છે. બિહારમાં મોદી દ્વારા મહિલાઓને દસ-દસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે વિવેચકો દ્વારા તેને રેવડી ગણાવીને તેની ટીકા કરવામાં આવી હતી, પણ તે દસ-દસ હજાર રૂપિયાની રેવડીએ મહિલાઓના મતો નિર્ણાયક રીતે એનડીએના પક્ષમાં લાવીને તેને જીત અપાવી છે. કોઈ સમયે રાજકીય પક્ષો પોતાના ભંડોળમાંથી દારૂની બોટલ, સાડી કે ધોતી આપીને મતો ખરીદતા હતા. હવે ભાજપે તેમને સરકારી ખજાનાનો ઉપયોગ કરીને મતોની ખરીદી કરતાં શિખવાડ્યું છે.

આ ચૂંટણીમાં ૬૭.૧૩ ટકા મતદાન થયું હતું, જેમાં મહિલાઓની ભાગીદારીએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. એનડીએની જીતને મહિલા કલ્યાણ યોજનાઓ, કાયદો અને વ્યવસ્થા અને યુવા સશક્તિકરણ સાથે જોડીને જોવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને મહિલાઓ અને યુવાનોની જીત ગણાવી હતી. બિહારમાં NDAની સુનામી વચ્ચે નવ બેઠકો પર વિજયનું અંતર ૧,૦૦૦ મતોથી ઓછું હતું. પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી પોતે એક પણ બેઠક પર જીતી શકી નહોતી, પણ તેણે મહાગઠબંધનના મતો કાપીને એનડીએને કેટલીક બેઠકો જીતવામાં મદદ કરી હતી. વિપક્ષે કેટલીક બેઠકો પર મત ગણતરીમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો છે. હતાશ થયેલા તેજસ્વી યાદવે કહ્યું કે ઘણી બેઠકો પર ગોટાળા થયા હતા. રાહુલ ગાંધીએ શરૂઆતથી જ ચૂંટણીને અન્યાયી ગણાવી હતી. જો કે, ચૂંટણી પંચે તમામ આરોપોને ફગાવી દીધા છે.

બિહારની ચૂંટણી કવર કરવા આવેલા દિલ્હીના એક જાણીતા પત્રકારે ભાજપના ચૂંટણી મેનેજમેન્ટનું જે વર્ણન કર્યું તે તેમના જ શબ્દોમાં વાંચવા જેવું છે : ‘‘ચૂંટણીના પહેલા રાઉન્ડ પછી, હું કિશનગંજમાં દફ્તારી પેલેસ હોટલની બહાર મારી કારમાંથી મારો સામાન ઉતારી રહ્યો હતો ત્યારે એક સજ્જન મારી પાસે આવ્યા. તેમણે પોતાનો પરિચય સુરતના એક ઉદ્યોગપતિ તરીકે આપ્યો અને કહ્યું કે તેઓ થોડા દિવસોથી તેઘરામાં તૈનાત છે. તેમણે કહ્યું કે ત્યાં, અમે રજનીશ કુમારની જીત માટે દિવસ-રાત કામ કર્યું.ગુજરાતી સજ્જને આખી ગણતરી સમજાવી કે રજનીશ કુમાર કેવી રીતે ૧,૧૦,૦૦૦ થી વધુ મત મેળવશે અને નોંધપાત્ર માર્જિનથી જીતશે. તેમણે પોતાનો ફોન નંબર આપ્યો અને દાવો કર્યો કે તેઓ પરિણામોના દિવસે મને ફોન કરી શકશે.

હું હવે જોઉં છું કે રજનીશ કુમાર ૧,૧૨,૦૦૦ મતો સાથે ૩૫,૦૦૦ મતોથી જીત્યા છે. તેમણે કહ્યું કે હવે અમે કિશનગંજ જિલ્લામાં કામ કરવા આવ્યા છીએ. તેમણે ઉત્સાહપૂર્વક સમજાવ્યું કે ગુજરાતના કેટલાં લોકો જુદા જુદા વિસ્તારોમાં આવ્યા છે અને મહિનાઓથી ત્યાં તૈનાત છે. કોણ જાણે છે કે આવાં કેટલાં લોકો એક કે બે મહિનાથી બિહારમાં ભાજપ માટે કામ કરી રહ્યાં હતાં. બિહારમાં એક ડઝન મુખ્યમંત્રીઓ, ડઝનબંધ કેબિનેટ મંત્રીઓ કામ કરી રહ્યા હતા.

હું મારી ટીમ સાથે બક્સરની એક હોટલમાં રાત્રિભોજન કરી રહ્યો હતો. બીજા ટેબલ પર ભાજપના નેતાઓનું એક જૂથ બેઠું હતું. એક સજ્જન મારી સામે જોતા રહ્યા. હું તેમને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પછી તેઓ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે હું સતીશ ગૌતમ છું. અલીગઢના ભાજપ સાંસદ. મેં પૂછ્યું કે તમે અહીં છો? તેમણે જવાબ આપ્યો કે હું એક મહિનાથી બક્સરમાં છું. આ વખતે અમે બક્સર જીતીશું. ટૂંકી વાતચીત પછી તેઓ પોતાની જગ્યાએ પાછા ગયા. હું ભાજપ કેવી રીતે ચૂંટણી લડે છે તે વિશે વિચારવા લાગ્યો. એક ઉદાહરણ આ છે. અલીગઢના એક સાંસદ ઘણાં લોકો સાથે બક્સરમાં પડાવ નાખી રહ્યા છે. દેખીતી રીતે, તેમની સાથે ઘણાં બધાં લોકો હશે.

આખરે, ભાજપે બક્સર જીતી લીધું. બીજા દિવસે આરા થઈને પટના પરત ફરતી વખતે મેં રસ્તાની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં કેટલાંક લોકોને ભાજપની પત્રિકાઓ વહેંચતા જોયાં. પછી મારી નજર યુપી ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ પર પડી. મેં ગાડી થોડી આગળ રોકી અને પાછળ ફરીને જોયું કે તે ખરેખર સ્વતંત્ર દેવ છે કે કોઈ બીજું. મને ખબર પડી કે સ્વતંત્ર દેવ રસ્તાની બાજુમાં લોકો સાથે ચાલી રહ્યા હતા. દુકાનદારો અને ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો સાથે વાત કરી રહ્યાં હતાં. ઉત્તર પ્રદેશનો એક મોટો નેતા રસ્તાની બાજુમાં કેટલાંક કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો, ધૂળ ખાઈ રહ્યો હતો. કોઈ કેમેરા નહીં, કોઈ પ્રચાર નહીં, કોઈ રીલ નહીં.’’ દિલ્હીના આ પત્રકાર ભાજપના વિરોધી ગણાય છે, માટે તેમનો હેવાલ ખાસ વાંચવા જેવો છે.

બિહારની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી સંપૂર્ણપણે નિષ્ફળ રહી, એક પણ બેઠક જીતી શકી નહીં, જ્યારે ૮૦ થી વધુ બેઠકો જીતીને જેડીયુએ તેમની આગાહી ખોટી સાબિત કરી. બધી ૨૪૩ બેઠકો પર ચૂંટણી લડનાર તેમનો પક્ષ મોટા ભાગની જગ્યાએ પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યો નહીં. રણનીતિકાર તરીકે તેમની રાજકીય સફર પડકારજનક સાબિત થઈ છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રવેશતાં પહેલાં, પ્રખ્યાત ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બે આગાહીઓ કરી હતી: એક તેમની જન સૂરજ પાર્ટી માટે અને બીજી જેડીયુ માટે હતી, જેના માટે તેઓએ એક સમયે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેમનો દાવો કે તેમનો પક્ષ ટોચ પર અથવા તળિયા પર રહેશે.

તે આ વખતે તેમના માટે કડવું સત્ય સાબિત થયું છે. દરમિયાન, તેમની આગાહી કે જેડીયુ ૨૫થી વધુ બેઠકો જીતશે નહીં,  તે જેડીયુ અને મુખ્યમંત્રી નીતીશકુમારના સમર્થકોમાં મજાકનો વિષય બની ગઈ છે. નીતીશકુમારનો પક્ષ જેડીયુનો આંકડો ૮૦ ને વટાવી જવાની તૈયારીમાં હોય તેવું લાગે છે, જે ૨૦૧૦ પછીનું તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તે સમયે પાર્ટીએ ૧૦૦ થી વધુ બેઠકો જીતી હતી.જો કે તેણે આ વખત કરતાં ઘણી વધુ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે આ ચૂંટણીમાં તેણે ફક્ત ૧૦૧ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

બિહારનાં પરિણામો અંગે ચૂંટણી વિશ્લેષક યોગેન્દ્ર યાદવે કહ્યું છે કે તેઓ આ પરિણામોથી આશ્ચર્યચકિત નથી. ‘‘મને આશ્ચર્ય નથી થયું કારણ કે પહેલા દિવસથી જ સ્પષ્ટ હતું કે બિહારની આ ચૂંટણી NDA ની તરફેણમાં હતી. આનું કારણ એ છે કે NDA મહાગઠબંધન કરતાં મોટું ગઠબંધન છે અને પહેલા દિવસથી જ ઓછામાં ઓછી પાંચ ટકાની લીડ ધરાવે છે. બીજું, NDAનું સામાજિક ગઠબંધન ખૂબ મોટું છે. જો આપણે બિહારના જાતિ ગણિત પર નજર કરીએ તો, મહાગઠબંધન ૪૦ ટકાના જાતિ પુલમાંથી તેના મત મેળવે છે, જ્યારે NDA પાસે ઓછામાં ઓછા ૫૦ ટકા છે. ત્રીજું, છેલ્લાં ઘણાં વર્ષોથી નીતીશકુમાર સફળતાપૂર્વક મહિલા મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વખતે ૧૦,૦૦૦ રૂપિયાની લાંચથી તેની સંપૂર્ણ પુષ્ટિ થઈ ગઈ અને ચોથું, આ આખી સિસ્ટમ, જેમાં સરકારી મશીનરી, પૈસા, મીડિયા અને ચૂંટણી પંચનો સમાવેશ થાય છે, તે પણ એક કારણ છે.

આ બધાને કારણે, મને કોઈ શંકા નહોતી કે NDA આગળ છે અને જીતશે. હા, હવે જે ૨૦૦ બેઠકો દેખાઈ રહી છે તેનાથી મને થોડું આશ્ચર્ય થયું છે. આજનાં પરિણામોથી સ્પષ્ટ છે કે નીતીશ હાલમાં બિહારના ચૂંટણી રાજકીય પરિદૃશ્યમાં એક કેન્દ્રિય વ્યક્તિ છે અને ભાજપ તેમના વિના કામ કરી શકે નહીં. એ કોઈ રહસ્ય નથી કે ભાજપ બિહારમાં નીતીશકુમારને બદલે દેવેન્દ્ર ફડણવીસ જેવા વ્યક્તિને લાવવાની તક શોધી રહી છે, જેનો પોતાનો બિહારમાં મજબૂત પાયો હોય અને જે લોકપ્રિય પણ હોય. ભાજપે હાલ પૂરતું મુખ્ય મંત્રીના પદ માટે નીતિશકુમાર સાથે સમાધાન કરવું પડશે. મને ખબર નથી કે આ કેટલો સમય ચાલશે.’’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top