ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના આકાશમાં ઊડતી રકાબી (યુએફઓ ) દેખાઈ હોવાના વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ જવા પામી હતી. કોઈએ લગ્ન પ્રસંગમાં ડ્રોન ઉડાડ્યું હોય એટલે આકાશમાં પ્રકાશ દેખાતો હોવો જોઈએ, તેવી વાતને પણ કોઈ સમર્થન મળ્યું નથી. કારણ કે ઘટના સ્થળની આજુબાજુમાં ક્યાંય લગ્ન પ્રસંગ પણ ન હતો.
સાબરકાંઠાના ઈડર પાસે આવેલા સાબલવાડ ગામે તાજેતરમાં જ ત્રણ ભાઈ રાત્રિના સમયે ફળિયામાં નવો મોબાઈલ ફોન લઈને ઊભા હતા. એ વખતે એક યુવકે આકાશ બાજુ કેમેરો કરીને કેમેરાનું રીઝલ્ટ કેવું છે ? તે જોવા પ્રયત્ન કર્યો હતો. જો કે, તસવીરો જોતાં નજીકના વૃક્ષની પાછળ આકાશમાં લીલા રંગનો પ્રકાશ દેખાયો હતો.
આ ઉપરાંત ધુમાડાના સ્વરૂપમાં કોઈ આકૃતિ નીચે ઊતરી હોય તેવું દૃશ્ય પણ જોવા મળ્યુ હતું. આ ત્રણ યુવકોએ એવી પણ તપાસ કરી હતી કે, નજીકમાંથી કોઈએ ડ્રોન ઉડાડ્યુ હોવું જોઈએ. જો કે, આ વાતમાં કોઈ તથ્ય જોવા મળ્યું ન હતું.
તસવીરોમાં આકાશમાં લીલો પ્રકાશ અને ધુમાડાના સ્વરૂપમાં કોઈ આકૃતિ નીચે આવી તેવી તસવીરો તુરંત જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ નથી. લોકવાયકા મુજબ ઊડતી રકાબીઓ (યુએફઓ)માં પરગ્રહવાસીઓ પ્રવાસ કરતા હોય છે. જો કે, સાબરકાંઠામાં ઊડતી રકાબી જોવા મળી હોવાની ઘટનાએ યુએફઓ મુદ્દે ફરીથી ચર્ચા જગાવી છે.