‘ગુજરાતમિત્ર’ અખબારની ‘સત્સંગ’ પૂર્તિમાં લેખક સનત દવેએ પૂ. ડોંગરેજી મહારાજના સાદગીપૂર્ણ જીવનની વિસ્તારથી વાત કરી છે. અનુભવના આધારે મારે પણ એમના જીવન વિશે બે વાત કરવી છે. ગુજરાતમાં ડોંગરેજી મહારાજની ખ્યાતિ એક સાચા સંત મહાત્મા તરીકે જાણીતી હતી. સિત્તેરના દાયકામાં સુરત રૂવાલા ટેકરા પર એમની શ્રીમદ્ ભાગવતની કથાનું આયોજન સળંગ ત્રણ વર્ષ થયું હતું. પારસી શેરીમાં અમે અમારી દુકાન ધરાવતા હતા. એટલે ઘરબેઠા ગંગાનો અમૂલ્ય લાભ મળ્યો હતો. ધર્મપ્રેમી ‘ઠાકોર મીઠાઇવાલા’ આયોજીત કાર્યક્રમમાં અમે યુવાન મિત્રો સ્વયંસેવકની સેવા આપતા હતા.
સમય પર ભકતો શાંતિથી આવી જતા હતા. સાંજે પ્રસાદ લઇને ઘરભેગા થતાં. આજે આ વિસ્તાર શ્રી કૃષ્ણ ચોક તરીકે ઓળખાય છે. સમય જતાં ટ્રાફિક સમસ્યાને કારણે એમની ભાગવત કથા શહેરના અન્ય સ્થળે યોજાતી. મુંબઇની હોસ્પિટલમાં એમને અંતિમ ઘડીની ગંધ આવી ગઇ હતી. મુંબઇથી તેઓ એમના નિયત સ્થળ નડિયાદમાં માઇ મંદિરમાં આશરો લીધો હતો. થોડા દિવસ બાદ એમનું અવસાન થયું ત્યારે એમની અંતિમ યાત્રામાં આ લખનાર પણ સુરતના એમના પરમ ભકતો સાથે જોડાયા હતા. નર્મદા નદીમાં એમની અંતિમ ઇચ્છા મુજબ જળસમાધિ આપવામાં આવી હતી. નદીનાં જળચર પ્રાણીઓ એમના દેહથી સંતુષ્ટ થાય એવી એમની ઇચ્છા પૂર્ણ કરવામાં આવી હતી.
ગોપીપુરા, સુરત – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.