Columns

નાસ્તિકની કથા

એક માણસ એકદમ નાસ્તિક હતો. કોઈ ભગવાનમાં માનતો ન હતો. જે ભગવાની ભક્તિ કરે કે વાતો કરે તેની સાથે તે દલીલો કરતો કે ભગવાન છે જ નહિ. ગામમાં એક સંત આવ્યા. ગામલોકોને રામાયણની વાતો કહેવાનું શરૂ કર્યું. લોકોને સંતના મુખેથી કથા સાંભળવામાં અનેરો આનંદ મળતો એટલે રોજ વધુ ને વધુ લોકો ભેગા થવા લાગ્યાં. પેલો નાસ્તિક માણસ પણ રામમહિમાની કથા સાંભળવા પહોંચી ગયો. સંત સમજાવી રહ્યા હતા કે ભગવાન રામ એકદમ દયાળુ છે અને સૌથી મોટા દાતા છે. તે દરેકને આશ્રય આપે છે અને કોઈને ભૂખ્યા રાખતા નથી. પેલા નાસ્તિકે કથા વચ્ચે ઊભા થઈને પૂછ્યું, ‘‘માફ કરજો બાપજી, પણ હું માત્ર રામ- રામનામ લીધા કરું અને કોઈ કામ કરું નહિ તો શું મને ભોજન મળશે?’’

સંતે શાંતિથી કહ્યું, ‘‘મારો રામ કોઈને ભૂખ્યા રાખતો નથી.’’ પેલા નાસ્તિકે વધુ દલીલ કરતાં કહ્યું, ‘‘હું એક ઘનઘોર જંગલમાં એકલો બેસી જાઉં તો?’’ સંત બોલ્યા, ‘‘ તો પણ રામ તને ભોજન આપશે, ભૂખ્યો નહિ રાખે.’’ નાસ્તિકને ગુસ્સો આવ્યો અને સંતને ખોટા સાબિત કરવાની ચાનક ચઢી. તે સંત અને ગામલોકોને કહીને ઘનઘોર જંગલમાં ચાલ્યો ગયો અને એક ઊંચા ઝાડ પર બેસી ગયો. દૂર દૂર સુધી જંગલ જ હતું અને વન્ય પ્રાણીઓથી ભરેલું હતું. તેણે ગામલોકોને કોઈ મદદ મોકલવાની ના પાડી હતી. સૂરજ આથમ્યો, રાત પડી, ચારે બાજુ અંધારું ફેલાઈ ગયું અને જંગલ વધુ ભયંકર લાગવા લાગ્યું. નાસ્તિક ચુપચાપ ઝાડ પર બેસી રહ્યો. નીચે ઊતર્યો નહિ અને વિચારવા લાગ્યો કે કાલે સવારે ગામમાં જઈશ અને બધાને કહીશ કે તમારા રામે મને તો ભૂખ્યો રાખ્યો.

આખો દિવસ, આખી રાત ભોજન મળ્યું જ નહિ. ત્યાં દૂરથી ઘોડાનો તબડક તબડક અવાજ આવ્યો. રાજાના સિપાઈઓ હતા. તેઓ ઝાડ નીચે આવ્યા અને વિચાર્યું, અહીં ભોજન કરી, થોડો આરામ કરીએ. વહેલી સવારે આગળ વધીશું.સિપાઈઓ ઘોડાને ચારો નાખી પોતે ભોજન કરવા બેઠા. થોડે દૂરથી સિંહની ગર્જના સંભળાઈ અને ઘોડાઓ આમતેમ ભાગી ગયા.બીજી વાર ગર્જના સંભળાઈ અને સિપાઈઓ પણ ડર્યા અને પોતાના ઘોડાને શોધવા તેમની પાછળ દોડ્યા. નાસ્તિક માણસ ઉપર ઝાડ પર ભૂખ્યો બેઠો હતો. તેણે નીચે ભોજન જોયું અને તેની સાન ઠેકાણે આવી ગઈ. તેણે સ્વીકારી લીધું કે આ ભોજન મારે માટે ભગવાન રામે મોકલ્યું છે.

બીજે દિવસે તે સંત પાસે ગયો અને બધી વાત કહી. પૂછવા લાગ્યો, ‘‘બાપજી, હું તો ભગવાનમાં માનતો પણ ન હતો છતાં રામ ભગવાને મને ભૂખ્યો ન રાખ્યો?’’ સંત બોલ્યા, ‘‘તેનાં બે કારણ છે. એક મારો રામ બહુ દયાળુ છે. તે કોઈ ભેદભાવ કરતો નથી અને બીજું તું તેમની પર વિશ્વાસ ભલે ન કરે પણ હું તો અડગ વિશ્વાસ ધરાવું છું એટલે મેં કહ્યું, ‘‘રામ તને ભૂખ્યો નહિ રાખે એટલે પોતાના ભક્તના વિશ્વાસને તે કદી ડગવા દે નહિ.’’ નાસ્તિક માણસ સંતનાં ચરણોમાં પડી ગયો અને કહેવા લાગ્યો મને તમારો સેવક બનાવો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top