આજકાલ જાહેર અને ખાનગી સ્થળોએ સીસીટીવી કેમેરાઓ ગોઠવવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. સીસીટીવી એ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝનનું ટૂંકુ નામ છે. તે એક વિડિઓ સર્વેલન્સ સિસ્ટમ છે જ્યાં કેમેરા જાહેર પ્રસારણ ટેલિવિઝનથી વિપરીત મર્યાદિત સંખ્યામાં મોનિટરને સિગ્નલ ટ્રાન્સમિટ કરે છે. ક્લોઝ્ડ-સર્કિટ શબ્દ સૂચવે છે કે સિગ્નલો જાહેર જનતા માટે પ્રસારિત થતા નથી. તેના બદલે, તે અધિકૃત વપરાશકર્તાઓ દ્વારા જોવા માટે મોનિટર અથવા રેકોર્ડરના ચોક્કસ, ખાનગી સેટમાં ટ્રાન્સમિટ કરવામાં આવે છે. સીસીટીવી સિસ્ટમમાં કેમેરા, વિડિઓ રેકોર્ડર અને મોનિટરનો સમાવેશ થાય છે, જેને વાયર્ડ અથવા વાયરલેસ નેટવર્ક દ્વારા કનેક્ટ કરી શકાય છે.
તેનો ઉપયોગ મુખ્યત્વે સુરક્ષા અને દેખરેખ હેતુઓ માટે ગુનાને રોકવા, પ્રવૃત્તિઓને ટ્રેક કરવા અથવા પુરાવા પ્રદાન કરવા માટે થાય છે. શરૂઆતમાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ મર્યાદિત સ્થળોએ જ થતો હતો, હવે તેનો ઉપયોગ વ્યાપક બન્યો છે. મોટી કચેરીઓ, હોસ્પિટલો, શાળાઓ, શોપીંગ સેન્ટરોથી માંડીને ખાનગી મકાનો સુધી તેનો ઉપયોગ વિસ્તર્યો છે. હવે તો શહેરો અને નગરોમાં જાહેર માર્ગો પર સીસીટીવી કેમેરાઓ હોવા તે સામાન્ય વાત છે. સીસીટીવીના અનેક લાભો છે. તેનાથી ચોક્કસ વિસ્તારની ગતિવિધિ પર નજર રાખી શકાય છે અને તેના રેકર્ડેડ ફૂટેજને આધારે કોઇ ગુનાના આરોપીને પણ પકડવામાં મદદ મળે છે.
પરંતુ આ સીસીટીવીના કેટલાક ભયસ્થાનો પણ છે. તેમાં કેટલીક અંતર઼ંગ કે ગુપ્ત રાખવા લાયક બાબતો કેદ થઇ ગઇ હોય અને સીસીટીવી સિસ્ટમ હેક થાય કે આ ફૂટેજ કોઇ અધિકૃત વ્યક્તિ પણ અન્યોને આપે કે વેચે તો વ્યકતિઓની ગોપનીયતાનો ભંગ થાય છે. હાલમાં આવા જ એક ભયાનક સાયબર ક્રાઇમ કૌભાંડે ભારતની ડિજિટલ સલામતીની ભાવનાને હચમચાવી નાખી છે. છેલ્લા નવ મહિનામાં, હેકર્સે 20 રાજ્યોમાં ડઝનબંધ CCTV સિસ્ટમમાં ઘૂસીને ઘરો, હોસ્પિટલો, શાળાઓ અને ઓફિસોમાંથી ખાનગી ફૂટેજ ચોરી લીધા છે અને તેમને આંતરરાષ્ટ્રીય પોર્ન નેટવર્ક્સને ઓનલાઇન વેચી દીધા છે.
નિયમિત સુરક્ષા ફૂટેજ તરીકે જે શરૂ થયું તે હજારો નિર્દોષ ભારતીયો માટે દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું. તપાસકર્તાઓએ ખુલાસો કર્યો કે ૮૦ ડેશબોર્ડો હેક થયા હતા અને 50,000 થી વધુ વિડિઓ ક્લિપ્સ લીક થઈ હતી અને એન્ક્રિપ્ટેડ ટેલિગ્રામ ચેનલો પર પ્રતિ ક્લિપ 700 રૂપિયા જેટલા ઓછા ભાવે વેચાઈ હતી, જ્યારે કેટલીક 4,000 રૂપિયા સુધીના ભાવમાં વેચાઇ હતી. હોસ્પિટલના વોર્ડથી લઈને લિવિંગ રૂમ સુધી, હેકર્સે સામાન્ય ક્ષણોને દૃશ્યાત્મક સામગ્રીમાં ફેરવી દીધી હતી. આ કૌભાંડ સૌપ્રથમ ત્યારે સામે આવ્યું જ્યારે રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સ્નિપેટ્સ “મેઘા એમબીબીએસ” અને “સીપી મોન્ડા” નામની યુટ્યુબ ચેનલો પર દેખાયા.
આ ટીઝર ક્લિપ્સ દર્શકોને ટેલિગ્રામ ચેનલના જૂથો તરફ દોરી ગઈ જ્યાં સંપૂર્ણ વિડિઓઝનો વેપાર થઈ રહ્યો હતો. મેટરનિટી હોસ્પિટલમાં ડોકટર મહિલા દર્દીઓને તપાસતા હોય તે ક્ષણોની ક્લિપો તફડાવી લેવામાં આવી હતી. ખરેખર તો આવા તબીબી તપાસના સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવાના હોય જ નહીં પણ મૂકવામાં આવ્યા તે કઠોર વાસ્તવિકતા છે. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલો, શાળાઓ, કોર્પોરેટ ઓફિસો, ફેકટરીઓ, સિનેમા હોલો અને કેટલાક ખાનગી મકાનોના પણ સીસીટીવી ડેશબોર્ડો હેક કરવામાં આવ્યા હતા અને ક્લિપો તફડાવવામાં આવી હતી. ૮૦ જેટલા ડેશબોર્ડો હેક કરવામાં આવ્યા હતા.
પુણે, મુંબઇ, રાજકોટ, સુરત, અમદાવાદ, દિલ્હી તથા અન્ય શહેરોમાં હેકરોએ આ કારભાર કર્યો હતો. અનેક પોર્ન નેટવર્ક્સ પર આ ક્લિપો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગયા આખા વર્ષ દરમ્યાન આ કૌભાંડ ચાલી રહ્યું હતું. હેકરોએ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં વિવિધ ટૂલ્સ અને વેબસાઇટોનો ઉપયોગ કરીને સીસીટીવી સિસ્ટમો હેક કરી હતી અને ગુપ્ત કે અંતરંગ ક્ષણોની ક્લિપો તફડાવી હતી. ૨૦૨૪ના વર્ષ દરમ્યાન આ કૌભાંડ ચાલ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં ધરપકડો થયા બાદ પણ જૂન મહિના સુધી આ ક્લિપો ઓનલાઇન ઉપલબ્ધ હતી.
આ સિસ્ટમો હેક થઇ તેમાં તેમના માલીકોની પણ બેદરકારી બહાર આવી છે. એક સાયબર ક્રાઇમ અધિકારીના જણાવ્યા પ્રમાણે અનેક સીસીટીવી સિસ્ટમોમાં આ સિસ્ટમોના ઉત્પાદક તરફથી આપવામાં આવેલા admin123 પાસવર્ડને બદલવામાં આવ્યો જ ન હતો. આથી હેકરોનું કામ સરળ થઇ ગયું હતું અને તેમણે સહેલાઇથી સિસ્ટમો હેક કરી લીધી હતી. સીસીટીવીના ડિફોલ્ટ પાસવર્ડને બદલવાનું ફરજિયાત બનાવવામાં આવે, ડેટાની સલામતી માટે કડક નિયમો ઘડવામાં આવે અને હેકરો માટે કડક સજાની જોગવાઇ ધરાવતા કાયદા બનાવવામાં આવે તે હવે જરૂરી બની ગયું છે.