અંકોડિયા ગામના ખેડૂતોની કલેક્ટર કચેરીએ રજૂઆત
સરકારના ત્વરિત નિકાલના વલણ છતાં મહેસુલી વિભાગના માથે વિલંબના આક્ષેપ, કલમ 65, 65એ, 65બી અને 67એ હેઠળની અરજીઓ અટકવાથી ખેડૂતો મુશ્કેલીમાં
વડોદરા : શહેરથી લાગતા અંકોડિયા ગામના ખેડૂતો આજે જિલ્લા કલેક્ટર કચેરીએ બિનખેતી પરવાનગી તથા હેતુફેરની ફાઈલોમાં થતા વિલંબની સામે રજૂઆત કરવા માટે આવ્યા હતા. ખેડૂતો ગુજરાત ખેડૂત હિત રક્ષક સમિતિના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને મહેસુલી વિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ખેડૂતોનું કહેવું છે કે, ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 65, 65એ, 65બી અને 67એ હેઠળ દાખલ થયેલી અરજીઓમાં મહિનાઓ વીતી ગયાં છતાં નિકાલ કરવામાં આવતો નથી. નિયમ મુજબ બિનખેતી પરવાનગી માટેની અરજી ત્રણ મહિનામાં મંજૂર કે નામંજૂર કરવાની હોય છે, છતાં જિલ્લા કલેક્ટર કચેરીમાં હાલ 100થી વધુ ફાઈલો પડતર હોવાનું જણાય છે.

ખેડૂત અગ્રણી સુમનભાઈ પટેલે જણાવ્યું હતું કે, “સરકાર ત્વરિત નીતિ અપનાવી ખેડૂતોને રાહત આપવા માગી રહી છે, તેમ છતાં વડોદરા જિલ્લામાં જમીન સંબંધિત બિનખેતીની ફાઈલો લાંબા સમયથી અટકાવી રાખવામાં આવી છે. આ કાર્યવાહીથી ખેડૂતોની યોજનાઓ રૂંધાઈ રહી છે.” તેમણે આક્ષેપ કર્યો કે મહેસુલી વિભાગના કર્મચારીઓ ઇરાદાપૂર્વક ફાઈલોમાં વિલંબ કરી રહ્યા છે.
ખેડૂતો દ્વારા હેતુફેરના કેસોમાં કન્વર્ઝન ટેક્સ ભરાય પછી સર્ટિફિકેટ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપથી હાથ ધરાય તેવી પણ માંગણી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે વિલંબિત પ્રક્રિયા કારણે ખેડૂતોએ રોકાયેલા નાણાં અને યોજનાઓ બંને નુકસાનમાં જઈ રહી છે.
રજુઆત દરમિયાન ખેડૂતોએ ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ મુજબની દરેક કાર્યવાહી સમયસર અને પારદર્શક રીતે થાય તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોની રજૂઆત બાદ કલેક્ટર કચેરીના અધિકારીઓએ મામલો તાત્કાલિક તપાસી યોગ્ય નિકાલ કરવા વિશ્વાસ આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.